લોકાર્પણ:બોડેલીમાં 120 કરોડના ખર્ચે બરોડા ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું ઉદ્દઘાટન, CMએ કહ્યું: રાજ્યમાં ઉદ્યોગોને ક્યાંય કનડગત ન થાય તેની દરકાર લઇશું

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો - Divya Bhaskar
અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો
  • સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી છેઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક અલ્હાદપુરા દૂધ શીત કેન્દ્ર ખાતે રૂ.120 કરોડના ખર્ચે વડોદરા જિલ્લા સહકારી સંઘ દ્વારા નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટને ખુલ્લો મૂક્યો હતો. જ્યાં મુખ્યમંત્રીએ સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં દરેક ઉદ્યોગને સહુલિયત રહે અને ક્યાંય કનડગત ન થાય તેની રાજ્ય સરકાર દરકાર લેશે.

દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે
મુખ્યમંત્રી દ્વારા ઉદ્દઘાટિત નવ નિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે. દૂધની પેકિંગ ક્ષમતા પ્રતિ દિન 3 લાખ થવા સાથે સ્ટોરેજ ક્ષમતા 4 લાખ લીટર થશે. એટલુ જ નહીં ભવિષ્યમાં 11 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ સંપાદન પહોંચે ત્યાં સુધીની ક્ષમતા ઉભી થઇ છે. આ નૂતન પ્લાન્ટ આદિવાસી વિસ્તારમાં સ્થપાયેલ હોવાથી રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના વધુ સરળ અને સુલભ બનશે.

સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો
સિંહ જેવી દૃઢતાથી લોકકલ્યાણના કામો કરવાનો સંકલ્પ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો

ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં ખૂબ વિકસી છે. ગુજરાતના પનોતા પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે નવા સુધારા દ્વારા સહકારી માળખાને મજબૂતી આપી છે. ડેરી ઉદ્યોગ એ સહકારિતાની નાભી જેવો ઉદ્યોગ છે. જે લાખો પશુપાલકોને આત્મ નિર્ભર બનાવે છે. સહુનો સાથ, સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ એ વડાપ્રધાનનું સૂત્ર સહકારી ડેરી ઉદ્યોગને ખૂબ લાગુ પડે છે. આત્મનિર્ભર ભારત માટે આત્મ નિર્ભર ગુજરાત જરૂરી છે. ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં સહકારિતા ઉદ્દીપકનું કામ કરે છે.

અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધા જ પ્રયત્નો કરીશું
સ્વરાજની ચળવળ વખતે ગુજરાતમાં સહકારીના પાયા નંખાયા ત્યારે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ બેલડી દ્વારા તેમને પ્રોત્સાહન અપાયું હતું. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વટવૃક્ષ બની દેશના સીમાડા વટાવી ગઇ છે. હવે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સહકારિતા મંત્રી અમિત શાહ સમગ્ર દેશને સહકારથી સમૃદ્ધિનો નવો રાહ ચિંધે છે. વહીવટમાં શક્ય તેટલી સરળતા દ્વારા લોકોના કામો સરળ બનાવવા એ અમારો સંકલ્પ છે. અમે લોકોની મુશ્કેલીઓ નિવારવા બનતા બધા જ પ્રયત્નો કરીશું.

મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે
મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં દૂધ પ્રોસેસ ક્ષમતામાં 3થી 6 લાખ લીટર પ્રતિ દિન વધારો થશે

180 કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોના પ્રશ્ન સૌને સાથે લઇને ઉકેલવામાં આવ્યો છે. બરોડા ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને રૂ. 27 કરોડ ચૂકવવામાં આવશે. તેમાંથી રૂ. 18 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી છે અને બાકીની રકમ આગામી માર્ચ સુધીમાં ચૂકવી દેવાનું ડેરીનું આયોજન છે. આ વિસ્તારમાં રૂ. 550 કરોડના ખર્ચથી 191 જેટલા વિકાસના કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી રૂ. 180 કરોડના વિકાસ કામો પૂર્ણ થઇ ગયા છે. બોડેલી ફાટકનું કામ પણ ઝડપથી મંજૂર કરવામાં આવનાર છે.

બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ 10 લાખનો ચેક મુખ્યમંત્રીએ અર્પણ કર્યો
બરોડા ડેરીની મૃત્યુ સહાય યોજના હેઠળ ડેરીના મૃતક કર્મચારી નીતિનભાઇ પટેલના ધર્મપત્ની દીપિકાબેન પટેલને રૂ.10 લાખનો ચેક મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો. પ્રારંભમાં સૌનો આવકાર કરતા બરોડા ડેરીના પ્રમુખ દિનુભાઇ પટેલ જણાવ્યું હતું કે 1957માં માત્ર 6 મંડળી અને 500 લીટર દૂધથી શરૂ થયેલી બરોડા ડેરી આજે 1200 દૂધ મંડળી સાથે રોજનું 6.50 લાખ લીટર દૂધ એકત્ર કરે છે. બરોડા ડેરીને મજબૂત કરવામાં વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાના પશુપાલકોનો સિંહ ફાળો રહ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી છેઃ મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા કાયદાકીય સુધારા કરી સહકારી માળખાને મજબૂતી આપી છેઃ મુખ્યમંત્રી

બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી.સોલંકીએ આભારવિધિ કરી
આ પ્રસંગે રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી, સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભેસિંહ તડવી, અગ્રણી ભાર્ગવ ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, અગ્રણી અશ્વિન પટેલ, રશ્મિકાંત વસાવા, અગ્રણીઓ, સહકાર વિભાગના સચિવ નલિન ઉપાધ્યાય, કલેકટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘ, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, ડેરીના એમ. ડી. અજય જોષી, બોર્ડના સભ્યો સહિત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની દૂધ ડેરીઓના પ્રમુખ, મંત્રી અને વિશાળ સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...