'હર ઘર નલ સે જલ' યોજના:CM ભૂપેન્દ્ર પટેલ મંગળવારે વડોદરા જિલ્લાને 100 ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કરશે, 3.26 લાખ ઘરોમાં નળથી પીવાનું પાણી પહોંચ્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 16 નવેમ્બરને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 16 નવેમ્બરને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે
  • મુખ્યમંત્રી સાવલી ખાતે રૂ.126 કરોડની વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરશે
  • વડોદરા, સાવલી, ડેસર, કરજણના કુલ 211 ગામો માટે 365 કરોડની 5 જુથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત કરશે

વડોદરા જિલ્લાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી મંગળવારના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને તેની સાથે સાવલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને 100 ટકા ટેપ વોટર કનેક્ટેડ જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ-2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ 2021માં જ સાકાર કરી લીધો છે.

CM મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 16 નવેમ્બરને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર ખાતે સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી બનશે. એ પૂર્વે તેઓ વડોદરા જિલ્લાને 100 ટકા નળજોડાણ યુક્ત જિલ્લો જાહેર કરશે. તેની સાથે પાણી પુરવઠાની યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.

3.26 લાખ ઘરોમાં નળથી પીવાનું પાણી પહોંચ્યું
‘હર ઘર નલ સે જલ’ ના યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં 3,26,705 ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે અને આ તમામ ઘરોને રૂ. 8391 લાખની યોજનાઓ મારફતે 100 ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યુ છે.

2.42 લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ મળશે
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના 39 ગામ તથા 34 પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કુવાના સ્ત્રોત આધારીત વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાના અંદાજીત રકમ રૂ. 126.59 કરોડના કામો કરાયા છે. જેમાં મહી નદીનું પાણી વડોદરા તાલુકાના અનગઢ ગામે તથા ધનોરા ગામે મુખ્ય હેડવર્કસ ખાતે કુલ 46 એમ.એલ.ડી ક્ષમતાના જળ શુધ્ધીકરણ પ્લાન્ટમાંથી પીવાનું શુદ્ધ પાણી જુદા-જુદા 4 હેડવર્કસ સુધી લઈ જવા માટે આશરે 151 કિમી પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી છે. જેની કામગીરી પુર્ણ થયેલ છે. આ યોજના દ્વારા હવેથી 2.42 લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ મળનાર છે. જેનું લોકાર્પણ થશે.

364.80 કરોડના પ્રોજેકટનું આયોજન કરાયું
આજ પ્રકારે વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ 211 ગામો માટે નવીન 5 જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત અંદાજીત રકમ રૂ. 364.80 કરોડના પ્રોજેકટનું આયોજન છે. જેના કામો હવે શરૂ કરવામાં આવનાર છે. જે તબક્કાવાર પૂર્ણ કરી 4.35 લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ આપવામાં આવશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...