7.50 કરોડની મહાદેવની પ્રતિમાનું મુખારવિંદ દેખાયું:મહાશિવરાત્રિ પહેલાં જ વડોદરાની શિવજીની સુવર્ણ જડિત પ્રતિમાનાં દર્શન થયાં, પ્રતિમા પરનું કપડું ફાટતાં લોકોએ વીડિયો ઉતાર્યો

વડોદરા2 મહિનો પહેલા

વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી મહાશિવરાત્રિના દિવસે સુવર્ણ જડિત મહાદેવની પ્રતિમાને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે.

હાલ એના ઉપર સફેદ કપડું ઢાંકી દેવામાં આવ્યું હતું, પરંતુ બે દિવસથી સુસવાટા મારતા પવન શરૂ થતાં કપડું ફાટી જવાથી સુવર્ણ જડિત શિવજીનો મુખારવિંદ સહિતનો કેટલોક ભાગ દેખાવા લાગ્યો હતો. સુરસાગર પાસેથી પસાર થતા લોકોએ સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાના વીડિયો ઉતાર્યા હતા.

સુરસાગર મધ્યે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે.
સુરસાગર મધ્યે 111 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા છે.

પ્રતિમાને સફેદ કાપડથી ઢાંકી દેવાઈ
સુરસાગરના મધ્યમાં બિરાજમાન કરાયેલી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને સુવર્ણ ઢોળ ચઢાવવાનું છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું હતું. પહેલા તળાવને સ્વચ્છ કરવાનું કામ કરાયું, બાદમાં ફાઉન્ડેશન અને સત્યમ, શિવમ, સુંદરમ ગ્રુપ દ્વારા આ શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ લેવાયો હતો, જેનું કામ હવે પૂર્ણ થઇ ચૂક્યું છે અને હાલ સુવર્ણ જડિત પ્રતિમાને સફેદ કાપડથી ઢાંકી દેવામાં આવી હતી. સુવર્ણ જડિત પ્રતિમાને મહાશિવરાત્રિના દિવસે ખુલ્લી મૂકવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો પણ સુવર્ણ જડિત પ્રતિમાનાં દર્શન કરવા ભારે ઉત્સુક છે. જોકે બે દિવસથી પવન શરૂ થતાં મૂર્તિ પર લગાવવામાં આવેલું કપડું ફાટી જતાં પ્રતિમાનો મોઢા સહિતનો સુવર્ણ જડિત ભાગ દેખાઈ રહ્યો છે.

પથ્થર લગાવવાની કામગીરી ચાલે છે
ધારાસભ્ય યોગેશ પટેલ ઇચ્છા વ્યક્ત કરી હતી કે શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવામાં આવે, એ ઇચ્છા હવે પૂર્ણ થઈ છે. આગામી મહાશિવરાત્રિના દિવસે સુવર્ણ જડિત પ્રતિમાને શહેરીજનોનાં દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવશે. હાલ શિવજીની પ્રતિમાની નીચેના ભાગે આવેલા પિલરમાં પથ્થર લગાવવાનું કામ ચાલી રહ્યુ છે. આગામી મહાશિવરાત્રિના દિવસે પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે. ત્યારે આ સુવર્ણ જડિત પ્રતિમાનાં દર્શન કરી શકશે.

પવનને કારણે કપડું ફાટી જતાં સુવર્ણ જડિત શિવજી દેખાયા.
પવનને કારણે કપડું ફાટી જતાં સુવર્ણ જડિત શિવજી દેખાયા.

વડાપ્રધાન દર્શન કરવા આવશે
આ પ્રતિમાને 7.50 કરોડ રૂપિયાનું 16 કિલો જેટલું સોનું ચઢાવવામાં આવ્યું છે. આ નયનરમ્ય પ્રતિમાનાં દર્શન મહાશિવરાત્રિએ કરી શકાશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે વડોદરામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરસાગરમાં આવેલી શિવજી પ્રતિમાનો ઉલ્લેખ કર્યો હતો અને કામગીરી ક્યાં પહોંચી એની નોંધ પણ લીધી હતી. એટલું જ નહીં, વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ પ્રતિમા તૈયાર થઈ જશે પછી હું દર્શન કરવા માટે ચોક્કસ આવીશ.

કોણે પ્રતિમાને સુવર્ણ જડિત કરી?
સુરસાગર તળાવની મધ્યે બિરાજમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા,પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા ઉપર રચવામાં આવી છે. પ્રતિમા અને તેના પ્લીન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતીષ વિજ્ઞાન, ગ્રહ વિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદન શાસ્ત્ર અને રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો છે. મૂળ ઓરિસ્સાના કારીગર રાજેન્દ્ર નાયક અને તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું.

શિવજીની સુવર્ણ જડિત પ્રતિમા.
શિવજીની સુવર્ણ જડિત પ્રતિમા.

રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શેરડી સાંઈબાબા મંદિર સહિત દેશના 50 જેટલા ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે. સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને રૂ.7.50 કરોડનું 16 કિલો સોનાનું આવરણ ચઢાવ્યું છે. દેશમાં સૌ પ્રથમ વડોદરામાં 111 ફૂટની શિવજીની પ્રતિમાને સોનાનું આવરણ ચઢાવવામાં આવશે.

111 ફૂટની શિવજીની પ્રતિમાની વિશેષતા

  • ચંદન તલાવડીના જૂના નામથી ઓળખાતું અને 18મી સદીમાં બનેલા સુરસાગરમાં સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા 1995માં 111 ફૂટ ઉંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું.
  • વર્ષ 2002માં મહાશિવરાત્રીના દિવસે બી.એ.પી.એસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
  • 5 ઓગસ્ટ 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢાળ ચઢાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
  • મૂર્તિ પર કાગળ જેવા સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યો છે.
  • સોમનાથ અને અંબાજી જેવા મંદિરોમાં સોનાનું લેયર ચઢાવનાર ગુજરાતના કારીગરોએ સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોને મઢી છે
  • ગુજરાતમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે
  • વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તો પણ તેને કોઈ આંચ ન આવે તેવી રીતે ડિઝાઇન કરાઈ છે.
  • પ્રતિમા પૂર્વાભિમુખ છે, જેથી પ્રથમ લેવલ પરના પગથિયા પૂર્વ તરફ રખાયાં છે. આ લેવલથી બીજા લેવલ પર પહોંચવા ચારે ખૂણાના બંને છેડા 8 નાના ક્યારાથી જોડી દેવાયા છે.
અન્ય સમાચારો પણ છે...