GPCBની કાર્યવાહી:પ્રદૂષિત પાણી ઠાલવતી 5 કંપનીને ક્લોઝર ડાયરેક્શન નોટિસ અપાઇ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓ પ્રદૂષણ કેવી રીતે રોકશે તેનો પ્લાન રજૂ કરવો પડશે
  • મયૂર ડાયકેમ, અસાઇ, બોદલ, કિરી કંપની સામે GPCBની કાર્યવાહી
  • પ્લાન્ટ માટે રૂા.105 કરોડનો ખર્ચો કરાશે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયત ધારાધોરણોનો ભંગ કરતી વડોદરાની આસપાસની 5 કંપનીઓને જીપીસીબી દ્વારા ક્લોઝર ડાયરેક્શન નોટિસ આપવામાં આવી છે. વડોદરાની એન્વાયરો ચેનલ પ્રોજેક્ટની પાઇપ બંધ નહેરમાં ગંદા પાણી નાંખવાના નિયત ધારાધોરણ મુજબ વિનાનું પ્રદુષિત ઠાલવવામાટે અને પ્રદુષણના વિવિધ નિયમોના ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કંપનીઓમાં મયૂર ડાયકેમ, મેઘમણી, અસાઇ પેટ્રોલિયમ અને બોદલ તથા કેમિકલ મેન્યૂફેકચરિંગ કંપની કિરીનો સમાવેશ થાય છે. આ વિશે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે, ‘આ કંપનીઓને ક્લોઝર ડાયરેક્શન નોટિસ અપાઇ છે. આ નોટિસ દ્વારા કંપનીઓને 10 દિવસથી માંડીને એક મહિનાના સમયગાળામાં કોન્ટિજેન્સી ન પ્લાન રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે.

’ આ પ્લાન અંતર્ગત તેઓ પ્રદુષણ કેવી રીતે રોકશે, કેટલા સમયગાળામાં રોકવામાં આવશે, કેવી રીતે રોકશે જેવી માહિતી સાથેનો ફુલપ્રૂફ પ્લાન આપવાનો હોય છે. એટલે કે અત્યાર સુધી આ કંપનીઓ આવા પ્લાન વિના જ ધમધમતી હતી. ધારાધોરણોનો ભંગ કરતી આ કંપનીઓ સામે કોઇ આકરા પગલા ભરવામાં આવ્યાં નથી. પણ પ્લાન રજૂ કરવાનું કહીને તેમને સમજાવવાનો જ પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એન્વિરો ઇન્ફ્રાની હાલની હાઇડ્રોલિક ક્ષમતા 12 એમએલડીની છે જે 20 એમએલડી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રદુષણના મામલે જીપીસીબી દ્વારા જવાબદાર કંપનીઓ સામે કોઇ કડક કાર્યવાહી થતી નથી અને માત્ર નોટીસો જ અપાતી હોવાના કારણે પ્રદુષણ ફેલાવતી કંપનીઓમાં કોઇ પણ પ્રકારનો ડર જોવા મળતો નથી.

પાદરાના ઉદ્યોગો મલ્ટિપલ ઇ વેપોરેટર પ્લાન્ટ ઊભો કરશે
વડોદરાની આસપાસના ઉદ્યોગોને લીધે પાણીના પ્રદુષણની અને પાણીના વપરાશની સમસ્યાને ઉકેલવા માટે પાદરાના ઉદ્યોગો દ્વારા બે એસટીપી પ્લાન્ટ ઊભા કરવામાં આવશે. જેમાં અત્યાધુનિક મલ્ટીપલ ઇ વેપોરેટરનો ઉપયોગ થશે. આ પ્લાન્ટ પિલુદરામાં સ્થપાશે. આ પ્લાન્ટ માટે રૂ. 105 કરોડનો ખર્ચ થશે. જ્યારે વડોદરા મહાનગર પાલિકા અને જીએસએફસી, જીઆઇપીસીએલ અને જીએસપીસીએલ દ્વારા 4.2 કરોડ લીટર ગંદુ પાણી ટ્રીટ કરવા માટેનું આયોજન કર્યું છે.

એક તરફ વડોદરા એન્વાયરો ચેનલ કંપની દ્વારા ચેનલમાં ટ્રીટમેન્ટ કર્યા વિનાના ગંદા પાણી સીધા જ મહીસાગરમાં ઠલવાય છે અને ચેનલમાં પણ લિકેજ હોવાથી અગાઉ ચેનલના મેનેજમેન્ટને પણ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. આ બંને પ્લાન્ટમાં દૈનિક 1 કરોડ લીટર પાણીનું શુદ્ધિકરણ થશે. એકવાર પ્લાન્ટ ધમધમતો થશે ત્યારબાદ અન્ય નાના ઉદ્યોગો પણ તેમા જોડાશે જેથી એન્વાયરો ચેનલમાં ટ્રીટમેન્ટ કરેલું શુદ્ધ પાણી જ ઠલવાશે.

અન્ય સમાચારો પણ છે...