બરોડા ડેરીની સભા તોફાની બની:પશુપાલકોનું શોષણ કરાતું હોવાના આક્ષેપ કરીને સભાસદોએ હોબાળો મચાવ્યો, સત્તાધારી અને વિરોધી જૂથ વચ્ચે ઝપાઝપી

વડોદરા13 દિવસ પહેલા
બરોડા ડેરીની 65મી વાર્ષિક સાધારણ સભા કેલનપુર દાદા ભગવાન મંદિર હોલમાં મળી હતી.
  • વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબ સર્વાનું મતે મંજૂર
  • આગામી 3 વર્ષમાં પ્રતિદિન 10 લાખ લિટર દૂધની આવક ઉભી કરવાનું આયોજન
  • બરોડા ડેરી દ્વારા પશુપાલકોને 72 કરોડ ભાવફેર ચૂકવવામાં આવશે

વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની કેલનપુર દાદા ભગવાન મંદિર સ્થિત હોલ ખાતે મંગળવારે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. વાર્ષિક હિસાબો સહિતના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. દરમિયાન પ્રશ્નોત્તરી દરમિયાન જિલ્લાની વિવિધ મંડળીઓ દ્વારા પ્રશ્નો કરવામાં આવતા સભાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સભામાં ઉપસ્થિત વિરોધી જૂથ અને સત્તાધારી પક્ષનું જૂથ આમને-સામને આવી ગયું હતું. એક તબક્કે બંને જૂથ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જોકે, પોલીસે બંને જૂથના લોકોને છૂટા પાડી મામલો શાંત પાડ્યો હતો.

બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો દ્વારા હોબાળો.
બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો દ્વારા હોબાળો.

વાર્ષિક સભા તોફાની બનવાના એંધાણ સાચા ઠર્યા
બે વર્ષના કોરોના બાદ આજે કેલનપુર દાદા ભગવાન મંદિર ખાતે વાર્ષિક સાધારણ સભા મળી હતી. આ સભામાં વિવિધ તાલુકાના ગામોની દૂધ ઉત્પાદક મંડળીઓના મંત્રી, પ્રમુખો, ડિરેક્ટરો તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક સાધારણ સભા પૂર્વે બરોડા ડેરી દ્વારા GSTમાં થયેલા વધારાને પગલે છાસ, દહીં સહિતની પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. જે ભાવ વધારાના પગલે અને પશુપાલકોને ભાવફેર આપવાના મુદ્દે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ (દિનુ મામા) અને ઉપપ્રમુખ ગણપતસિંહ સોલંકીને રજૂઆત કરી હતી. ત્યાર બાદ સાવલીમાં પશુપાલકોના મળેલા સંમેલનમાં ધારાસભ્યએ હાજરી આપી હતી અને બરોડા ડેરીના વહીવટ કર્તાઓ સામે આકરા પ્રહારો કર્યાં હતા. જેમાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પણ બરોડા ડેરીના વહીવટકર્તાઓને આડે હાથ લીધા હતા.

વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા
વાર્ષિક સાધારણ સભામાં મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા

બરોડા ડેરીના પ્રમુખે ડેરીના વિકાસનો ચિતાર રજૂ કર્યો
બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થશે તેવા એંધાણ હતાજ અને તે એંધાણ સાચા ઠર્યા હતા. સભાની શરૂઆતમાં પ્રમુખ દિનેશ પટેલે (દીનુ મામા)એ પશુપાલકો સમક્ષ વાર્ષિક હિસાબનો ચિતાર રજૂ કર્યો હતો. અને કોઇનો વાર્ષિક હિસાબ અંગે વિરોધ ન આવતા સર્વાનુંમતે મંજૂર કર્યો હતો. આ ઉપરાંત બરોડા ડેરીના વિકાસ લક્ષી ઠરાવો અંગે પણ કોઇ વિરોધ ન આવતા મંજૂર કર્યા હતા. અને બરોડા ડેરી દ્વારા કરવામાં આવી રહેલી ઉત્તરોત્તર પ્રગતિ અને આવનારા દિવસોમાં બરોડા ડેરી દ્વારા કરવામાં આવનાર પ્રગતિ અંગે પશુપાલકોને માહિતી પૂરી પાડી હતી.

વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થતાં પોલીસે મામલો થાળે પાડ્યો
વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થતાં પોલીસે મામલો થાળે પાડ્યો

રાજ્યની અન્ય ડેરીઓ કરતા બરોડા ડેરી વધુ ભાવે ફેર ચૂકવે છે
બરોડા ડેરીના ઉપપ્રમુખ ગણપતસિંહ બી. સોલંકીએ આભાર વિધિ પ્રસંગે પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બરોડા ડેરી દ્વારા બોડેલીમાં સ્થાપવામાં આવેલો પ્રોસેસિંગ પ્લાન્ટ કાર્યરત થઇ ગયો છે. બોડેલી ખાતે 20 હેક્ટર જમીન છે. પ્લાન્ટ બનાવતા બાકી રહેલી જમીન બિન ખેતી કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્લાન્ટ ખાતેથી તમામ પ્રકારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. બરોડા ડેરીમાં હાલમાં પ્રતિદિન 5 લાખ લિટર જેટલી દૂધની આવક છે. કોઇ વખત 7 લાખ લિટર પણ પહોંચી જાય છે. આવનારા ત્રણ વર્ષમાં 10 લાખ લિટર દૂધની આવક ઉભી કરવાનું આયોજન છે. અને તે માટે 30 હજાર જાફરાબાદી અને મહેસાણી પશુ લાવી પશુપાલકોને આપવાનું આયોજન છે. 50 ટકા લોન પશુપાલકોને બરોડા ડેરી દ્વારા ધ સેન્ટ્રલ કો.ઓપ. બેંક દ્વારા આપવામાં આવશે. બેંક દ્વારા પશુપાલકો માટે વાર્ષિક રૂપિયા 150 કરોડની ફાળવણી કરી છે. તેમણે ભાવફેર અંગે બનાસકાંઠા ડેરી સહિત અન્ય ડેરીઓની સરખામણીમાં બરોડા ડેરી દ્વારા પશુપાલકોને વધુ ભાવફેર આપવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થતા પશુપાલકો સ્ટેજ પાસે પહોંચી ગયા
વાર્ષિક સાધારણ સભામાં હોબાળો થતા પશુપાલકો સ્ટેજ પાસે પહોંચી ગયા

પ્રશ્નોત્તરી દરમિયાન બે જૂથો વચ્ચે ઝપાઝપી
દરમિયાન પશુપાલકોને પ્રશ્નોત્તરી માટે જણાવવામાં આવતા ભાદરવા દૂધ ઉપ્તાદક મંડળીના પિન્ટુભાઇ પરમાર ઉભા થયા હતા. અને બરોડા ડેરી દ્વારા આપવામાં આવેલા ચિતારને ફૂલગુલાબી ગણાવી આક્ષેપ કરતા હબોળો મચ્યો હતો. ડેરીના વહીવટકર્તાઓના સમર્થકો ઉભા થઇ ગયા હતા. અને ડેરી સામે આક્ષેપો કરી રહેલા સભાસદો સાથે ચર્ચામાં ઉતરી ગયા હતા. પરિણામે બંને જૂથ આમને-સામને આવી ગયું હતું. એક તબક્કે ઝપાઝપી પણ થઇ હતી. જોકે, પોલીસ કાફલો દોડી આવતા બંને જૂથને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...