• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Clashes Break Out Between Two Student Unions At Vadodara MS University, With Many Getting So Fired Up That They Hit Each Other With Sticks

મારામારીના LIVE VIDEO:વડોદરા MS યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, એટલા બધા ઉશ્કેરાઈ ગયા કે એકબીજાને લાકડીઓ ફટકારી

વડોદરા16 દિવસ પહેલા
  • વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળનાર છે

વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સમરાંગણમાં ફેરવાઇ હતી. વોટ્સએપ ગ્રૂપમાંથી રિમૂવ કરવા બાબતે બે વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છુટ્ટા હાથની અને લાકડીઓથી મારામારી થઇ હતી. કોમર્સ ફેકલ્ટી ખાતે થયેલી આ મારામારીના પગલે કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. તેમજ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી યોજવી કે નહીં તે અંગે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળવાની છે.

હજુ ચૂંટણીના કોઇ ઠેકાણા નથી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી આવી રહી છે. જેના પગલે યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સિટીની સત્તા કબજે કરવા માટે વિવિધ વોટ્સએપ ગ્રૂપો બનાવીને પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. ઉપરાંત વિદ્યાર્થી સંગઠનો ફેકલ્ટીઓમાં જઇને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. જોકે, આગામી દિવસોમાં ચૂંટણી યોજવી કે નહિં, ક્યારે યોજવી, કેવી રીતે કરવી તે તમામ બાબતોનો નિર્ણય લેવા માટે આગામી બે દિવસમાં સિન્ડિકેટની બેઠક મળશે, જ્યારે હજુ ચૂંટણી યોજવી કે નહિં તે અંગેનો નિર્ણય લેવાયો નથી, તે પહેલાં ચૂંટણીએ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.

હરીફ જૂથના વિદ્યાર્થીઓને લાકડીઓથી માર મારી રહેલા વિદ્યાર્થીઓ.
હરીફ જૂથના વિદ્યાર્થીઓને લાકડીઓથી માર મારી રહેલા વિદ્યાર્થીઓ.

હર્ષિલ રબારી અને આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે મારામારી
આજે બનેલા બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં યોજાનાર વિદ્યાર્થી સંગઠનની ચૂંટણી જીતવા માટે AGSG ગ્રૂપ દ્વારા વોટ્સએપ ગ્રૂપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રૂપમાંથી આતિફ મલિક તથા અન્ય એક યુવાનને ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવતા AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ અને ગ્રૂપમાંથી દૂર કરવામાં આવેલા આતિફ મલિકના ગ્રૂપ વચ્ચે કોમર્સ ફેકલ્ટી ખાતે છુટ્ટા હાથની મારામારી થઇ હતી.

મારામારી થતાં ટોળું એકઠું થઇ ગયું
મારામારી થતાં ટોળું એકઠું થઇ ગયું

વિજિલન્સ પણ દોડી ગઈ
આ મારામારીમાં AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ દ્વારા આતીફ મલિકને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. AGSG ગ્રૂપના વિદ્યાર્થીઓ લાકડીઓ સાથે ધસી આવતા આતિફ મલિક કેમ્પસ છોડી ફરાર થઇ ગયો હતો. આ બનાવને પગલે યુનિવર્સિટીની વિજિલન્સ ટીમ પણ દોડી આવી હતી. આ ટીમે મારામારી સમયે ટોળે વળેલા લોકોને વિખેરવા માટે લાકડીઓ ઉગામતા કેમ્પસમાં દોડધામ મચી ગઇ હતી. વિદ્યાલય સંકુલ સમરાંગણમાં ફેરવાઇ ગયું હતું.

ટોળાને વિખેરી રહેલી વિજિલન્સ ટીમે લાકડીઓ ઉઠાવી
ટોળાને વિખેરી રહેલી વિજિલન્સ ટીમે લાકડીઓ ઉઠાવી

મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો
કોમર્સ ફેકલ્ટી ઉપર થયેલી મારામારી અંગે વિદ્યાર્થી આગેવાન હર્ષિલ રબારી તેમજ હરીફ પક્ષના વિદ્યાર્થી અગ્રણીએ સામસામે આક્ષેપો કર્યા હતા. આજે ફેકલ્ટીમાં બનેલા મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ ગયા હતા. તે સાથે મામલો સયાજીગંજ પોલીસ મથકમાં પહોંચ્યો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી ગયાં હતાં. પોલીસે પણ બંને સંગઠનોની વિગતો સાંભળી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...