વડોદરામાં છાણી કેનાલ પાસે દબાણ હટાવવાની મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં કાર્યવાહી થઈ હતી. જો કે, બેઘર બનેલા ગરીબ ઝૂંપડાવાસીઓમાંથી એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા ઘડીભર વાતાવરણ તંગ થઈ ગયું હતું. પોલીસ તથા મ્યુનિ. દબાણ હટાવો વિભાગના સ્ટાફે તરત મહિલા પાસેથી માચીસ છીનવી લીધી હતી. એક તબક્કે ગ્રીન બેલ્ટના ગરીબ ઝૂંપડવાસીઓની પોલીસ અને દબાણ શાખાની ટીમ સાથે ઝપાઝપી અને ઘર્ષણ થયું હતું. ગાત્રો થિજાવતી ઠંડીમાં ઝૂંપડાઓ જમીનદોસ્ત કરવામાં આવતા ગરીબો દયનીય સ્થિતિમાં મુકાઇ ગયા હતા.
ભાડું વસૂલાતું હોવાનો આક્ષેપ
વડોદરાના છાણી કેનાલ પાસે આવેલા શમશેરા ફ્લેટના રહીશો દ્વારા અવાર-નવાર ફ્લેટની સામે આવેલા ગ્રીન બેલ્ટની જગ્યામાં ઝૂંપડાવાસીઓ દ્વારા દબાણની ફરિયાદ હતી. આ સાથે ગ્રીન બેલ્ટ સ્થિત એક ધાર્મિક સ્થળના પૂજારી ઝૂંપડાવાસીઓ તેમજ માટલા, કુંડા, ચૂલાનો વેપાર કરનારા પાસેથી ભાડું વસૂલતા હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. હાલ કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતાં ગેરકાયદે દબાણો તેમજ પાલિકાની માલિકીના પ્લોટમાં કરાયેલાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા આજે છાણી કેનાલ પાસેના ફ્લેટની સામેના ગ્રીન બેલ્ટની જગ્યાઓ પરનાં દબાણો દૂર કરવાનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું.
દબાણો દૂર ન કરવા રજૂઆત
સવારે દબાણ શાખાની ટીમ મહિલા પોલીસ સહિતના પોલીસ સ્ટાફને સાથે રાખી શમશેરા ફ્લેટની સામે આવેલી ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર પહોંચી હતી. તે સાથે મેયર કેયૂર રોકડિયા પણ સ્થળ પર પહોંચી ગયા હતા. મેયર પહોંચતા ગ્રીન બેલ્ટની જમીનના પૂજારી સહિત ઝૂંપડાવાસીઓ દબાણો દૂર ન કરવા માટે મેયરને રજૂઆત કરી હતી. પરંતુ, મેયરે કોઇપણ જાતની લાગણી બતાવ્યા વગર દબાણ શાખાને ગેરકાયદે તમામ દબાણો દૂર કરવા માટે સૂચના આપી હતી.
હથોડાથી દબાણ તોડાયાં
પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે જે.સી.બી. તેમજ હથોડા લઈને દબાણો દૂર કરવા માટે શરૂઆત કરતા જ ઝૂંપડાવાસીઓ વિરોધ સાથે ઘર્ષણમાં ઊતરી પડ્યા હતા. એક ઝૂંપડાવાસી યુવાનને દબાણ શાખાની ટીમના જવાનો ખેંચીને સ્થળેથી દૂર લઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તો ગરીબ ઝૂંપડાવાસી મહિલાઓ, યુવતીઓ મહિલા પોલીસ સાથે ઝૂંપડા ખાલી ન કરવાની જીદ સાથે ઘર્ષણમાં ઊતરી પડી હતી. એક તબક્કે ઝૂંપડાવાસી મહિલાઓ મહિલા પોલીસ સાથે ઝપાઝપી ઉપર ઊતરી આવી હતી.
આગ લગાવવાનો પ્રયાસ
દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે એક ઝૂંપડામાંથી પરિવારને બહાર કાઢવાનો પ્રયાસ કરતા મહિલાએ ઝૂંપડાને આગ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા પોલીસ અને દબાણ શાખાની ટીમે મહિલાને દીવાસળી ચાંપતા અટકાવી દીધી હતી. દબાણ શાખાની ટીમ ઝૂંપડાઓ દૂર કરવાની શરૂઆત કરતા ઝૂંપડાવાસીઓએ રોકકળ શરૂ કરી દીધી હતી. તો વળી કેટલાક લોકો દ્વારા પાલિકા સામે ભારે રોષ પણ ઠાલવ્યો હતો.
આપઘાતની ચીમકી ઉચ્ચારી
ગ્રીન બેલ્ટ સ્થિત ધાર્મિક ડેરીની બાજુમાં ઝૂંપડું બનાવીને રહેતા પૂજારીના ઝૂંપડાને પણ પાલિકાની દબાણ શાખાએ દૂર કરવા જતાં પૂજારી રોષે ભરાયા હતા અને મેયરને મંદિર પણ દૂર કરવા જણાવી રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, જો દબાણો દૂર કરવામાં આવશે, તો અમે આખો પરિવાર આપઘાત કરી લઇશું. જોકે, મેયરે પૂજારીની ચીમકીને ધ્યાને લીધા વગર દબાણ શાખાની ટીમને તમામ ગેરકાયદે દબાણો દૂર કરવાની સૂચના આપી દીધી હતી.
વર્ષોથી ગ્રીન બેલ્ટની જગ્યામાં દબાણ
વર્ષોથી ગ્રીન બેલ્ટની જગ્યાનાં દબાણો દૂર ન થતાં આજે મેયરે જાતે ઊભા રહી દબાણો દૂર કરાવતા શમશેરા ફ્લેટના રહીશો મેયરને અભિનંદન આપવા માટે દોડી આવ્યા હતા. મેયરે પણ મીડિયાને જણાવ્યું હતું કે, શમશેરા ફ્લેટમાં અનેક ભાજપના કાર્યકરો રહે છે અને તેઓ દ્વારા અનેક વખત ફ્લેટની સામે આવેલા પાલિકાની માલિકીની ગ્રીન બેલ્ટ જગ્યા ઉપરનાં દબાણો દૂર કરવા રજૂઆતો કરી હતી. જે રજૂઆતોનો આજે અંત આવ્યો હતો.
તંત્રને રજૂઆત કરી હતી
ગાત્રો થીજવતી પડી રહેલી ઠંડીમાં પાલિકાની દબાણ શાખાએ મેયરની ઉપસ્થિતિમાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝૂંપડાવીસોને બેઘર કરતા ઝૂંપડાવાસીઓની હાલત દયનીય બની ગઇ હતી. ઝૂંપડાવાસીઓનાં નાનાં બાળકોએ પણ લોકોને જોઈને રડવાનું શરૂ કરી દીધું હતું. તો માટલા, ચૂલા, કૂંડા જેવી વિવિધ ચીજવસ્તુઓના પથારા પાથરી વેચાણ કરનારા વેપારીઓ પોતાના સામાનને નુકસાન થાય તે પહેલાં સામાન સહીસલામત ખસેડવાનું શરૂ કર્યું હતું. તો વળી કેટલાક લોકોએ સામાન ન હટાવવાની જીદ કરી તંત્રને રજૂઆત કરી હતી કે, અમને આજીવિકા માટે બીજી વ્યવસ્થા કરી આપ્યા બાદ સામાન દૂર કરીશું.
કહી ખુશી કહી ગમ
વડોદરા શહેરના છાણી શમશેરા ફ્લેટ સામેના ગ્રીન બેલ્ટની જગ્યામાં ગેરકાયદે થયેલાં દબાણો દૂર કરીને પાલિકાએ પ્લોટ ખુલ્લો કરાવ્યો હતો. પાલિકા દ્વારા આ પ્લોટ ઉપર નિશ્ચિત કરેલી કામગીરી કરવામાં આવશે. ઝૂંપડાઓનાં દબાણો તેમજ વેપારીઓનાં દબાણો દૂર થતાં શમશેરા ફ્લેટના રહીશોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તો બીજી બાજુ વર્ષોનું આશિયાના છીનવાઇ જતાં ગરીબ ઝૂંપડાવાસીઓ દયનીય સ્થિતીમાં મુકાઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.