પ્રયાસ:શહેરના પ્રજ્ઞાચક્ષુ યુવકે હિમાલયમાં 17 હજાર ફૂટનું કપરું ચઢાણ સર કર્યું

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિત્રના સંગાથમાં ફ્રેન્ડશિપ ચોટી સર કરવાનો પ્રયાસ કર્યો
  • વારસાગત બીમારીને કારણે 2001માં દૃષ્ટિ ગુમાવી હતી

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય તે કહેવતને સાર્થક ન્યૂ સમા રોડ પર રહેતા પ્રજ્ઞાચક્ષુ સંજીવ ગોહીલે કરી છે. સંજીવ ગોહીલ હાલમાં જ મિત્ર સાથે હિમાલયની ફ્રેન્ડશિપ ચોટી સર કરવાનો પ્રયાસ કર્યો હતો. નાનપણથી જ પ્રકૃતિ સાથે લાગણી હોવાના કારણે સંજીવભાઈએ ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરવાનું પંસદ કર્યું હતું અને જુવાનીથી જ વિવિધ પર્વતોને સર કર્યા હતા. વારસાગત બીમારીને કારણે 2001થી તેઓ વાંચવા, લખવાની તેમજ વ્યક્તિ ઓળખવાની શક્તિ ગુમાવ્યા બાદ ધીરે-ધીરે આંખોની દૃષ્ટિ પણ ગુમાવી હતી.

દૃષ્ટિ ગુમાવ્યા છતાં તેમનું મનોબળ ભાંગ્યું નહોતું અને તેમણે ભૂતકાળમાં પણ ગુજરાતના અનેક પર્વતો સર કર્યા હતા, પણ પહેલીવાર તેમણે હિમાલય તરફ પ્રયાણ માંડ્યું હતું. મિત્રનો સાથ મળતા તેમણે હિમાલયની ફ્રેન્ડશિપ હીલને સર કરવાનું આયોજન કર્યું હતુ. સંજીવ અને તેમના મિત્ર પુષ્પકે વડોદરાથી 16 ઓક્ટોબરથી પ્રવાસની શરૂઆત કરી હતી અને હિમાચલ પ્રદેશના સોલાંગ વેલીથી ફ્રેન્ડશી હિલ ચઢવાનું શરૂ કર્યું હતું. મિત્રની બેગમાં લાગેલી દોરીના આધારે તેમણે 17 હજાર ફૂટ સુધી ચઢાણ કર્યું હતું, પણ તે ફ્રેન્ડશિપ હીલ 347 ફૂટથી ચૂકી ગયા હતા.

સંજીવ પોતાના હિમાલયના અનુભવ વિશે જણાવે છે કે, હિમાલયમાં પર્વતારોહણ હંમેશાં રાત્રે કરાય છે કારણે કે દિવસ દરમિયાન બરફ ઓગળે છે, જેથી પર્વત ચઢી ન શકાય. રાત્રે માઈનસમાં પારો જતાં ચઢાણમાં તકલીફ પડે છે, જેના કારણે જ હું 347 ફૂટથી ફ્રેન્ડશિપ હીલ ચૂકી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...