ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરની 5 વિધાનસભા બેઠકની આંટીઘૂંટી અને લેખાંજોખાં

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાડા, ગેંડા સર્કલ બ્રિજની મંથર ગતિની કામગીરી, ઢોર, પાણીની સમસ્યાથી ત્રસ્ત મતદારોનો ઝુકાવ પારખવો આ વખતે મુશ્કેલ

મનીષ પંડ્યા

5 ટર્મથી શહેરની 5 બેઠક પર શાસન ધરાવતા ભાજપના નેતાઓએ સેન્સ, સંકલન, પાર્લામેન્ટરીમાં રિંગ બનાવી એકબીજાનાં નામ સાચવી કુલડીમાં ગોળ ભાંગ્યો હતો. જોકે મનીષાબેનને બાદ કરતાં ધારણા કરતાં ઊલટાં નામો બહાર આવ્યાં. બીજી તરફ કોંગ્રેસે એજ્યુકેટેડ ચહેરાના દાવા સાથે 4 નામ જાહેર કર્યાં પણ એક પરિવારને ટિકિટનો રોષ, એનસીપીમાંથી આવેલાં મહિલા તબીબને ઉમેદવારી અને મરાઠી સમાજની બાદબાકીનો વિરોધ થયો.

દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો. જેમાં 87 લોકોનો સંપર્ક કરતાં ખાડા, ગેંડા સર્કલ બ્રિજના કામથી હાલાકી, ઢોર તેમજ ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશોની ખેંચતાણમાં શહેરની ઘોર ખોદવા મુદ્દે લોકો નારાજ છે. લોકોએ કહ્યું, અહીં ભાજપ વિરુદ્ધ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ કોંગ્રેસની લડાઇ છે.

1 સયાજીગંજ / પ્રમુખ-ડાંગરનો ખેલ બગડ્યો, રોકડિયાને બીજી વખત વેર ભાવે વૈકુંઠ મળ્યું
વર્તમાન સ્થિતિ :
60થી વધુ દાવેદાર હતા. નેતાઓની ખેંચતાણથી છેલ્લી ઘડી સુધી ઉમેદવાર નક્કી ન હતો. અમિત શાહની એન્ટ્રી અને અટકળ બાદ મેયરને ટિકિટ મળી છે. આ વિધાનસભા ક્ષેત્ર વર્ષોથી વિકાસ ઝંખે છે. કોંગ્રેસનો વિરોધ વિશ્વામિત્રી-કમાટીબાગની આસપાસ જ ફરે છે. આપના સ્વેજલ વ્યાસ પણ ઉત્પાત મચાવશે.

એનાલિસીસ : સાંસદનો ટેકો, શહેર પ્રમુખની સંમતિથી ભરત ડાંગરનું કદ વધ્યું. કેયુર રોકડિયા એકલા પડ્યા હતા. સગાવાદ, 2 મરાઠી ઉમેદવારને બહાને રાજેશ આયરેની વિકેટ લેવાઇ. અહીં ડાંગરને ટિકિટ અપાવી માંજલપુરમાં વૈષ્ણવ ચહેરો બનવાનું પ્રમુખનું સપનું વૈષ્ણવ એવા મેયરને ટિકિટ મળતાં રોળાયું. મેયરને ફરી વેર ભાવે વૈકુંઠ મળ્યું.

2017 : ભાજપના જીતેન્દ્ર સુખડિયા 59,132 વોટની સરસાઈથી જીત્યા હતા

કુલ મતદાર : 3,00,569 પાટીદાર : 45,000 મરાઠી : 31,264 વૈષ્ણવ-જૈન: 18,445 બ્રાહ્મણ : 27,500 મુસ્લિમ : 30,000 SC-ST-OBC 84,000 અન્ય : 64,269

2 રાવપુરા / મોદીની સીધી પસંદગીએ વિવાદિતોને પણ એક મંચ કરી દીધા
વર્તમાન સ્થિતિ :
મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું પત્તું કાપી માજી સાંસદ બાળુ શુક્લને ટિકિટ આપી ભાજપે આંચકો આપ્યો. બ્રાહ્મણને હટાવી મરાઠી ઉમેદવાર મૂકી દીધા. અહીં ભાર્ગવ ભટ્ટ અને ડૉ.જ્યોતિ પંડ્યા પણ લિસ્ટમાં હતાં. બાળુ શુક્લે મધ્યસ્થ કાર્યાલયમાં વિવાદી ચહેરાને એક મંચ પર લાવી નિવડેલું શક્તિ પ્રદર્શન કર્યું હતું.

એનાલિસીસ: શહેર સંગઠન અને સત્તાધારીની ટાંટિયા ખેંચ અટકાવી નેતા અને કાર્યકરોને શિસ્તમાં લાવવા બાળુ શુક્લ પર કળશ ઢોળાયો છે. આ પસંદગી સીધી વડાપ્રધાન મોદીની હોવાનું મનાય છે. મોનિટર માટે પણ પ્રબળ દાવેદાર નેતા છે. અહીં કોંગ્રેસના એસપી સાથે પાટીદાર નેતાઓ હજુ સુધી ખાસ દેખાયા નથી.

2017 : ભાજપના રાજેન્દ્ર િત્રવેદી 36,696 વોટની સરસાઈથી જીત્યા હતા

કુલ મતદાર : 2,97,424 પાટીદાર : 35,000 મરાઠી : 22,000 વૈષ્ણવ-જૈન : 29,400 બ્રાહ્મણ : 27,400 મુસ્લિમ : 49,000 SC-ST-OBC 80,000 અન્ય : 54,624

3 માંજલપુર / યોગેશ પટેલનું રાજકીય મૌન, સયાજીગંજમાં વૈષ્ણવ ઉમેદવાર મૂકાતાં પાટીદાર દાવેદારો હરખપદુડા, ચૂંટણીમાં વરરાજા બનવા નીકળેલા પ્રમુખને હવે અણવર બનવું પડશે

વર્તમાન સ્થિતિ : શિવભક્ત યોગેશ પટેલને ભાજપે 75 વર્ષના નિયમનો ઝેરનો કટોરો પાયો છે. સામાજિક ફેક્ટરમાં કેયુર રોકડિયા ફાવતાં ડો.વિજય શાહનું સ્વપ્ન રોડાયું. કોંગ્રેસના ડૉ.તશ્વિન સિંઘના વિરોધ વચ્ચે ભાજપ પાટીદાર પસંદ કરી શકે.

એનાલિસીસ : અપક્ષની તૈયારી વચ્ચે યોગેશ પટેલ અસમંજસમાં છે. ડો.વિજય શાહને વૈષ્ણવાચાર્યોએ કદ પ્રમાણે વેતરાવી દીધા છે. સયાજીગંજમાં વૈષ્ણવ ઉમેદવારને પગલે અહીં પાટીદાર ફેક્ટર ચાલશે. ડૉ.શાહે હવે વરરાજા નહીં અણવર બનવું પડશે.

2017 : ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે 56,362 વોટની ભારે સરસાઈ સાથે જીત પ્રાપ્ત કરી હતી

કુલ મતદાર : 2,63,161 પાટીદાર : 34,161 મરાઠી : 32,000 બ્રાહ્મણ: 22,500 ક્ષત્રિય: 23,000 વૈષ્ણવ-જૈન : 29,000 SC-ST-OBC: 73,900 અન્ય : 48,600

4 અકોટા / એક મોદી, એક રાહુલની પસંદ કોંગ્રેસ અહીં ભાજપને પરસેવો પડાવશે

વર્તમાન સ્થિતિ : સીમાબેન જાય છે… ખુદ ભાજપના નેતાઓએ આ વાત ચલાવી હતી. ડો.વિજય શાહે પણ જોર લગાવ્યું હતું. જોકે ચૈતન્ય દેસાઇના નામની જાહેરાત વડાપ્રધાન મોદીની પસંદગીથી થઇ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને યુનિ.ના પૂર્વ વિદ્યાર્થી નેતા ઋત્વીજ જોષી રાહુલ ગાંધીની ચોઇસ છે. જે ભાજપને હંફાવશે.

એનાલિસીસ : ભાજપ પ્રમુખ ડો.વિજય શાહનું અકોટાનું સ્વપ્ન રોળાયું તો વૈષ્ણવ સમાજના પ્રહરી બની માંજલપુર બેઠક પર ડોળો જમાવ્યો. અહીં કોંગ્રેસના 50 હજાર આસપાસ સિક્યોર મત હોવાનું અનુમાન છે. ઋત્વીજ ભાજપનું ગણિત બગાડી શકે તેવી સ્થિતી છે પણ પ્રશાંત પટેલની આડ તેને નડી શકે.

2017 : ભાજપના સીમાબેન મોહિલે 57,139 વોટની સરસાઈથી જીત્યા હતા

કુલ મતદાર : 2,75,425 પાટીદાર : 35,000 મરાઠી : 30,425 વૈષ્ણવ-જૈન:24,000 બ્રાહ્મણ : 27,500 મુસ્લિમ : 41,000 SC-ST-OBC 81,700 અન્ય : 27,500

5 શહેર-વાડી / નેતાઓ સાથે રિંગ કરવામાં ભાજપ પ્રમુખે એકલવ્યનો અંગૂઠો કાપ્યો

વર્તમાન સ્થિતિ : એક માત્ર મનીષાબેન વકીલ રિપીટ થશે તેવી રાજકિય પંડિતોની ધારણા સાચી પડી. જે સાથે સુનિલ સોલંકી સહિતના દાવેદારોનો અંગુઠો તેમના દ્રોણાચાર્યે કાપી લીધો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે બાદ સ્ટ્રેટેજી ઘડશે. ગત ટર્મમાં હારેલા અનિલ કે ગુણવંત પરમાર મેદાનમાં ઊતરે તેવી ધારણા છે.

એનાલિસીસ : મનીષાબેન તેમના વિસ્તારના વોર્ડના કોર્પોરેટરોને સાથે લઇ ચાલતાં હોવાનો અન્ય કોર્પોરેટરોમાં ગણગણાટ છે. સુનિલ સોલંકીએ પણ આ બેઠક પર દાવેદારી કરી પણ ટિકીટ ના મળી તો બાળુ શુક્લના ખેમામાં જોડાઇ ગયા. અહીં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હજુ સુધી જાહેર કર્યો નથી.

2017 : ભાજપના મનીષા વકીલ 52,385 વોટની સરસાઈથી જીત્યાં હતાં

કુલ મતદાર : ​​​​​​​3,06,242 પાટીદાર : 29,000 મરાઠી : 28,512 વૈષ્ણવ-જૈન:30,000 બ્રાહ્મણ : 17,500 મુસ્લિમ : 42,000 SC-ST-OBC 76,000 અન્ય : 83,230

અન્ય સમાચારો પણ છે...