બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી છે. વડોદરા શહેર પોલીસે એક જ દિવસમાં જુદી જુદી જગ્યાએ વોચ ગોઠવી દારૂના 146 કેસ નોંધ્યા છે. તેમજ દરોડા પાડી 627 લિટર દેશી દારૂ જપ્ત કર્યો છે. સાથે જ ઇંગ્લિશ દારૂના 9 પાઉચ જપ્ત કર્યા છે. શહેર પોલીસે એક જ દિવસમાં દારૂ પીધેલા 56 સહિત 83 લોકોની અટકાયત કરી છે. જ્યારે નેશનલ હાઇવે પર થાર પલટી જતા એકનું મોત નીપજ્યું હતું.
નેશનલ હાઇવે પર થાર પલટી જતાં એકનું મોત, ત્રણ ઘાયલ
આજે વહેલી સવારે ત્રણ વાગ્યે આણંદથી ચાર મિત્રો તપસ ભરતભાઇ પટેલ, હિમાંશુગીરી સંતોષગીરી ગોસ્વામી, ઋત્વીક સુકવાશ વાળા અને રાજનગીરી શ્યામગીરી ગોસ્વામી થાર જીપ લઇને ભરૂચ જઇ રહ્યા હતા. રાજનગીરી થાર જીપ ચલાવી રહ્યો હતો. આ દરમિયાન નેશનલ હાઇવે પર વડોદરા નજીક એરફોર્સ સ્ટેશન પાસે બ્રિજ ઉતરતા જીપ પલટી ખાઇ ગઇ હતી. જેમાં રાજનગીરનું મોત થયું હતું. જ્યારે અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પતિએ અને સાસરિયાએ પરિણીતા પર ત્રાસ ગુજાર્યો
શહેરના કપુરાઇ વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેના લગ્ન વર્ષ 2019માં મંદાર પ્રવિણભાઇ પ્રજાપતિ (રહે. સરદાર પટેલ હાઇટ્સ, સમતા, વડોદરા) સાથે થયા હતા. લગ્ન પહેલા પતિએ કહ્યું હતું કે, તેને કોઇ વ્યસન નથી અને કોઇ અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ નથી. જોકે બાદમાં પતિ દારૂ પીવા લાગ્યો હતો અને પોતે અગાઉ પણ દારૂ પીતો હોવાનું બહાર આવ્યું હતું. છતાં પરિણીતા પતિ અને સાસરિયાનો ત્રાસ સહન કરી લગ્નજીવન નિભાવી રહી હતી. દરમિયાન અન્ય એક યુવતીએ પરિણીતાના ઘરે આવી ધમાલ મચાવી હતી. તેમજ પરિણીતા પતિ સાથે ઘણા વર્ષોથી સંબંધ ધરાવતી હોવાનું ફોન કરીને જણાવ્યું હતું. આ ઘટના બાદ પતિ અને સાસરિયા પરિણીતા પર ત્રાસ ગુજારતા પીયરમાંથી દહેજ લાવવાની માગણી કરી હતી. જેથી પરિણીતાએ પતિ અને સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.