જનમહેલનો નવો વિવાદ:સિટી બસના યાત્રીને વચ્ચેના માર્ગથી પ્રવેશવા દબાણ, અગાઉના પ્રશ્ન ઉકેલાયા નથી ત્યાં નવી મુસીબત ઊભી કરાયાના આક્ષેપ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જનમહેલમાં વચ્ચેના માર્ગે પ્રવેશ અપાતાં લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો. - Divya Bhaskar
જનમહેલમાં વચ્ચેના માર્ગે પ્રવેશ અપાતાં લોકોમાં કચવાટ જોવા મળ્યો હતો.
  • જનમહેલમાં આવેલી દુકાનોને ગ્રાહકો મળી રહે તે માટે બદલાવ કરાયો છે: સિટી બસ સંચાલકો

શહેરના રેલવે સ્ટેશન ખાતે આવેલા જનમહેલનો ફરી એક વખત વિવાદ ઊભો થયો છે. સિટી બસના મુસાફરોને અનુકૂળ રસ્તાએથી અંદર જવા દેવાને બદલે માત્ર જનમહેલની વચ્ચેના રસ્તેથી પ્રવેશ આપવાનું અને બહાર નીકળવાનું ફરજિયાત કરાતાં સંચાલકો અને મુસાફરોમાં કચવાટ જોવા મળ્યો હતો. સિટી બસ સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે, કોર્પોરેશન અમારું સાંભળતું નથી અને જૂના પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી ત્યાં નવી મુસીબત ઊભી થઇ છે.

સિટી બસમાં બેસવા માટે કડક બજારથી આવતા મુસાફરો યુનિવર્સિટીની બાજુની દીવાલથી બહાર નીકળવાના રસ્તેથી અંદર જતા હોય છે, જ્યારે એસટી ડેપોથી આવતા મુસાફરો રેલવે સ્ટેશન તરફના રસ્તેથી અંદર જતા હોય છે. જોકે જનમહેલના સંચાલકો દ્વારા આ બંને રસ્તાની વચ્ચે બનાવેલા એન્ટ્રન્સ દ્વારા જનમહેલમાં જવા માટે મુસાફરોને દબાણ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે સિક્યુરિટીવાળા સાથે મુસાફરોને રકઝક પણ થતી હતી. આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.

સિટી બસ સંચાલકના જણાવ્યા મુજબ પાર્કિંગ, બસનું સમય પત્રક સહિતના અનેક પ્રશ્નો અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ ઉકેલ આવ્યો નથી ત્યારે એન્ટ્રીના પ્રશ્નથી મુસાફરોની સંખ્યામાં ઘટાડો થશે. વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યા મુજબ આગામી સમયમાં મુસાફરોની સંખ્યા ઘટવાથી સિટી બસને પણ નુકસાન વધારે થશે. જનમહેલમાં આવેલી દુકાનોને ગ્રાહક મળી રહે તે માટે આ બદલાવ કરવામાં આવી રહ્યાનું જણાય છે.

અન્ય સમાચારો પણ છે...