તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:હોમ ક્વોરન્ટાઇનમાં રહેલા નાગરિકો કહે છે... અમે તો ઘરમાં જ બંધ પણ તમે પણ લૉકડાઉનનું પાલન કરો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વીટીબેન કડીયા અને બે બાળકો, આજવા રોડ, વડોદરા - Divya Bhaskar
સ્વીટીબેન કડીયા અને બે બાળકો, આજવા રોડ, વડોદરા
  • ‘હોમ ક્વોરન્ટાઈન એટલે કોરોના નહીં પણ એની સામેની સાવચેતી’
  • પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા અનેક લોકો આ ‘સજા’ સૌની સલામતી માટે ભોગવી રહ્યાં છે

વડોદરાઃ આખો દિવસ પોતાના જ ઘરના એક રૂમમાંથી બહાર નીકળવાનું નહીં. પૂરાઇને રહેવાનું, કોઇને મળવાનું નહીં આવી હાલતમાં બે-ત્રણ દિવસ દિવસ રહેવાનું હોય તો કદાચ મજા આવે પણ 14-14 દિવસ સુધી રહેવાનું હોય તો? કહેર મચાવતા કોરોના વાઇરસના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં જાણે-અજાણે આવી ચૂકેલા આવા સંખ્યાબંધ સાવચેત લોકો શહેરમાં આ ‘સજા’ સૌની સલામતી માટે ભોગવી રહ્યાં છે. આ લોકો સાથે જ્યારે દિવ્ય ભાસ્કરની ટીમે વાત કરી તો મોટાભાગના લોકોએ એક જ વાત કરી કે, લોકોએ લોકડાઉનનું પાલન પ્રામાણિકતાથી કરવું જોઇએ. કેટલાકે પાડોશીઓના સહકારની વાત કરી તો એવા પણ છે જે આવા કટોકટીના સમયમાં પાડોશી ધર્મ ભૂલીને સપોર્ટ કરતા નથી એવી ફરિયાદ પણ કરી. જોકે આવા લોકોની મદદ માટે તંત્ર કંઇ નક્કર વ્યવસ્થા કરે તે ઇચ્છનીય છે.

‘લોકડાઉનનું પ્રામાણિકતાથી પાલન કરવું જોઇએ’ - સ્વીટીબેન કડીયા, આજવા રોડ
ઓ માનથી ગત 15 માર્ચે હું મારા બે બાળકો સાથે વડોદરા આવી હતી.  છેલ્લા 14 દિવસથી 8 વર્ષ અને 6 વર્ષના બે બાળકો સાથે એક રુમમાં જ રહું છું. લોકોએ પ્રમાણીકતાથી લોકડાઉનનું પાલન કરવું જોઇએ અને સરકારે જે પગલાં લીધા છે તેને સહયોગ કરવો જોઇએ. હું વડોદરામાં તેમના સસરાના ઘેર 14 દિવસથી 8 વર્ષના અને 6 વર્ષના બે બાળકો સાથે એક જ રુમમાં હોમ ક્વોરન્ટાઇન છું. અમારી જરુરીયાતોની તમામ વસ્તુ તેમના રુમમાં જ મળી રહી છે. અમે ઓમાનથી ઇન્ડીયા આવ્યા ત્યારે વારંવાર સેનેટાઇઝરનો ઉપયોગ કર્યો હતો. બાળકોને તરસ લાગી હોવા છતાં પાણી સુદ્ધા આપ્યું ન હતું. મારા બાળકો તરસને કારણે ખુબ રડયા પણ હતા પણ આવા સંજોગોમાં સજાગતા જ કામ લાગે છે. આજે રવિવારે તેમનો 14મો દિવસ છે અને બાળકો તથા તેઓ સંપુર્ણ સુરક્ષિત છે. શહેરના લોકોને અપીલ છે કે ભારત સરકારે આગોતરા પગલાં સારા લીધા છે અને લોકોએ લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરી સરકારને સહયોગ કરવો જોઇએ. 

‘રૂમમાં એકલો ગીતો ગાઇ અને ટીવી જોઇને સમય પસાર કરું છું - રાજીવ પારેખ, પ્રતાપનગર
હું ટુરિઝમ અને ફોટોગ્રાફી સાથે જોડાયલો છું. હું દુબઈ થી ગત 15 મી તારીખે હું બરોડા આવ્યો અને મે 104 પર કોલ કર્યો હતો પણ કોઈ આવ્યું ન હતું. પણ 25 મી તારીખે પોલીસ આવી હતી અને મને 9 તારીખ સુઘી ઘરમાં રહેવા સુચના આપી છે. હું મારા રૂમમાં એકલો રહુ છું અને ગીતો ગાઈ અને ટી.વી. જોઈને મારો સમય પસાર કરુ છુ.

પોલીસ અધિકારીએ કહ્યું છે કોઇપણ જરૂર હોય તો અમને કોલ કરજો - હેમંત શુકલા અને પરિવાર, વારસીયા
મારી  પત્ની પારૂલબેન (ઉ.વ. 60) ઓસ્ટ્રેલીયા સ્થિત પુત્રીને ત્યાં સવા મહીનો રહીને અત્રે 14 માર્ચ પરત ફર્યા હતા. દરમીયાન ભારતમાં પણ કોરોનાનો કહેર શરૂ થતા તેમણે સાવચેતીના ભાગ રૂપે ઘરમાંજ રહેવાનું શરૂ કર્યુ હતું. પુત્ર નિરવ, માતા યોગીની બહેન અને તેઓ પત્ની સાથે હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. આરોગ્ય વિભાગ તરફથી રોજ તબીબ  ચકાસણી માટે ઘરે આવતા હતા. જ્યારે વારસીયા પોલીસ મથકના અધિકારી એસ.કે.દેસાઇ દ્વારા તેમને કોઇપણ જરૂર હોય તો ફોન કરવા જણાવ્યું હતું. પાડોશીઓ દ્વારા સહકાર સારો છે. ઘરે દૂઘ -શાક આવે છે. અમારે કશે જવાની જરૂર પડતી નથી. 

ઘરે યોગાસન કરું છું, મુવી જોઉં છું અને મોબાઇલ પર ગેઇમ રમુ છું - મૌર્ય પટેલ, માંજલપુર
હું યુકેથી 13 દિવસ પહેલા વડોદરા આવ્યો હતો અને આવીને તરત જ હોમ કોરોન્ટાઇન થઇ ગયો હતો. હું અભ્યાસ માટે યુકે સ્થિત માન્ચેસ્ટર પાસેની યુનિવર્સિટીમાં ગયો હતો અને કોરોનાની સ્થિતિ ઉભી થાય તે પહેલા જ હું વડોદરા પાછો આવી ગયો હતો. મારા માંજલપુર સ્થિત બંગલામાં મારા રૂમમાં જ રહુ છુ અને મારો પરિવાર પણ બહાર જતો નથી. હું સવારે ઉઠીને ચ્હા નાસ્તો કરુ છુ, બપોરે જમ્યા બાદ મુવી જોવુ છુ કે ઘણી વખત સમય પસાર કરવા માટે ગેઇમ રમુ છુ. યોગા મેટ લઇને આવ્યો છુ એટલે ઘરે યોગા કરુ છુ અને જીમ પણ હોવાથી ઘરે જ એકસરસાઇઝ કરુુ છું.

ફ્લેટના લોકો સપોર્ટિવ નથી, વસ્તુ લેવા જતાં રોકે છે - ભૂષણપ્રભુ દેસાઈ, કાશીવિશ્વનાથ રોડ
હું શહેરના કાશીવિશ્વનાથ રોડ પર આવેલા સાંઈ સુકાન ફ્લેટમાં બે વર્ષથી રહુ છુ. મારા બિઝનેસના કામ અર્થે હું મુંબઇ ગયો હતો. ત્યાંથી 18 તારીખે રિટર્ન થયો હતો. વડોદરા આવતા જ મને ચેકઅપ કરાવવા જણાવાયું એટલે હું ચેકઅપ કરાવવા ગયો હતો. મારા રિપોર્ટ નેગટિવ આવ્યા છે. જોકે મને 18 તારીખથી ઘરે રહેવા જણાવાયું હતું. હાલમાં 12 દિવસ થયા છે. મને મારા પરિવારનો સપોર્ટ છે. પરંતુ ફ્લેટના લોકો સપોર્ટ કરતા નથી. આવશ્યક ચીજવસ્તુઓ લેવા જતા પરિવારને રોકવામાં આવે છે.

ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો છું, સવારે 4 સુધી ક્લાસ ચાલે છે - નેહલ શાહ, રેસકોર્સ
મને 23 માર્ચે અમેરિકાથી પરત ફર્યા બાદ હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. શિકાગોમાં મારી યુનિવર્સિટી ચાલુ છે અને હું રોજ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યો છું ભારત અને અમેરિકાના ટાઈમ ઝોન અલગ હોવાના કારણે રાત્રે 10:00 વાગ્યે મારા લેક્ચર શરુ થાય છે જે સવારે 4 વાગ્યા સુધી ચાલે  છે. પપ્પા ઘરેથી ટીફીન આપી જાય છે પરંતુ એકલતા અનુભવુ છું. વીડિયો કોલિંગ થી માતા પિતા ના સંપર્ક માં રહું છું.

ઘરમાં જ અલગ રૂમમાં રહી રહ્યો છું મોબાઇલ ફોન જ મારો સાથી બન્યો છે - કિશન ગોહિલ, અનગઢ
થોડાક દિવસો પહેલા અમારા સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે વિદેશ થી લોકો  આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સેન્ટર ના લોકોની પણ તબીબી તપાસ કરવામાં આવી હતી. મને હોમ ક્વોરન્ટાઇન રહેવા માટે જણાવ્યું હતું. હું મારા ઘરે અલગ રૂમમાં  એકલો રહું છું. આખો દિવસ મારા મોબાઈલ સાથે પસાર કરું છું. અત્યાર સુધી ના દિવસો મોબાઈલ પર સારી રીતે પસાર થયા, આગળ ના દિવસો પણ સારી રીતે પસાર થશે.

અન્ય સમાચારો પણ છે...