• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Citadel And Navrang Complex Sealed In Vadodara On Fire Safety Issue, Now Fire Safety Campaign Will Be Carried Out In Residential Buildings Also

ફાયર વિભાગની કાર્યવાહી:વડોદરામાં ફાયર સેફ્ટી મુદ્દે સિટાડેલ અને નવરંગ કોમ્પ્લેક્ષ સીલ કરાયા, હવે રહેણાંક ઇમારતોમાં પણ ફાયર સેફ્ટીની ઝુંબેશ હાથ ધરશે

વડોદરાએક મહિનો પહેલા
ગાધીનગર ગૃહ પાસે આવેલી સિટાડેલને સીલ કરાયું
  • આ પહેલા પ્રોફિટ સેન્ટર બિલ્ડિંગને સીલ કરાયું હતું

વડોદરા શહેરમાં ફાયર સેફ્ટી અંગે બેદરકારી દાખવતી ઇમારતો સામે પાલિકાના ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કડક કાર્યવાહીના ભાગરૂપે આજે ગાધીનગર ગૃહ પાસે આવેલી સિટાડેલ અને દાંડિયા બજારમાં આવેલ કોમર્શિયલ નવરંગ કોમ્પ્લેક્ષને સીલ મારવામા આવ્યુ હતું. નોધનિય છે કે, બે દિવસ અગાઉ ફાયર બ્રિગેડે સયાજીગંજ વિસ્તારના પ્રોફિટ સેન્ટર બિલ્ડિંગને ફાયર સેફટીમાં બેદરકારી દાખવતા સીલ મારવામાં આવ્યું હતું.

નવરંગ કોમ્પલેક્ષને સીલ કરાયું
વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આજે ગાંધીનગર ગૃહ પાસે સિટાડેલ કોમ્પ્લેક્સ તથા દાંડિયાબજાર વિસ્તારના નવરંગ કોમ્પલેક્ષને ફાયર સેફ્ટી મુદ્દે આખેઆખું સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમય મર્યાદા આપ્યા બાદ ફાયર સેફ્ટી અંગે નિષ્કાળજી દાખવી હતી. આખરે ફાયર વિભાગ દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બાબતે વધુ બે મિલકતોને સીલ મારવામાં આવતાં ચકચાર મચી ગઇ હતી. તો વળી ફાયર સેફ્ટીના નિયમો અંગે બેદરકારી દાખવનાર મિલકત ધારકોમા ગભરાટ ફેલાઈ ગયો છે.

ફાયર સેફ્ટીને લઇને રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, કોરોના દરમિયાન કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો, ટ્યુશન ક્લાસ તેમજ બહુમાળી ઇમારતોમાં ભીષણ આગના બનાવોને કારણે અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતાં. ત્યારબાદ આવી ઘટનાઓ રોકવા માટે હાઈકોર્ટે ફાયર સેફટીના કડક અમલ અંગે રાજ્ય સરકારને સૂચના આપી હતી. તે આધારે દરેક શહેરમાં ફાયર સેફટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર જારી કર્યો હતો.

હોસ્પિટલોને વારંવાર નોટીસ આપ્યા બાદ કાર્યવાહી
દરમિયાન વડોદરા ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગોમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઇને ફાયર સેફ્ટીની સંશાધનો અંગેનું ઓડિટ શરૂ કરવામાં આવ્યુ હતું. એટલું જ નહીં ફાયર સેફ્ટી ન હોય તેવી સંસ્થાઓને નોટીસ પણ આપવામાં આવી હતી. પરંતુ, વડોદરા શહેરમાં આવેલી અનેક હોસ્પિટલોને વારંવાર નોટીસ આપ્યા બાદ પણ કોઇ કામગીરી નહીં કરતા ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

દાંડિયા બજારમાં આવેલ કોમર્શિયલ નવરંગ કોમ્પ્લેક્ષને સીલ મારવામા આવ્યુ હતું
દાંડિયા બજારમાં આવેલ કોમર્શિયલ નવરંગ કોમ્પ્લેક્ષને સીલ મારવામા આવ્યુ હતું

ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગોને સીલ મારી દીધા
વડોદરા શહેરમાં ગાધીનગર ગૃહ પાસેની સિટાડેલ કોમ્પલેક્ષ અને નવરંગ કોમ્પલેક્ષ દ્વારા ફાયર સેફ્ટી મામલે બેદરકારી ભર્યું વલણ દાખવતા તંત્રએ લાલ આંખ કરી હતી. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની સુચના અનુસાર ફાયર વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંપૂર્ણ બિલ્ડિંગને સીલ મારવાની કાર્યવાહી આજે હાથ ધરી હતી. અગાઉ બેદરકારી જણાતા ફાયર વિભાગ દ્વારા જરૂરી સુવિધા ઉભી કરવા માટે સમયમર્યાદા આપવામાં આવી હતી. જોકે તેમ છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉભી ન કરાતાં આજે ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડિંગોને સીલ મારી દીધા હતા.

રહેણાંક ઇમારતોમાં ફાયર સેફ્ટીની ઝુંબેશ હાથ ધરશે
ફાયર બ્રિગેડના સુત્રોના જણાવ્યા પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 20 વર્ષથી બહુમાળી કોમર્શિયલ ઇમારતો જેણે ફાયર સેફ્ટીની એનોસી મેળવી જ નથી તેવી ઈમારતોના સંચાલકો સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે સીલ મારવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, હવે રહેણાંક ઇમારતોમાં પણ ફાયર બ્રિગેડ ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ હાથ ધરશે. અને નોટિસ આપ્યા બાદ જરૂર પડશે તો રહેણાંક ઇમારતો પણ સીલ કરવાની કામગીરી કરતા ફાયર વિભાગ ખચકાશે નહીં. કારણ કે, લોકોના જીવનો સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...