ફરિયાદોનો સિલસિલો શરૂ:ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ અને તેની પત્નીના પાસપોર્ટની વિગતો સીઆઇડીએ મેળવી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અપૂર્વ પટેલ - Divya Bhaskar
અપૂર્વ પટેલ
  • માંજલપુર પોલીસમાં વધુ 7 લોકોની અરજી​​​​​​​

મહા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલ સામે અરજી રૂપે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે. સોમવારે માંજલપુર પોલીસને મળેલી 10 ફરિયાદો બાદ મંગળવારે વધુ 7 ભોગ બનેલાઓએ પોલીસ મથકે પહોંચી અરજી આપી હતી. જેની આગામી દિવસોમાં એફઆઇઆર થશે એમ સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ સીઆઇડી ક્રાઈમને અપૂર્વ અને તેની પત્નીના પાસપોર્ટની વિગતો પ્રાપ્ત થઈ છે. હવે દેશનાં વિવિધ એરપોર્ટ પરથી ઠગ દંપતી દેશમાં જ છે કે ભાગી છૂટ્યું છે તેની જાણકારી મેળવાશે.

છેતરાયેલા વધુ ને વધુ લોકો ફરિયાદ કરવા આગળ આવી રહ્યા છે. જે પૈકી કેટલાકને અપૂર્વે ફોનથી ધમકી પણ આપી હોવાથી અપૂર્વ શહેર આસપાસ જ હોવાનું મનાય છે. તેની પત્ની સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ થઈ એ પહેલાંથી વિદેશ ભાગી છૂટી હોવાનું લોકો માની રહ્યા છે. સિદ્ધિ વિનાયક ડેવલપર નામની પેઢી દ્વારા વિલા, ફ્લેટ અને દુકાનોની સ્કીમ મૂકાઈ હતી અને 2017થી અપૂર્વે મિલકત લેનારા સાથે જુદી જુદી રીતે છેતરપિંડી કરતી હતી.

જેમાં એક જ મકાન, ફ્લેટ કે દુકાન 2 લોકોને વેચવાથી માંડી બારોબાર લોન લઈ લેવાનું કૌભાંડ આચરાતું હતું.મેપલ વિલા, મેપલ મીડોજ, મેપલ સિગ્નેચર જેવી સ્કીમ અગાઉ વેચેલાં મકાનોમાં પોતાના સગા-સંબંધી કે કર્મચારી અને નોકરોના નામે બેંકમાંથી બારોબાર લોન લેવાતી હતી, જ્યારે રેરાનું રજિસ્ટ્રેશન વગર અને રજા ચિઠ્ઠી વિના ફ્લેટના બુકિંગના નામે અનેક લોકો પાસેથી મોટી રકમ લીધા બાદ બાંધકામ ન કરી ઠગાઈ કરાઈ હતી.

પોલીસ કમિશનરે ફરિયાદોની યોગ્ય તપાસ માટે એસઆઇટીની રચના કરી છે, પરંતુ હજી છેતરાયેલા લોકો જુદાં જુદાં પોલીસ સ્ટેશને ધક્કા ખાઈ રહ્યા છે. માંજલપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદોની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહ્યું છે ત્યારે સીઆઇડીમાં નોંધાયેલી ફરિયાદની તપાસ સ્વતંત્ર રીતે સીઆઇડી કરી રહ્યું છે.

એક જ કાર પર 2 બેંકોમાંથી જુદી જુદી લોન?
ઠગ અપૂર્વ પટેલ વોલ્વો અને ઓડી જેવી વૈભવી અને મોંઘી કારો ફેરવી રોકાણકારો પર વટ પાડતો હતો ત્યારે આવી લાખો રૂપિયાની એક જ કાર પર 2 અલગ-અલગ બેંકોમાંથી લોન પણ લીધી હોવાનું છેતરાયેલા લોકોએ શોધી કાઢ્યું છે અને આ અંગે પોલીસને પણ જાણકારી આપી હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...