તપાસ:દારૂના ધંધાની લેવડ-દેવડમાં ચૂઈએ હુમલો કર્યાની શંકા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી ટાણે પોલીસ પાસામાં અન્ય શહેરની જેલમાં ધકેલશે તેવા ડરે સૂરજે જેલમાં જવાનું પસંદ કર્યું
  • ​​​​​​​જેલમાં​​​​​​​ ​​​​​​​રહીને પાસાની કાર્યવાહી સામે મનાઈ મેળવ્યા બાદ જામીન લઈ બહાર આવે તેવી સંભાવના

આધેડ દંપતી પર હુમલો કરવાના બાપોદ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે. અગાઉ પોલીસને પડકાર ફેંકનાર માથાભારે સૂરજ કહાર ઉર્ફે ચૂઈએ દારૂના ધંધાની અદાવતમાં સાગરીત સાથે હુમલો કર્યો હોવાનંુ માની પોલીસ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ કડક કાર્યવાહી કરે અને પાસા હેઠળ અન્ય જેલમાં ધકેલે તેવા ડરે ચૂઈએ જેલમાં જવાનું પસંદ કર્યું હતું. તેને જેલમાં ધકેલવાની કાર્યવાહી બાપોદ પોલીસે હાથ ધરી છે.

શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા મગનભાઈ સોલંકી અને પત્ની પુષ્પાબેન તથા દીકરી ઇલાબેન ઉપર ગત બુધવારે રાત્રે ઘરમાં ઘૂસી માથાભારે સૂરજ કહાર ઉર્ફે ચૂઈ અને સાગરીત મહર્ષિ બ્રહ્મભટ્ટે હુમલો કર્યો હતો. આ બનાવ અંગેની ફરિયાદ બાપોદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જોરથી બૂમો પાડી જાળી ખોલાવ્યા બાદ મગનભાઈ ઉપર હથિયાર વડે હુમલો કરતાં મગનભાઈ લોહીલુહાણ થયા હતા.

હુમલાખોરોએ મગનભાઈનાં પત્ની પુષ્પાબેનને પણ લાતો અને લાફા મારી જમીન પર પછાડતાં લોકો દોડી આવતા હુમલાખોરો ધમકી આપી રફુચક્કર થઈ ગયા હતા. બાદમાં આધેડ દંપતીનો પુત્ર નીરવ આવતાં સારવાર માટે લઇ જવાયા હતા. પોલીસ ફરિયાદમાં 11 હજારની ઉઘરાણી માટે હુમલો કરાયો હોવાનું નોંધાયું હતું.

જોકે દારૂના ધંધામાં કિંગ થવા માગતા સૂરજ ચૂઈ દ્વારા દિવાળીના સમયે બૂટલેગરને આપેલી દારૂની બે પેટીના રૂપિયા દારૂ આપવા ગયેલા નિરવે બારોબાર લઈને વાપરી નાખ્યા હોવાથી ચૂઈ અને સાગરીતે જઈ હુમલો કર્યો હોવાનું બહાર આવતાં પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ કોઈ કડક કાર્યવાહી કરે અને પાસા હેઠળ ઝડપી અન્ય શહેરની જેલમાં ધકેલે એવા ડરથી સૂરજ કહાર ઉર્ફે ચૂઈએ જેલમાં જવાનું પસંદ કર્યું છે. જેલમાં 10 દિવસ રહેશે એ દરમિયાન પાસાની કાર્યવાહી સામે મનાઈ હુકમ મેળવ્યા બાદ જામીન લઈ બહાર આવશે એવી ગોઠવણ ચૂઈએ કરી હોવાનું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...