તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીમારી બેકાબૂ:એક જ દિવસમાં ડેન્ગ્યૂના 28 કેસ કપુરાઈમાં કોલેરાએ માથું ઊંચક્યું, રોગચાળાએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચિકનગુનિયાના 6 કેસ ઉપરાંત મલેરિયાનો 1, ટાઇફોઇડના 5 અને કમળાના 3 કેસ મળ્યા : કન્સ્ટ્રક્શનની 5 સાઇટને નોટિસ અપાઈ

શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનો વાવર ફેલાતાં આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શુક્રવારે કપૂરાઈ વિસ્તારમાં કોલેરાનો 1 કેસ સામે આવતાં તંત્ર દોડતું થયું હતું. બીજી તરફ ડેન્ગ્યૂના વધુ 28 અને ચિકનગુનિયાના વધુ 6 કેસ પાલિકાના ચોપડે નોંધાયા છે. સ્માર્ટ સિટી વડોદરા હવે મચ્છર નગરી બની છે. શહેર આખામાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં જીવલેણ ડેન્ગ્યૂ, ચિકનગુનિયાના તેમજ મલેરિયાના કેસ સતત વધી રહ્યા છે. શુક્રવારે લેવાયેલા 74 પૈકી 28 નમૂના ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યા હતા.

જેના પગલે શહેરમાં નોંધાયેલા કુલ ડેન્ગ્યૂના કેસો વધીને 413 થયા છે. જ્યારે ચિકનગુનિયાના વધુ 6 કેસ પોઝિટિવ આવતાં તેનો કુલ આંકડો 272 પર પહોંચ્યો છે. શુક્રવારે શિયાબાગ વિસ્તારમાં મલેરિયાનો એક કેસ મળી આવ્યો હતો. સતત રોગચાળો વધતાં પાલિકાની વિવિધ ટીમોએ ઘરે ઘરે ફરી કરેલા સરવેમાં 421 લોકોને તાવ આવતો હોવાની ફરિયાદો મળી હતી. જે પૈકીના 418 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

બીજી તરફ પાણીજન્ય રોગચાળાએ પણ આરોગ્ય વિભાગની ચિંતાઓ વધારે છે. શહેરમાં કમળાના વધુ 3 દર્દી મળ્યા છે. જ્યારે ટાઈફોઇડના નવા 5 કેસ નોંધાતાં કુલ આંકડો 33 પહોંચ્યો છે. કપુરાઈ વિસ્તારમાં શુક્રવારે કોલેરાનો એક શંકાસ્પદ કેસ મળી આવતાં પાલિકાની ટીમ દોડતી થઈ હતી. પાલિકાએ 24 કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ કરી 5 સાઈટને નોટિસ આપી હતી. જ્યારે 5 હોસ્ટેલ અને સ્કૂલમાં પણ તપાસ કરી હતી.

કયા વિસ્તારમાં રોગચાળો વકર્યો?

  • ડેન્ગ્યૂ : છાણી-2, દંતેશ્વર-2, કપુરાઈ, રામદેવનગર, કિશનવાડી, સમા-3, ગોરવા-4, ગોત્રી-6, બાપોદ-2, નવીધરતી-4, તાંદલજા, નવાયાર્ડ
  • ચિકનગુનિયા : તાંદલજા, બાપોદ, શિયાબાગ, ગોત્રી-3
  • મલેરિયા : શિયાબાગ
  • કમળો : જેતલપુર, રામદેવનગર, ગોત્રી
  • ટાઇફોઇડ : તાંદલજા, સમા, કારેલીબાગ, જેતલપુર, બાપોદ
  • કોલેરા : કપૂરાઈ
અન્ય સમાચારો પણ છે...