શહેરમાં ચાલી રહેલા રોગચાળામાં શુક્રવારે વધુ 734 દર્દી તાવના નોંધાયા હતા જ્યારે સ્વાઈન ફ્લૂના વધુ પાંચ દર્દીઓ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું. શહેરમાંથી આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ ચકાસતા 67 જગ્યાએ પાણીમાં ક્લોરિન ન હોવાનું જણાયુ હતું.
કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શુક્રવારે 264 ટિમ બનાવી 462 વિસ્તારમાં 53,824 ઘરનો સરવે કર્યો હતો. જેમાં મચ્છર નાશક કામગીરી અંતર્ગત 13,737 ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા મચ્છરના પોરા નાબૂદી માટે 30 કન્સ્ટ્રક્શન સાઈટનું ચેકિંગ કરાતા 8 જગ્યાએ પોરા મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.
જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગે સત્તાવાર જાહેર કરેલા રોગચાળાના આંકડામાં 1208 વ્યક્તિઓમાં મેલેરિયાના લક્ષણો જણાતા તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરના વિવિધ વિસ્તારમાંથી ઝાડાના 81, ચિકનગુનિયાના બે અને કોલેરાના એક દર્દી મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના તરસાલી નવી ધરતી વિસ્તારમાંથી ચિકનગુનિયાના દર્દી મળ્યા હતા જ્યારે દંતેશ્વર વિસ્તારમાંથી કોલેરાનો દર્દી મળી આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.