એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં મીસ મેનજમેન્ટના પગલે ડીને હેડની બેઠક બોલાવી હતી. ડીને યુનિવર્સિટી સત્તાધીશો સમક્ષ ફેકલ્ટીમાં કામો થતા ના હોવાની રજૂઆતો છતાં કોઇ પરિણામ આવતું ના હોવાનું સ્વીકાર્યુ હતું. સતત ગેર વહીવટના પગલે કંટાળેલા ડીને યુનિવર્સિટી સત્તાધીશોને રાજીનામું આપી દેશે તેવું જણાવ્યું હતું.
યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા કેટલાય સમયથી પરીક્ષા સહિતની બાબતોમાં ગેરવહીવટના પગલે ડીનના માથે માછલા ધોવાઇ રહ્યા છે જેના કારણે ફેકલ્ટી ડીન દ્વારા પોતાની વ્યથા ઠાલવવા માટે હેડની બેઠક બોલાવી હતી. જેમાં તેમના દ્વારા ફેકલ્ટી સ્તરે જે પ્રશ્નો ઉદભવી રહ્યા છે તેના નિરાકણ માટે કન્સ્ટ્રકશન વિભાગ સહિત યુનિવર્સિટી સત્તાધીશોને રજૂઆતો કરી હોવા છતાં પણ કોઇ નિરાકણ આવતું ના હોવાનું ગાણું ગાયું હતું. ફેકલ્ટી ડીન દ્વારા ફેકલ્ટીમાં વોશરૂમ બનાવવા સહિત પટાવાળાની જગ્યાઓ ભરવા માટે સત્તાધીશોને રજૂઆતો કરી હોવાનું તમામ હેડને જણાવ્યું હતું.
આ ઉપરાંત પરીક્ષાને લઇને ચાલતા છબરડાઓનો ઉકેલ આવે તે માટે પણ રજૂઆતો કરી હોવા છતાં યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોઇ પણ પ્રકારનો નિવેડો લાવવામાં આવતો ના હોવાનું તેમણે જણાવ્યું હતું. જેથી કંટાળીને તેમણે રાજીનામું આપી દેવા માટેની તૈયારી દર્શાવતા આ બાબત ભારે ચર્ચાનો વિષય બની હતી.
બીજી તરફ હેડ દ્વારા પણ રજૂઆતો કરાઇ હતી કે ઇન્ટરનલ જેવી પરીક્ષામાં પણ કેવી રીતે પરીક્ષા લેવી તે સમજાઇ રહ્યું નથી. માનસીક રીતે પરેશાન થઇ ગયા છે કોને પરીક્ષમાં બેસવા દેવા અને કોને પરીક્ષામાં નહિ બેસવા દેવા તે સમજાતું નથી. એફવાય બીએની પરીક્ષામાં માઇગ્રેશન સર્ટિફીકેટના પગલે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકયા ના હતા તે મુદો પણ છવાયો હતો.
ઓછા સ્ટાફથી પરેશાની, સ્ટુડન્ટ ડીને સોશિયલ મિડિયાના ગ્રૂપમાં રાજીનામું ધર્યું
આર્ટસ ફેકલ્ટીના ડીન દ્વારા ફેકલ્ટીના સોશ્યલ મિડિયાના ગ્રુપમાં સ્ટુડન્ટ ડીનને તેમની ઓફીસમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. જેના પગલે તેમના દ્વારા ઇ-મેઇલના માધ્યમથી તથા સોશ્યલ મિડિયા ગ્રુપમાં તેમનું રાજીનામું મૂકી દિધું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ઓછા સ્ટાફને પગલે અધ્યાપકો પર કામનું ભારણ વધી ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.