છોટાઉદેપુર-ધાર રેલવે પ્રોજેકટ 2022માં પુરો થવાનો હતો પણ હવે આ પ્રોજેકટ 2026માં પુરો થશે તેવી આરટીઆઇમાં ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. જેના કારણે હવે છોટાઉદેપુરથી ધાર વચ્ચેના રહીશોને ટ્રેનની સુવિધા માટે વધુ ત્રણ વર્ષની રાહ જોવી પડશે. કોંગ્રેસના શાસનમાં આ પ્રોજેકટને 2008માં રોજ મંજુર કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની આડમાં કામ બંધ રહેતાં પ્રોજેકટ લંબાયો હોવાનું રેલવે કહે છે.આ પ્રોજેકટ પુરો થાય તો લાખો આદિવાસીઓને રોજગારીની નવી તકો મળશે એમ મનાય છે.
રેલવે સૂત્રો મુજબ રેલવેનું કામ અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના અંતિમ ગામ ડેકાકુંડ સુધી પહોંચી ગયું છે. જો કે પ્રોજેકટને લઇ અલીરાજપુર અને જોબટમાં રેલવે સ્ટેશન બનાવી દેવાયા છે. તેની શરૂઆત 2008માં થઇ હતી ત્યારે પ્રોજેકટનો ખર્ચ રૂા.1350 કરોડ અંદાજવામાં આવી હતી જે હાલ ડબલ થઇ ગઇ છે. બીજી બાજુ છોટાઉદેપુરથી અલીરાજપુર પહોંચવામાં પણ રેલવેને દશ વર્ષ થયા હતા.
રેલવે તંત્રે RTIમાં સ્વીકાર્યું
છોટાઉદેપુર- ધાર રેલવે પ્રોજેકટ કયાં પહોંચ્યો? તેવા સામાજીક કાર્યકર ઓમકારનાથ તિવારીએ રેલવેને કરેલી આરટીઆઈમાં મુંબઇ ખાતેના પ. રેલવેના ડે.ચીફ એન્જિનિયર વિક્રમ પ્રસાદે જવાબ આપ્યો છે કે ‘જમીન સંપાદન અને જંગલ વિસ્તારના કારણે વિલંબ થઇ રહ્યો છે. પ્રોજેકટને 2024માં તંદરારોડ અને 2026માં ધાર સુધી પહોંચાડવાનું લક્ષ છે.
ઇન્દોર-મુંબઇનું અંતર ઘટશે
હાલ મોટાભાગની ઇન્દોરથી મુંબઇ જતી ટ્રેનો રતલામ અને ઉજ્જૈનથી થઇ જાય છે જો ધાર-છોટાઉદેપુર પ્રોજેકટ પુરો થાય તો ઇન્દોર અને મુંબઈ વચ્ચેનું 120 કિમીનું અંતર ઘટી જશે અને લોકોની બે કલાકની મુસાફરીનો સમય અને ભાડુ બચશે.
સરકારને વિલંબ કરવામાં રસ છે
છોટાઉદેપુરથી અલીરાજપુર સુધી 50 િકમીનો ટ્રેક નાંખતાં દસ વર્ષ થયા.આ પ્રોજેકટ 2024માં પુરો કરવાનો હતો પણ હવે 2026માં પુરો થશે.તે દર્શાવે છે કે ‘ સરકારની નિયત પ્રોજેકટને વિલંબમાં મુકવામાં છે.જો એકતાનગરનો રૂટ વિક્રમી સમયમાં થતો હોય તો આ કેમ વિલંબ કરાય છે. - નારણ રાઠવા,પૂર્વ રેલવે મંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.