તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડા ડેરીની પહેલ:છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સવા મહિનામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરશે, 1 હજાર દર્દીઓને ઓક્સિજન મળશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બરોડા ડેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
બરોડા ડેરી(ફાઇલ તસવીર)
  • વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એમ્બ્યુલન્સની સુવિધા પણ શરૂ કરવામાં આવશે

કોરોનાની જીવલેણ મહામારીમાં વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરી પણ આગળ આવી છે. બરોડા ડેરી દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ આગામી સવા માસમાં તૈયાર થઇ જશે. આ ઓક્સિજન પ્લાન્ટ દ્વારા 1000 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડશે.

5 સપ્તાહમાં છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન
બરોડા ડેરીના ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. કોરોનાની ચાલી રહેલી મહામારીમાં બરોડા ડેરી દ્વારા આગામી 5 સપ્તાહમાં છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં સ્થપાનાર મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ માટે 13,441 લિટર કેપિસિટીની ઓક્સિજન સ્ટોરેજ ક્રાયોજેનિક ટેન્ક અને બે વેપરાઇઝર્સની ખરીદીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટની સાથોસાથ વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં એમ્બ્યુલન્સ સુવિધા પણ શરૂ કરવામાં આવશે.

કર્મચારીઓના મૃત્યુ થાય તો પરિવારને 10 લાખની સહાય અપાશે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બરોડા ડેરી દ્વારા તમામ દૂધ ઉત્પાદકોના પરિવારને આર્સનિક આલ્બમ-30 હોમિયોપેથિક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવશે. તેમજ બરોડા ડેરીના કર્મચારીઓના મૃત્યુ પ્રસંગે કર્મચારીના પરિવારને રૂપિયા 10 લાખની સહાય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક કર્મચારીઓને રૂપિયા 2 લાખનો મેડિકલ વીમો તેમજ કોરોનાની સારવાર માટે કર્મચારી હોસ્પિટલમાં દાખલ થતાં જ દરેક કર્મચારીને રૂપિયા 40,000ની સહાય આપવામાં આવશે. આ સાથે તમામ દૂધ ઉત્પાદક મંડળીઓના મંત્રીઓ માટે રૂપિયા 2 લાખ સુધીની ગૃપ વીમા યોજનાનો લાભ આપવામાં આવશે. નોંધનીય છે કે, બરોડા ડેરી દ્વારા અત્યાર સુધીમાં વીમા કંપનીઓએ નહીં ચૂકવેલી ક્લેઇમની રૂપિયા 1 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવી છે.

સેનિટાઇઝર અને માસ્ક અંગે જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
જી.બી. સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, બરોડા ડેરી વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પથરાયેલી સૌથી મોટી સહકારી સંસ્થા છે. જેમાં 1200 જેટલી દૂધ મંડળીઓનો સમાવેશ થાય છે. અને 2 લાખ જેટલા દૂધ ઉત્પાદકો સંકળાયેલા છે. છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારીમાં બરોડા ડેરી દૂધ ઉત્પાદકો અને બરોડા ડેરીના કર્મચારીઓને સલામત રાખવા બરોડા ડેરી મેનેજમેન્ટ દ્વારા સતત પ્રયત્નશિલ છે. બરોડા ડેરી દ્વારા સેનિટાઇઝર, માસ્ક, મહામારી સામે જાગૃતિનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં અને નર્મદાના તિલક જિલ્લાના તિલકવાડા તાલુકાના લોકો માટે રૂપિયા 50 લાખના ખર્ચે ઓક્સિજનની સુવિધાથી સજ્જ બે એમ્બ્યુલન્સ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...