શહેરમાં વકરેલા રોગચાળાને પગલે ખોરાકી શાખાની ટીમ દોડતી થઈ છે. 4 ટીમોએ વિવિધ વિસ્તારમાં 38 પાણીપુરી બનાવતા એકમો પર ચેકિંગ કરી 77 નમુના લઇ બિઝનેસ ઓપરેટરોને લાઇસન્સ તેમજ રજીસ્ટ્રેશનની સુચના આપી છે. પાણીજન્ય રોગોમાં વધારો નોંધાતા ખોરાકી શાખાની ટીમો કામે લાગી છે. 4 ટીમોએ શહેરના છાણી રોડ પર દીપ સિનેમા પાસે આવેલા પાણીપુરી બનાવતા 4 એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું.
ત્યારબાદ સમા વિસ્તારમાં કિશનનગરમા 4 યુનિટ, વીઆઇપી રોડ પર અમરનગર અને બ્રહ્મનગરમાં 6 યુનિટો, વારસિયા તિવારીની ચાલમાં 6 યુનિટો, હુંજરાત પાગા વિસ્તારમાં 4 યુનિટ તથા વાઘોડિયા રોડ ઉકાજીના વિસ્તારમાં 14 યુનિટ ઉપર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પાણીપુરીનું પાણી, ચટણી, મેંદો, આટો, ચણા, પામોલીન તેલ, કપાસિયા તેલ અને બટાકાના માવાના 77 સેમ્પલો લઈ તેને પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે.
ટીમે પાણીપુરી બનાવતા 9 લોકોને નોટિસ પણ આપી હતી અને 4 ફૂડ બિઝનેસ ઓપરેટરને લાયસન્સ તેમજ રજીસ્ટ્રેશન મેળવી લેવા માટે કડક સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.