તાઉતે ઇફેક્ટ:આજે તોફાની પવનો સાથે 2 ઇંચ વરસાદની શક્યતા, સોમવારે 49 કિમીના પવનો ફૂંકાયા, દિવસે વાદળછાયા માહોલ બાદ રાત્રે છાંટા વરસ્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યજ્ઞપુરુષમાંથી 145 દર્દીનું ગોત્રી અને સમરસ હોસ્પિટલમાં સ્થળાંતર - Divya Bhaskar
યજ્ઞપુરુષમાંથી 145 દર્દીનું ગોત્રી અને સમરસ હોસ્પિટલમાં સ્થળાંતર
  • આગાહી : સવારે પવનોની ગતિ 40 કિમીથી શરૂ થઈ બપોર બાદ 80 કિમી સુધી નોંધાશે
  • અસર: હવામાન શાસ્ત્રી મુજબ પૂર્વ વિસ્તારમાં 1 ઈંચ અને પશ્ચિમમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે
  • એલર્ટ: સંકટમાં મદદ માટે આર્મીની ચાર ટુકડીના 300 જવાનોને સ્ટેન્ડબાય રખાયા

તાઉતે વાવાઝોડુ ઉત્તર દિશામાં ગતી કરી અમરેલી,બોટાદ,સુરેન્દ્રનગર સુધી પહોચતા વડોદરા શહેરમાં મંગળવારે સવારે 8 વાગ્યાથી ત્રાટકવાનું શરૂ કરશે. સવારે 8 થી બપોરે 11 વાગ્યા સુધી 40 કિ.મી સુધીના પવનો ફુંકાશે જે 11 વાગ્યા બાદ પવનોની ઝડપ 60 થી 80 કિમી સુધીના નોંધાઈ શકે છે. વાવાઝોડું પશ્ચિમ દિશામાં વધુ સક્રિય રહેતા વડોદરામાં વરસાદની અસર પૂર્વ અને પશ્ચિમ ભાગમાં અલગ અલગ નોંધાશે. જેમાં પૂર્વ વિસ્તારમાં 1 ઈંચ તો પશ્ચિમ વિભાગમાં 2 ઈંચ જેટલો વરસાદ વરશે તેમ હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું. વડોદરામાં સોમવારે વાવાઝોડાના પગલે તાપમાનનો પારો 3.6 ડિગ્રી ઓછો રહ્યો હતો.તેમજ પૂર્વની દિશાથી 49 કિ.મીની ઝડપે પવનો ફુંકાયા હતા.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સાયક્લોન ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું હોવાથી મંગળવારે વડોદરામાં દિવસ દરમિયાન પવનોની ગતિ 60થી 80 કિમી સુધી રહ્યા બાદ મોડી સાંજે પવનો શાંત થઈ જવાની શકયતા છે. સાયક્લોનનું સેન્ટર વડોદરાથી 180 કિમી થી 200 કિમી દુર પશ્ચિમમાંથી પસાર થશે જેથી વડોદરાને સાયક્લોનની સીધીઅસર નહીં પહોચે. સાયક્લોનના બહારના ભાગની અસર વડોદરાને થશે.વડોદરામાં મંગળવારે દિવસભર પવનો ફૂંકાવા સાથે સવારે 11 વાગ્યાથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે.

વાવાઝોડાના પગલે ગરમીનો પારો ગગડીને 30 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. સોમવારે તાપમાનનો પારો 3.6 ડિગ્રી ગગડીને 38.6 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે સોમવારે 49 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાયા હતાં. સમગ્ર દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં સમયાંતરે વરસાદી છાંટા પડ્યાં હતાં.

આખો દિવસ બફારો રહેતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાના સંકટને પહોચી વળવા આર્મીની 4 ટુકડીને સ્ટેન્ડબાય રખાઇ છે.એક ટીમમાં કુલ 75 જવાનો છે,જે પૈકી 4 ટીમમાં કુલ 300 જવાનોને વાવાઝોડાના સંકટમાં દક્ષિણ ગુજરાત તેમજ વડોદરામાં ડિપ્લોય કરવામાં આવશે.

એરપોર્ટ : આજે બપોરે 1 વાગ્યા સુધી બંધ રહેશે, એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરાઇ
વડોદરા એરપોર્ટ મંગળવારે બપોરે 1 વાગ્યા સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે, જેને પગલે દિલ્હીથી વડોદરા આવનારી સોમવાર અને મંગળવારની 2 ફ્લાઇટ રદ કરવામાં આવી છે.એરપોર્ટ ડાયરેક્ટર ટી.કે. ગુપ્તાના જણાવ્યા મુજબ ઈમરજન્સી માટે વડોદરા એરપોર્ટ ખુલ્લું રહેશે.

ફાયરબ્રિગેડ: સાઇક્લોન કંટ્રોલ રૂમ કાર્યરત લાશ્કરો રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે
વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા સાઇક્લોન કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આગામી 2 દિવસ વૃક્ષો અને હોર્ડિંગ્સ પડવાની શક્યતાને પગલે ઇમરજન્સી નંબર 101, 82380 23337 અને 0265 2423101 પર સંપર્ક કરી શકશે. લાશ્કરો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે.

કોર્પોરેશન : બદામડી બાગ ખાતે કાર્યરત કંટ્રોલરૂમનો હવાલો 8 અધિકારીને સોંપાયો
સંભવિત વાવાઝોડા ભારે વરસાદને ધ્યાનમાં લઇ અટકાયતી પગલા ના ભાગરૂપે બદામડી બાગ સ્થિત શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમ ખાતે કોર્પોરેશનના 8 ઉચ્ચ અધિકારીઓને ફરજ સોંપવામાં આવી છે. તમામ અધિકારીઓને રાત્રિના સમયે કંટ્રોલરૂમમાં ફરજ બજાવવાની રહેશે.

રેલવે : વડોદરા ડિવિઝનના તમામ સ્ટેશન પર હેલ્પ ડેસ્ક શરૂ : અધિકારીઓની રજા રદ
વડોદરા ડિવિઝનના તમામ રેલવે સ્ટેશન ઉપર રેલવે દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ છે. જો મુસાફરો અટવાયા તો પાણી અને જમવાની વ્યવસ્થા માટેની પણ સૂચના આપવામાં આવી છે. તમામ ઉચ્ચ અધિકારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા આદેશ કરાયો છે.

SSGમાં ઓક્સિજન ટેન્ક પાસે વૃક્ષનું ટ્રિમિંગ
​​​​​​​SSGમાં ઓક્સિજન ટેન્કની ઉપર વૃક્ષોનાં ડાળખાં હતાં. વાવાઝોડાને પગલે ડાળખાં ઓક્સિજન ટેન્ક અને વેપોરાઇઝર પર પડે તો પુરવઠો ખોરવાઇ જાય તેવી શક્યતા હતી.જેથી ડાળખાં દૂર કરાયાં હતાં.

એક્સપ્રેસ-વે: ત્રણ રેસ્ક્યૂ વાહનો સાથે 19 કર્મચારી પેટ્રોલિંગ સાથે એનાઉન્સમેન્ટ કરશે
​​​​​​​અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર આકસ્મિક સંજોગોમાં વાહન ચાલકોને મદદ મળી રહે તે માટે 3 રેસ્ક્યૂ વાહન દ્વારા 19 કર્મચારીઓનો સ્ટાફ 3 ટીમમાં સતત પેટ્રોલિંગ કરશે. આ સાથે તમામ ટોલ બૂથ પર એનાઉન્સમેન્ટ શરૂ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...