પાંચ વર્ષે પુનરાવર્તન:વરસાદ સુધી આજવાની સપાટી 205 ફૂટ રાખવાનો પડકાર:રોજ નર્મદાનાં 145 MLD નીર ઠાલવવાનું શરૂ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ આજવા સરોવરની સપાટી 206.65 ફૂટ થતાં તંત્ર ચિંતિત
  • આકરા ઉનાળા વચ્ચે પાણીની માગ વધી : વરસાદ પડતાં સુધી નર્મદાનું પાણી લેવાશે

ચાલુ વર્ષે આકારા ઉનાળા વચ્ચે પાણીની માંગમાં વધારો થયો છે. શહેરના પૂર્વ-દક્ષિણ વિસ્તારને પાણીનો પુરવઠો પૂરો પાડતા આજવા સરોવરમાં પાણીનું લેવલ 206.65 ફૂટ છે. વરસાદના પડે ત્યાં સુધી 205 ફૂટ પર સપાટી મેઇન્ટેન રાખવી પડે તેમ છે. ત્યારે રોજ 145 એમએલડી પાણીનો જથ્થો નર્મદામાંથી લેવામાં આવી રહ્યો છે. મે મહિનામાં 23મી તારીખથી જ નર્મદામાંથી પાણી લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેથી પાણીની અછત ના સર્જાય. 2018માં મે મહિનામાં પાણી લેવાની ફરજ પડી હતી ત્યારે પાંચ વર્ષના સમયગાળા પછી પાણી લેવાની ફરજ પડી છે.

ઐતિહાસીક આજવા સરોવરમાંથી શહેરના પૂર્વ-દક્ષિણ વિસ્તારના 5થી 6 લાખ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે જ પાણીની બૂમો શરૂ થઇ ગઇ હતી. આજવા સરોવરમાં 205 ફૂટનું લેવલ મેઇન્ટેન રાખવામાં ના આવે તો પાણીની સમસ્યા ઉભી થાય તેમ હતી. ત્યારે શહેરમાં 21મી તારીખે ઉપસ્થિત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવરમાંથી પાણીનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. જેને પગલે 23મે થી નર્મદા કેનાલ મારફતે પાણી લેવાની શરૂઆત કરાઇ હતી.

પૂર્વ અને દક્ષિણ વિસ્તારને રોજના 145 એમએલડી પાણીની જરૂરીયાત હોય છે. તે જથ્થો લેવામાં આવી રહ્યો છે અને તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જયાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી રોજ પાણી લેવામાં આવશે. જેથી રૂટ લેવલ 205 ફૂટની સપાટી જળવાઇ રહે.

નર્મદામાંથી 10 દિવસમાં 1450 એમએલડી પાણી લેવાયું, હજી 15 દિવસ પાણી લેવંુ પડશે
પૂર્વ-દક્ષિણ વિસ્તારને પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે આજવા સરોવરમાં નર્મદા કેનાલમાંથી પાણીનો 10 દિવસમાં 1450 એમએલડીનો જથ્થો લેવામાં આવ્યો છે. રોજ 145 એમલડી પાણી લેવામાં આવી રહ્યું છે. વરસાદ હજુ 15 દિવસ બાદ આવે તેવી શકયતાઓ છે ત્યારે હજુ 15 દિવસ નર્મદાનું પાણી લેવું પડશે.

પાણીની સમસ્યા ન થાય તે માટે પાણી લેવાઇ રહ્યું છે
પૂર્વ -દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે આજવા સરોવરમાં નર્મદાનું પાણી લેવામાં આવી રહ્યું છે. જેટલા જથ્થાની જરૂરીયાત છે તેટલું પાણી લેવામાં આવી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા મે માં પાણી લેવું પડયું હતું. ચાલુ વર્ષે ગરમીમાં વધારો થતાં પાણીની માંગ પણ વધી છે. - ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

આગામી વર્ષે નર્મદા નદીનાં પાણી લેવાની જરૂર નહિ પડે
સિંધરોટ પાણી પુરવઠાનો પ્રોજેકટ તૈયાર થઇ ગયો છે અને જૂન-જુલાઇમાં જ તેમાંથી દક્ષિણ-પશ્ચિમ વિસ્તારને પાણી મળતું થઇ જશે. જેથી આગામી વર્ષે આજવા સરોવરમાંથી માત્ર પૂર્વ વિસ્તારને પાણી આપવામાં આવશે. તેવા સંજોગોમાં નર્મદાના પાણીની જરૂરીયાત નહિ રહે તેવી શકયતાઓ છે.

સિંધરોટ પાણી પ્રોજેક્ટનો 10 થી 15 જૂન ટ્રાયલ રન
3 વર્ષ થી સિંધરોટ ખાતે પાણી પુરવઠા પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી. દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં 4 લાખ લોકોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે શરૂ કરવામાં આવેલો આ પ્રોજેક્ટ આખરે પૂરો થઇ ગયો છે. હવે તેનો ટ્રાયલ રન લેવામાં આવશે અને ત્યારબાદ જૂનના અંત સુધીમાં પાણી વિતરણની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

​​​​​​​શહેરના પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં છેલ્લાં 4 વર્ષથી પીવાના પાણીની બૂમો ઊઠી હતી. જેના પગલે કોર્પોરેશન દ્વારા પશ્ચિમ તથા દક્ષિણ વિસ્તારમાં પાણીની ઘટ પૂરી કરવા સિંધરોટ મહીસાગર નદી ખાતેથી નવો પાણીનો સ્ત્રોત વિકસાવવાનું આયોજન હાથ ધર્યું હતું. હવે પ્રોજેક્ટ પૂર્ણતાના આરે પહોંચી ગયો છે. કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટનો 10થી 15 જૂન સુધી ટ્રાયલ રન લેવામાં આવશે, ત્યારબાદ જૂનના અંત સુધીમાં પાણી વિતરણનું નેટવર્ક પણ ગોઠવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...