અલકાપુરી સીએચ જ્વેલર્સના જનરલ મેનેજરે દોઢ વર્ષમાં બોગસ ગ્રાહક ઉભા કરી બોગસ ક્રેડિટ સ્લીપ બનાવી શોરૂમમાંથી ૪ કરોડના સોનાના સિક્કા મેળવી લીધા બાદ પોતાના સાગરીતને વેચી દઈ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થતા પોલીસે આ મામલાનો ગુનો નોંધી જનરલ મેનેજર સહિત બે જણાને ઝડપી લીધા હતા.
સીએચ જ્વેલર્સ માલિક પરેશ સોનીએ સયાજીગંજ પોલીસમાં સીએચ જ્વેલર્સના જનરલ મેનેજર વિરલ નવીનચંદ્ર સોની (રામીન પાર્ક, ઓપી રોડ) અને તરજ તુષાર દીવાનજી (આકૃતિ ડુપ્લેક્સ, કલાલી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના શોરૂમમાં વિરલ સહિત 2 જનરલ મેનેજર છે. વિરલને 2011માં પીઆરઓ તરીકે નોકરી આપ્યા બાદ 2014માં તેને જનરલ મેનેજર બનાવ્યો હતો. વિરલ સેલ્સ, પરચેજ તથા સ્ટોકની કામગીરી કરતો હતો. 10 જુલાઇએ તેમના કર્મચારીઓએ તરફથી જાણવા મળ્યું કે, વિરલ સોની એક જ પ્રકારના નામ અને રકમની સ્લિપો લઈ તેમની પાસે આવી બિલ બનાવે છે.
તેમણે વિરલને પૂછતાં તેણે જણાવ્યું કે, પૈસાની જરૂર હોવાથી મીત પટેલ, માનવ પટેલ અને માર્મિક પટેલની બોગસ ક્રેડિટ સ્લિપો બનાવી કમ્પ્યૂટરમાં નાખી સોનાના સિક્કા શો રૂમમાંથી મેળવી લેતો હતો. તે પછી કમ્પ્યૂટર હેક કરી પાસવર્ડ ડિલીટ કરતો હતો. તેણે ખોટી કેશ ક્રેડિટ ઊભી કરી પાસવર્ડ દ્વારા સોનાના સિક્કા મેળવી લીધા હતા. તપાસમાં બહાર આવ્યું કે, તેણે દોઢ વર્ષમાં 7853 ગ્રામના 4 કરોડના સિક્કા તેના મિત્ર તરજ દીવાનજીને કમિશનથી વેચી દીધા હતા. તેમણે પોલીસમાં જાણ કરતાં વિરલ સોની અને તરજ દીવાનજીને ઝડપી બંનેના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.
પુત્રને વિદેશ મોકલવા-ઘરની લોન ભરવા કૌભાંડ કર્યું
શોરૂમ માલિકે જનરલ મેનેજરને પૂછતાં તેણે જણાવ્યું કે, તેને પુત્રને વિદેશ મોકલવો હોવાથી પૈસાની જરૂર હતી અને ઘરની લોનના હપતા ભરવાના હતા. જેથી વધુ પૈસા કમાવા કૌભાંડ આચર્યુ હતું.બોગસ ક્રેડિટ સ્લિપ બનાવી સોનાના સિક્કા મેળવી લઈ તરજને કમિશનથી વેચવા આપતો હતો. પોલીસે વિરલ અને તરજની ધરપકડ કરી હતી.
શોરૂમના કાઉન્ટરના કર્મીઓએ ભાંડો ફોડ્યો
10 જુલાઇએ શોરૂમના કાઉન્ટરના મહિલા કર્મચારીઓએ માલિકને જણાવ્યું હતું કે, વિરલ સોની એક જ પ્રકારના નામ વાળી અને એક જ પ્રકારની રકમની લઈને અવારનવાર તેમને આપી જાય છે અને બીલો બનાવડાવે છે. જેથી તપાસ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
સોનાના વધુ સિક્કા વગે કર્યાની આશંકા
પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે દોઢ વર્ષમાં વિરલે ખોટા દસ્તાવેજોથી 4 કરોડના સોનાના સિક્કા મેળવી લીધા હતા અને તેના મિત્રને કમિશનથી આપી નાણા મેળવી લીધા હતા. અગાઉ પણ તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાની શંકા આધારે તપાસ શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.