તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી પર્વની ઉજવણી:વડોદરામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, કાન્હાને પારણે ઝુલાવવા લાઇનો લગાવી, માર્ગો મોડી રાત સુધી ધમધમતા રહ્યા

વડોદરા20 દિવસ પહેલા
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...ના ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઇ
  • રાત્રે 12 વાગે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું
  • મંદિરોમાં ભજન મંડળીઓએ શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનોની રમઝટ બોલાવી

વડોદરા શહેરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી...ના ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવણી થઇ હતી. સવારથી કૃષ્ણમય બની ગયેલી શેરીઓ, મંદિરો, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો રાત્રે 12ના ટકોરા થતાં જ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. ભગવાનને ઝૂલાવવા માટે મંદિરોમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. રાત્રે 12 વાગે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું.

ભગવાન શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનોની રમઝટ બોલાવી
સમગ્ર શહેરમાં સવારથી જ જન્માષ્ટમીની ઉજવણીનો માહોલ શરૂ થઇ ગયો હતો. વડોદરા શહેરની પોળો, સોસાયટીઓના યુવક મંડળો દ્વારા સાર્વજનિક શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરોમાં તેમજ હજારો શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં નંદલાલને પારણે ઝૂલાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોરોના મહામારીના કારણે ડી.જે. ઉપર પ્રતિબંધ હોવા છતાં, પોળો અને સોસાયટીઓમાં ડી.જે.માં વાગતી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલકીની કર્ણપ્રિય ધૂનના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા. સવારથી શહેરની શેરીઓ, સોસાયટીઓ, મંદિરો, વૈષ્ણવ હવેલીઓ અને સ્વામીનારાયણ મંદિરોમાં ભજન મંડળીઓએ ભગવાન શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનોની રમઝટ બોલાવી હતી.

રાત્રે 12 વાગે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું
રાત્રે 12 વાગે સમગ્ર શહેર ભક્તિમય વાતાવરણમાં તરબતર થઇ ગયું હતું

કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તો ઝૂમી ઉઠ્યા
ભગવાનના જન્મનો સમય જેમ નજીક આવતો હતો તેમ શ્રદ્ધાળુઓમાં પણ ભગવાનના વધામણા કરવા માટે અનેરો ઉમંગ અને જુસ્સો વધી રહ્યો હતો. ઘડિયાળનો કાંટો 12 ઉપર પહોંચવા માટે જેમ આગળ ધપી રહ્યો હતો. તેમ શ્રદ્ધાળુઓમાં પણ ભગવાનને પોંખવા માટે ઉત્સુકતા વધી રહી હતી. જે તે વિસ્તારોમાં આવેલા મંદિરો, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરો તેમજ સોસાયટીઓ અને પોળોમાં આયોજીત સાર્વજનિક કૃષ્ણ જન્મોત્સવના પંડાલ પાસે શ્રદ્ધાળુઓએ ભગવાનને પારણે ઝૂલાવવા જવાની શરૂઆત કરી હતી. રાત્રે 12ના ટકોરે મંદિરોમાં શંખનાદ થતાં, શ્રદ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના જયઘોષ સાથે ઝૂમી ઉઠ્યા હતા.

ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરોમાં તેમજ હજારો શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં નંદલાલને પારણે ઝૂલાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી
ઇસ્કોન મંદિર, વૈષ્ણવ હવેલીઓ, સ્વામીનારાયણ મંદિરોમાં તેમજ હજારો શ્રદ્ધાળુઓએ પોતાના ઘરમાં નંદલાલને પારણે ઝૂલાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી

મંદિરોમાં મોડી રાત સુધી શ્રદ્ધાળુઓનો ધસારો રહ્યો
ભગવાનના શ્રી ક્રૃષ્ણના જન્મોત્સવ પૂર્વે અમી છાંટણા થતાં શ્રદ્ધાળુઓનો આનંદ બેવડાયો હતો. શહેરના માર્ગો ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમેટી પડ્યું હતું. શહેરના માર્ગો દિવસમાં ફેરવાઇ ગયા હોય તેવો માહોલ પથરાઇ ગયો હતો. ભગવાનના જન્મ પછી કલાકો સુધી માર્ગો ઉપર લોકોની ચહલ પહલ રહી હતી. તો તેની સાથે ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર, શહેરના વિવિધ વિસ્તોરમાં આવેલી વૈષ્ણવ હવેલીઓ અને સ્વામીનારાયણ મંદિરોમાં પણ મોડી રાત સુધી શ્રદ્ધાળુઓનો ભગવાનને પારણે ઝૂલાવવા માટે ધસારો રહ્યો હતો.

શહેરના માર્ગો ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમેટી પડ્યું હતું
શહેરના માર્ગો ઉપર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમેટી પડ્યું હતું

સરકારની ગાઇડલાઇનનું પાલન ન થયું
કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે ઉજવાયેલા જન્માષ્ટમીના પર્વમાં સરકારની ગાઇડલાઇનનું પાલન થયું ન હતું. કૃષ્ણમય બની ગયેલા લોકો કોરોનાને ભૂલીને જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. જન્માષ્ટમીના પર્વમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાખ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વડોદરાની સાથે વડોદરા જિલ્લામાં પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તીભાવ પૂર્વક ધામધૂમથી ઉજવણી થઇ હતી.

મંદિરોમાં ભજન મંડળીઓએ શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનોની રમઝટ બોલાવી
મંદિરોમાં ભજન મંડળીઓએ શ્રી કૃષ્ણના વધામણા કરતા ભજનોની રમઝટ બોલાવી
અન્ય સમાચારો પણ છે...