પત્ર વાઇરલ:દિલ્હી એરપોર્ટના CCTV ફૂટેજ છબીલના જાપ્તાની પોલ ખોલશે

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ રાજ્ય મંત્રીને ઉદ્દેશીને લખાયેલો પત્ર વાઇરલ
  • વાઇરલ પત્ર અંગે ઉચ્ચ પોલીસ અધિકારીએ મૌન સેવ્યું

જયંતી ભાનુશાળી હત્યા કેસના આરોપી છબીલ પટેલને વડોદરા સેન્ટ્રલ જેલમાં રખાયા બાદ તેને દિલ્હીમાં મુદતમાં લઈ જતી વખતે વડોદરાના પોલીસ મુખ્યમથકના જાપ્તાના કર્મચારીઓએ આરોપી પાસેથી 4 લાખ જેટલી રકમ લઇને તેને ફ્લાઈટથી દિલ્હી લઈ જવાના મુદ્દાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. બીજી તરફ સોમવારે સોશિયલ મીડિયામાં ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલો પત્ર વાઇરલ થયો હતો. જેમાં આરોપ લગાવાયો હતો કે, છબીલ પટેલના જાપ્તાને દિલ્હીથી અમદાવાદ પ્લેનમાં પરત લવાયો હતો અને અગાઉ દિલ્હીથી વડોદરાના જાપ્તા માત્ર 2 દિવસમાં પરત આવતા હતા અને આ વખતે જાપ્તો 5 દિવસ પછી કેમ પરત ફર્યો હતો તેવો આરોપ પણ આ વાઇરલ પત્રમાં લગાવાયેલો હતો.

સૂત્રો અનુસાર વડોદરા મધ્યસ્થ જેલમાં જયંતી ભાનુશાળી મર્ડર કેસના આરોપી છબીલ પટેલને રખાયો હતો. આરોપીને કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે દિલ્હી લઈ જવાનો હતો. જેથી પ્રતાપ નગર ખાતે હેડ ક્વાર્ટરમાંથી પોલીસ જાપ્તો મગાતાં 1 પીએસઆઈ અને 3 પોલીસ કોન્સ્ટેબલને આરોપીનો જાપ્તો સોંપાયો હતો.

આરોપીને લઇને 2 કોન્સ્ટેબલ વડોદરાથી દિલ્હી ફ્લાઈટમાં ગયા હતા અને આ બાબતે કોઈની મંજૂરી લેવામાં આવી ન હતી. જ્યારે પીએસઆઇ અને અન્ય એક કોન્સ્ટેબલ ગાડી લઈને દિલ્હી ગયા હતા. ઉપરાંત જાપ્તાના પોલીસ અધિકારીઓએ આરોપી પાસેથી પૈસાનો વહીવટ કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જોકે તપાસમાં જણાયું હતું કે, જાપ્તાના પીએસઆઇ અને કોન્સ્ટેબલ ખાનગી કારમાં છબીલને દિલ્હી લઇ ગયા હતા, જેથી બંનેને સસ્પેન્ડ કરાયા હતા. બીજી તરફ સોમવારે ગૃહ રાજ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલો પત્ર વાઇરલ થયો હતો. જેમાં આરોપો લગાવાયા હતા કે, શહેર મુખ્ય મથકમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને છબીલદાસના જાપ્તાને દિલ્હીથી પરત વડોદરા ફ્લાઇટમાં લવાયો હતો. પત્રમાં મહિલાઓને લગતા પણ આરોપ લગાવાયા હતા. જ્યારે એવો પણ ઉલ્લેખ હતો કે, અધિકારીઓએની મિલીભગતમાં જાપ્તો તૈયાર કરાયો હતો અને સુવિધા માટે 4 લાખની રકમ લેવાઇ હતી.

પત્રમાં લખાયેલું કે, છબીલદાસ પટેલને ખાનગી કારમાં મોડાસાથી દિલ્હી લઇ ગયા હતા. મોડાસામાં છબીલના પરિવારને બોલાવાયો હતો. છબીલને ફ્લાઇટમાં દિલ્હીથી અમદાવાદ લવાયો હતો, ત્યારબાદ ખાનગી વાહનમાં વડોદરા લવાયો હતો. જ્યારે સરકારી વાહનમાં જાપ્તાના માણસો બેઠા હતા. તમામનાં લોકેશન ચકાસાય તો વિરમ સહિતના જાપ્તાના કર્મચારીઓ આરોપી સાથે ખાનગી વાહનમાં મળી આવશે તેમ પત્રમાં જણાવાયંુ હતું. પત્રમાં આરોપ લગાવાયો કે, દિલ્હી એરપોર્ટના સીસીટીવીમાં પણ પુરાવા મળી શકે છે.

આરોપીનો જાપ્તો અગાઉ જેટલીવાર દિલ્હી ગયો છે તે બે દિવસમાં જ પાછો આવ્યો હતો, જ્યારે આ વખતે જાપ્તો 5 દિવસમાં વડોદરા પાછો આવ્યો હતો. અન્ય જાપ્તાના કર્મચારી સીધા દિલ્હી પહોંચી કોર્ટમાં જોવા મળ્યા હતા. જોકે આ બાબતે વારંવાર ડીસીપી કરણરાજ વાઘેલાનો સંપર્ક કરાયો હતો, પણ તેમની પ્રતિક્રિયા મળી શકી ન હતી.

ઘટનાનો રિપોર્ટ પોલીસ કમિશનરને સોંપાયો
મામલો બહાર આવતાં એડિશનલ પોલીસ કમિશનર દ્વારા ડીસીપી ઝોન-3ને તપાસ સોંપાઇ હતી. ત્રણ દિવસની તપાસ બાદ સોમવારે ડીસીપીએ તપાસનો અહેવાલ પોલીસ કમિશનરને સુપરત કર્યો હતો. જાપ્તાના અન્ય કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી થઇ શકે છે તેવો ગણગણાટ પોલીસ બેડામાં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...