માંજલપુર જેવા પોશ વિસ્તારમાં પાલિકાના બગીચામાં પશુપાલકોએ 7 વર્ષથી અડિંગો જમાવી ઘટાદાર વૃક્ષો નીચે પશુ બાંધી ઢોરવાડો બનાવી દીધો છે. બગીચાના પ્લોટના ગેટને તાળું મારી કબજો જમાવવા છતાં પાલિકા સત્તાધીશો મૂક પ્રેક્ષક બની તમાશો જુએ છે. પશુપાલકોથી ભયભીત સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી ઉચ્ચ અધિકારીઓ-અગ્રણીને સ્થળ મુલાકાત કરાવવા છતાં ઉકેલ લાવતા નથી.
મેયર વિવિધ સ્થળની આકસ્મિક મુલાકાત
એક તરફ મેયર વિવિધ સ્થળની આકસ્મિક મુલાકાત લઇ પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે, બીજી તરફ ચિત્ર જુદું છે. માંજલપુર માનવ ધર્મ આશ્રમની પાછળ વનલીલા સોસાયટીની બાજુમાં કોર્પોરેશનનો ગ્રીન બેલ્ટનો 12 હજાર સ્ક્વેર ફીટનો પ્લોટ છે. જેની બજાર કિંમત અંદાજે 12 કરોડ જેટલી છે. પાલિકાએ વર્ષો અગાઉ બગીચો બનાવવાના પ્રયાસ કરી વૃક્ષો વાવ્યાં હતાં તેમજ લોકો માટે વોકવે બનાવી ફેન્સિંગ કરાઇ હતી.
પાલિકાના સત્તાધીશોનું ભેદી મૌન
ત્યારબાદ પાલિકાએ પ્લોટ પ્રત્યે દુર્લક્ષ સેવતાં સમયાંતરે પશુપાલકોએ આ જગ્યા પર કબજો જમાવી પશુઓ બાંધવાનું શરૂ કર્યું હતું. જેને પગલે આસપાસ રહેતા લોકોએ જવાનું બંધ કર્યું હતું. પ્લોટમાં ગંદકી અને છાણાની દુર્ગંધ વચ્ચે ભગવાનની ડેરી બનાવી ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ છતાં પાલિકાના સત્તાધીશો ભેદી મૌન સેવી રહ્યા છે. આ વિસ્તારની આજુબાજુ અંદાજે 20 હજાર લોકો રહે છે. જેમના માટે પાલિકાએ ઊભી કરેલી સુવિધા ઢોરવાડામાં ફેરવાઇ ગઇ છે.
મંદિર મંજૂરીથી બાંધ્યું, પાલિકા ફરકતી નથી
પ્લોટમાં વૃક્ષારોપણ કર્યા બાદ કોર્પોરેશન ફરકતુ નથી અમે વૃક્ષો ઉછેરી રહ્યા છે, મંદિર પણ કોર્પોરેશનની મંજૂરીથી બાંધ્યુ છે. - નવીન ભરવાડ, સ્થાનિક રહીશ
વારંવાર રજૂઆત કરી છતાં ઉકેલ ન લવાયો
વારંવાર રજૂઆત કરી, છતાં ઉકેલ આવતો નથી. પ્લોટમાં મંદિર બનાવી દેતાં પાલિકા આવે ત્યારે પશુપાલકો એકત્ર થઇ જાય છે. - ઉત્કર્ષ પટેલ, સ્થાનિક રહેવાસી
બગીચો બનાવવા માટે રજૂઆત કરીશું
પાલિકાએ સિક્યુરિટી મૂકવી જોઈએ. સ્થાયી ચેરમેન, ઉચ્ચ અધિકારીની મુલાકાત કરાવી છે બગીચો બનાવવા રજૂઆત કરીશું. - રમેશ ભદ્રેશ્વરા, કોર્પોરેટરના પતિ
મહિલાઓમાં પણ પશુપાલકોનો ડર છે
વનલીલા સહિતની સોસાયટીની મહિલાઓમાં પશુપાલકોનો ડર છે. તેમણે દરવાજાને તાળું મારતાં કોઈ અંદર જવા હિંમત કરતું નથી. - મીનાક્ષી પટેલ, સ્થાનિક રહેવાસી
પાલિકાના અધિકારીઓ કહે છે, અમને ખબર જ નથી
આ અંગે વોર્ડ ઓફિસર મહેશ રબારી અને પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડે. ડાયરેક્ટર ગૌરાંગ પંચાલને પૂછતાં બંનેએ જણાવ્યું કે, આ અંગે અમને ખબર નથી. તપાસ કરાવીશું. જો દબાણ કર્યું હશે તો દૂર કરવાની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.