શહેરમાં રખડતી ગાયોને પગલે અકસ્માત થવાના વધુ 2 બનાવો સોમવારે સાંજે નોંધાયા હતા. જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શહેરના સંગમ ચાર રસ્તા અને વારસિયા રિંગ રોડ પર ગુરુકૂળ વિદ્યાલય પાસે ટુ વ્હીલર પર જતા યુવાનો અકસ્માતનો ભોગ બન્યા હતા.
શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં રખડતા ઢોરને પગલે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. સોમવારે સાંજે કિશનવાડી વલ્લભ રેસિડેન્સીમાં રહેતા 30 વર્ષિય સાગર કુટે સંગમ ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. દરમિયાન સર્વાનંદ હોલ નજીક તેમના ટુ વ્હીલરના આડે ગાય આડી આવતાં તેઓ સ્લિપ થઈ ગયા હતા.
અકસ્માતને પગલે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથામાં 5 ટાંકા આવ્યા હતા. જ્યારે અન્ય બનાવવામાં વાઘોડિયા રોડ ડી માર્ટ પાસે ભાથીજી નગરમાં રહેતા 17 વર્ષિય હાર્દિક વસાવા સોમવારે સાંજે 6 વાગ્યાના અરસામાં મોપેડ પર વારસિયા રિંગ રોડ પાસે ગુરુકૂળ વિદ્યાલય નજીકથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે ગાય આડી આવતાં તેઓ પટકાયા હતા. જેને પગલે તેમને હાથ અને મોઢા પર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બંને બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ વૃદ્ધ માતા અને પુત્રીને પણ તસાલી વિસ્તારમાં રખડતુ ઢોર આડે આવતા અકસ્માત નડ્યો હતો.જેમાં બંનેને ઇજા થઇ હતી.
સંગમથી વાઘોડિયા રોડ સુધીના રસ્તા પર ગાયોની પરેડ
સોમવારે અકસ્માતના 2 બનાવો જે વિસ્તારમાં બન્યા ત્યાં મંગળવારે સવારે પણ સંગમથી વાઘોડિયા ડી માર્ટ સુધીના અંદાજે 5 કિમીના રોડ પર રોડની વચ્ચે ગાયો ખુલ્લેઆમ ફરતી જોવા મળી હતી. જ્યારે કચરાના ઢગલા પાસે ગાયો અડિંગો જમાવીને બેઠેલી જોવા મળી હતી.પરંતુ તંત્ર કાર્યવાહી કરતુ નથી.
ઘર પાસે જ ગાય રખડે છે, તંત્ર કશું કરતું નથી
સાંજે લારી માટેનો સામાન લઈ મોપેડ પર આવી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. ગરીબોનું કોઈ સાંભળનાર નથી. મારા ઘર પાસે ગાય રખડી રહી છે, પરંતુ તંત્ર કશું કરતું નથી. - હાર્દિક વસાવા, ઇજાગ્રસ્ત
પાલિકા કોઈ નક્કર પગલાં લેશે તેમ લાગતું નથી
હું નોકરીથી પરત આવતો હતો ત્યારે સંગમથી સર્વાનંદ હોલ વચ્ચે ગાયને લીધે અકસ્માત થયો હતો. સદનસીબે જીવ બચી ગયો, બાકી રખડતી ગાયોને દૂર કરવા પાલિકા કોઈ નક્કર પગલાં લે તેવું જણાતું નથી.- સાગર કુટે, ઇજાગ્રસ્ત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.