CATની પરીક્ષામાં ગુજરાતના ટોપરનો ઇન્ટરવ્યૂ:વડોદરાના પાર્થ ચૌધરીએ કહ્યું: 'મારા પિતાની ઇચ્છા હતી કે, હું CATની પરીક્ષા પાસ કરું, મારું પરિણામ સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કરુ છું'

વડોદરા17 દિવસ પહેલા
CATની પરીક્ષામાં ગુજરાતમાં ટોપર પાર્થ ચૌધરી
  • તમે તૈયારીઓ અંગે સમજી લો કે તમે ક્યાં છો અને તમારે ક્યાં પહોંચવાનું છેઃ પાર્થ ચૌધરી

સોમવારે સાંજે જાહેર થયેલા કોમન એડમિશન ટેસ્ટ (CAT)ના પરિણામમાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓએ 99.99 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાંથી એક વિદ્યાર્થી વડોદરાનો પાર્થ ચૌધરી છે. પાર્થે તેનું પરિણામ તેના સ્વર્ગસ્થ પિતાને સમર્પિત કર્યું છે.

મારા પિતાની ઇચ્છા હતી કે, હું CATની પરીક્ષા પાસ કરું
વર્ષ 2019માં CBSEમાં ધોરણ-12માં 98.8 ટકા સાથે ગુજરાતમાં ટોપર રહેલા પાર્થ ચૌધરીએ જણાવ્યું હતું કે, હું ધોરણ-11માં અભ્યાસ કરતા હતો, ત્યારે મારા પિતા સુદેશભાઇનું મૃત્યું થયું હતું. મારા પિતાની ઇચ્છા હતી કે, હું CATની પરીક્ષા પાસ કરું અને આજે એ સપનું સાકાર થયું છે. મેં CATની પરીક્ષામાં 99.99 પર્સન્ટાઇલ હાંસલ કર્યાં છે. તેથી આ પરિણામ હું મારા પિતાને સમર્પિત કરું છે.

કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં CATની પરીક્ષામાં કોઇ મુશ્કેલી નડી નથી
કોમર્સ સ્ટ્રીમમાંથી આવતા પાર્થે જણાવ્યું હતું કે, ધોરણ-11માં મેં સાયન્સ લીધું હતું. જો કે, એક ટર્મ બાદ મેં કોમર્સમાં જવાનો નિર્ણય કર્યો હતો. લોકો માને છે કે CAT એન્જિનિયર ડોમિનેટેડ એક્ઝામ છે. આ વખતે દેશમાં 99.99 પર્સન્ટાઇલ લાવનારા 19 વિદ્યાર્થીઓ છે. જેમાંથી 16 એન્જીનિયરિંગ છે. હું ખૂબ ખુશ છું કે, હું બાકીના અન્ય ત્રણમાં સામેલ છું. હું કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં CATની પરીક્ષામાં મને કોઇ મુશ્કેલી નડી નથી. જો તમે યોગ્ય તૈયારીઓ કરશો તો તમે જરૂર સારું પરિણામ હાંસલ કરી શકશો.

તમે સમજી લો કે તમે ક્યાં છો અને તમારે ક્યાં પહોંચવાનું છે
પાર્થે કહ્યું હતું કે, CATની પરીક્ષા આપતા પહેલા તમે તૈયારીઓ અંગે સમજી લો કે તમે ક્યાં છો અને તમારે ક્યાં પહોંચવાનું છે. તમે તમને માર્ગદર્શક, મેન્ટર્સ પાસે બેસી નક્કી કરો કે, તમારે કેટલો એફર્ટ આપવાની જરૂર છે, કેટલો સમય આપવાની જરૂર છે. હું દરરોજ ત્રણથી ચાર કલાક CATની પરીક્ષા માટેની તૈયારીઓ માટે આપતો હતો. આ પરીક્ષામાં તૈયારીઓ માટે કેટલો સમય વિદ્યાર્થીએ આપવો તે તેના પર નિર્ભર કરે છે.

CAT 2021ના પરિણામ આ પ્રકારે છે

100 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 07
  • બિન એન્જિનિયરિંગ 02
  • (તમામ પુરુષ ઉમેદવાર છે. જેમાંથી એક હરિયાણા અને એક ઉત્તરપ્રદેશથી છે.)

99.99 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 16
  • બિન એન્જિનિયરિંગ 03
  • (તમામ પુરુષ ઉમેદવાર છે.)

99.98 પર્સેન્ટાઈલ

  • એન્જિનિયરિંગ 15
  • બિન એન્જિનિયરિંગ 04
  • (1- મહિલા એન્જિનિયર)

28 નવેમ્બરે પરીક્ષા યોજાઈ હતી
CAT 2021ની પરીક્ષા 28 નવેમ્બર, 2021નાં રોજ ભારતના 156 શહેરોમાં 438 પરીક્ષા કેન્દ્ર પર ત્રણ બેચમાં સફળતાપૂર્વક આયોજિત કરાઈ હતી. આ પરીક્ષા માટે 2.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી લગભગ 1.92 લાખ લોકોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનારા 1.92 લાખ ઉમેદવારોમાંથી 35% મહિલાઓ, 65% પુરુષો અને 2 ઉમેદવાર ટ્રાંસજેન્ડર હતા.

અન્ય સમાચારો પણ છે...