વડોદરામાં ચાર દિવસમાં પતંગની દોરીથી ગળું કપાવાની ઘટનામાં બે લોકોના થતાં પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે છેલ્લા 24 કલાકમાં ચાઇનીઝ દોરી સાથે 12 લોકોને ઝડપી લીધા છે. તેમજ જે લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા પકડાશે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે.
તમામ પીઆઇ, ACP, DCPની મિટિંગ યોજી
વડોદરા કંટ્રોલ રૂમના ACP એ.એમ.સૈયદે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર દિવસમાં વડોદરા શહેર અને જિલ્લામાં ચાઇનીઝ દોરીથી શહેરના બે નાગરિકોના મોત થયા હતા. એ બાબતને ગંભીરતાથી લઇ વડોદરા પોલીસ કમિશ્નર શમશેર સિંઘે શહેરના તમામ પીઆઇ, એસીપી અને ડીસીપી સાથે બેઠક યોજી હતી. જેમાં તમામને ચાઇનીઝ દોરી જ્યાં પણ વેચાતી હોય ત્યાં રેડ કરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને શહેરમાં 60 જેટલી સંભવિત જગ્યાઓ પર ચેકિંગ કર્યું હતું. જેમાંથી 9 જગ્યાએ ચાઇનીઝ દોરી મળી આવતા કુલ 9 પોલીસ સ્ટેશનો ગુના દાખલ કરી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ તેમજ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
કાચ પીવડાવેલી દોરી નહીં વાપરવા અનુરોધ
તેમણે કહ્યું કે, દોરી વાગવાની ઘટનાઓમાં હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં તપાસ કરી આરોપીઓ પકડાશે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. ચાઇનીઝ દોરી સહિત કાચ પીવડાવેલી દોરીનો ઉપયોગ પણ લોકોએ ન કરવો જોઇએ. જે લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા પકડાશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
બપોદ પોલીસની કાર્યવાહી
મકરસંક્રાતિનો તહેવાર આવી રહ્યો છે. આ તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ તુક્કલનુ વેચાણ કરતા હોય છે અને ચાઇનીઝ દોરી પણ ઉપયોગ કરતા હોય છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાનો અને જાન માલને નુકશાન થવાનો ભય હોય છે. ત્યારે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ ઉપર તેમજ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ વેચાણ કરતા એક ઇસમને બાપોદ પોલીસે ઝડપી પાડ્યો છે.
ચાઈનીઝ દોરી તુકકલ સાથે એક ઈસમ ઝડપાયો
આ બનાવની વિગત મુજબ પોલીસ જ્યારે પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે કમલાનગર શાક માર્કેટ પાસે મકાનની આગળ વરંડામાં એક ઇસમ ચાઇનીઝ રીલ નંગ-30 કિંમત રૂ.9000 તથા ચાઇનીઝ તુક્કલ નંગ-10 કિંમત રૂ.500 તથા MI કંપનીનો મોબાઇલ ફોન કિંમત-5000નો કુલ કિંમત રૂ.14,500 મુદ્દામાલ સાથે બાપોદ પોલીસે પકડી પાડ્યો હતો. જેમાં દિનેશભાઇ કાંતિભાઇ પ્રજાપતિ (રહે.વડોદરા) અને વોન્ટેડ આરોપી રેહાનભાઇ રેહમાનભાઇ ગોલાવાલા (રહે,વડોદરા)ને ઝડપી લેવામાં આવ્યા હતા.
વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીએ ચાઇનીઝ દોરીની 420 રીલ પકડી
બીજા એક કેસમાં વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જીની ટીમ ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માહિતી મળી હતી કે પલાસલાડા ખાતે દરબાર રેસીડેન્સીમાં રહેતા અહેમદ અબ્દુલ રહેમાન ગોલાવાલા નામનો ઇસમ પોતાના ઘરે ચાઇનીઝ દોરા રાખી ચોરીછુપીથી વેચાણ કરે છે. પોલીસે અહી રેડ પાડી ઘરેથી સંગ્રહ કરી રાખેલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરાની 420 નંગ રીલો કિં રૂ.1,26,000ના મુદ્દામાલ સાથે અહેમદ અબ્દુલ રહેમાનને પકડી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.