વડોદરા ગેંગરેપ:ઓએસિસ પર કોંગ્રેસ અગ્રણીના આક્ષેપ, સંચાલક સંજીવ શાહ પોતાને કૃષ્ણનો અવતાર ગણાવતો, કૃષ્ણલીલાનાં નામે નગ્ન નાચ કરતો

વડોદરા2 મહિનો પહેલા
જંગલમાં બનાવવામાં આવેલું મકાન, ઓએસિસના સંચાલક સંજીવ શાહ (જમણે) અને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત.
  • 21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થાના સાક્ષી એવા કોંગ્રેસ અગ્રણીએ વિવાદિત ભૂતકાળની ચોંકાવનારી વિગતો જણાવી

21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થા પુનઃ એકવાર સંસ્થા સાથે સંકળાયેલી યુવતીના રહસ્યમય મોત બાદ વિવાદમાં આવી છે. ત્યારે આ સંસ્થાને નજીકથી જાણતા કોંગ્રેસ અગ્રણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંસ્થાના મુખ્ય સંચાલક સંજીવ શાહ પોતાની જાતને કૃષ્ણનો અવતાર ગણાવતો હતો અને કૃષ્ણલીલાનાં નામે નગ્ન નાચ કરતો હતો. શિક્ષીત યુવાનો અને યુવતીઓને ગેરમાર્ગે દોરીને પોતાની સંસ્થામાં અશોભનીય પ્રવૃત્તીઓ કરાવતા નવસારીની આશાસ્પદ યુવતીને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.

પોલીસ પણ અંધારામાં ફાંફા મારે છે
વડોદરા દુષ્કર્મ કેસમાં મામલો દિવસેને દિવસે વધારે ગુંચવાતો જઇ રહ્યો છે. જેમ જેમ તપાસ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ નવા નવા ઘટસ્ફોટ થતા જાય છે. પહેલા માત્ર આત્મહત્યાનો કિસ્સો હતો તે ધીરે ધીરે દુષ્કર્મનો ત્યાર બાદ સામુહિક દુષ્કર્મનો અને ત્યાર બાદ હત્યાની આશંકાના તાણાવાણા વચ્ચે તપાસ ચાલી રહી છે. પોલીસ પણ અંધારામાં ફાંફા મારતી હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ યુવતી જે સંસ્થા સાથે સંકળાયેલી છે તે સંસ્થા પણ વિવાદિત છે. આ સંસ્થાની જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ તે વધારેને વધારે વિવાદિત બનતી જઇ રહી છે.

21 વર્ષ પહેલાં ઓએસિસનો વિવાદિત ભૂતકાળ
21 વર્ષ પૂર્વે વિવાદમાં આવેલી ઓએસિસ સંસ્થાના સાક્ષી અને કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે સંજીવ શાહ અને સંસ્થાના વિવાદિત ભૂતકાળની ચોંકાવનારી વિગતો જણાવી હતી. નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, 1991માં સંસ્થાના સંચાલક સંજીવ શાહ વડોદરામાં કાર્યરત થયો હતો. સંજીવ શાહે અનેક લોકોને પોતાની વાતમાં ભોળવીને ફંડીગ અને સંસ્થામાં સ્વયં સેવકો બનાવી લીધા હતા. આ સંસ્થામાં સામાન્ય વ્યક્તિ તો ઠીક સંજીવે મોટી મોટી વાતો કરીને શહેરના નામાંકીત અને પ્રતિષ્ઠીત વ્યક્તિઓને સભ્યો બનાવી દીધા હતા. અને સમય જતાં સરકારમાંથી વડોદરા પાસે સિંધરોટ પાસે મહિ નદીના કોતરોમાં જમીન મેળવી હતી. અને તે જંગલમાં ગુંબજ આકારનું મકાન બનાવ્યું હતું. જંગલમાં મંગલ બનાવી દીધું હતું. આ જગ્યાએ યુવાનો અને યુવતીઓ એકઠી થતી હતી અને અશોભનીય પ્રવૃત્તીઓ કરતા હતા.

સંજીવ શાહ કૃષ્ણ બનતો હોય તે પ્રકારની ફરિયાદો અવાર નવાર મળતી
આ સંસ્થા સાથે મોટા પ્રમાણમાં યુવતીઓને સંસ્થામાં જોડવામાં આવી હતી. 1995માં ઓએસિસ માટે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. સંજીવ શાહ યુવતીઓને હાથો બનાવી ફંડ ઉઘરાવતો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, સંજીવ શાહ પોતાની જાતને કૃષ્ણનો અવતાર ગણાવતો હતો અને કૃષ્ણલીલાનાં નામે નગ્ન નાચ કરતો હતો. સંજીવ શાહ કૃષ્ણ બનતો હોય તે પ્રકારની ફરિયાદો અવાર નવાર તેમને મળતી હતી. તે યુવતીઓને ગોપી બનાવીને એવી રીતે ભ્રમિત કરતો કે યુવતીઓ પણ તે જે કહે તે કરવા તૈયાર થઇ જતી હતી.

પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા હોવાનો આક્ષેપ
નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, 21 વર્ષ બાદ ઓએસિસ સંસ્થા સંકળાયેલી યુવતીના રહસ્યમય નીપજેલા મોતના કારણે અવાજ ઉઠાવવાની ફરજ પડી છે. સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનેક અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી અને હાલમાં તપાસ થાય તો હાલમાં પણ અનેક ઘટસ્ફોટ થઇ શકે છે. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યો હતો કે, પોલીસ પાસે પૂરતી માહિતી હોવા છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. આ કેસની તપાસમાં પોલીસ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ છે અથવા તો તે કેટલાક ચોક્કસ લોકોને છાવરવા માંગે છે.

અન્ય સમાચારો પણ છે...