વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:પીડિતાની માહિતી છૂપાવનાર ઓએસિસ સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ, તેની પત્ની સહિત ત્રણ સામે ગુનો દાખલ

વડોદરા2 મહિનો પહેલા
ઓએસિસ સંસ્થાની ઓફિસની તસવીર.
  • પોલીસ અધિકારીએ કહ્યું- પોલીસને જાણ કરી હોત તો યુવતી જીવતી હોત અને દુષ્કર્મ આચરનાર આરોપીઓ પણ પકડાઈ ગયા હોત

શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં આચરવામાં આવેલા દુષ્કર્મ બાદ ફાંસો ખાઇ આપઘાત કરી લેનાર યુવતીની માહિતી છૂપાવનાર વડોદરાની ઓએસિસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રિતી શાહ તેના પતિ અને સંસ્થાના ટ્રસ્ટી સંજીવ શાહ તેમજ સંસ્થા સાથે સંકળાયેલી વૈષ્ણવી ટાપરીયા સામે ક્રાઇમબ્રાચે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઓએસિસ સંસ્થાની તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું કે, સંસ્થાએ પીડિતાની ત્વરીત પોલીસને જાણ કરી હોત તો યુવતી જીવતી હોત અને દુષ્કર્મ આચરનાર આરોપીઓ પણ પકડાઈ ગયા હોત.

સંસ્થાના સંચાલકો યુવતી સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી
ઓએસિસ સંસ્થાની તપાસ કરનાર એ.સી.પી. ડી.એસ. ચૌહાણે જણાવ્યું હતું કે, દુષ્કર્મ બાદ આપઘાત કરી લેનાર યુવતી ઓએસિસ સંસ્થા સાથે બે વર્ષથી સંકળાયેલી હતી અને તે સંસ્થામાં એમ.એચ.ઇ.નો કોર્ષ કરતી હતી. સાથે સંસ્થામાં પુસ્તક પ્રકાશન વિભાગમાં સ્ટોર મેનેજમેન્ટનું કામ કરતી હતી. સંસ્થાના સંચાલકો યુવતી સાથે દુષ્કર્મ થયાનું જાણતા હોવા છતાં કોઇ મદદ કરી ન હતી. તથા તેના મૃત્યું બાદ પણ સંસ્થાની ગંભીર બેદરકારી સામે આવતા આખરે 33 દિવસ બાદ સંસ્થાના સંચાલકો સહિત ત્રણ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.

વેક્સિન ગ્રાઉન્ડમાં ગેંગરેપ થયો હતો
મૂળ નવસારીની યુવતીને સાયકલ પરથી ધક્કો મારી વેક્સિન ગ્રાઉન્ડમાં ખેંચી લઇ જઇ બેથી વધુ નરાધમોએ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વેક્સિન ગ્રાઉન્ડ પાસે લક્ઝરી બસ પાર્ક કરવા માટે આવતા ડ્રાઇવર નરાધમોને જોઇ ગયો હતો. ડ્રાઇવર ટોમી લેવા જતા બે નરાધમો નાસી છૂટ્યા હતા. ત્યારબાદ યુવતીને કપડાં શોધી તેને પહેરાવી ડ્રાઇવરના મોબાઇલથી યુવતીએ તેની સંસ્થાના મહિલા સાથીને ફોન કર્યો હતો. અને તેની સાથે તે જતી રહી હતી. બસ ડ્રાઇવરે આ મામલે પોલીસ ફરિયાદ કરી કે કેમ તે અંગે ફોન કરતા મહિલા સાથીએ ફોન નહીં કરવા જણાવ્યું હતું.

પોલીસે ઓએસિસમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઓએસિસમાં તપાસ હાથ ધરી હતી.

પોલીસને કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી
4 નવેમ્બરના રોજ યુવતીની ગુજરાત ક્વિનમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેને એક્સીડેન્ટલ ડેથ તરીને નોંધ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહીમાં યુવતીની ડાયરી સામે આવી હતી. જેમાં તેણે તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું લખ્યું હતું. તથા ડાયરીમાંથી યુવતીએ લખેલા પાના સંસ્થાના જ કોઇએ ફાડી નાંખ્યા હોય તેવું અનુમાન છે. યુવતી જ્યારે ટ્રેનમાં હતી ત્યારે તે મુશ્કેલીમાં મુકાઇ હોય તેવો મેસેજ પણ સંસ્થાના વડા સંજીવ શાહને કર્યો હોવાનો સ્ક્રિન શોટ બહાર આવ્યો હતો. આજે યુવતીના જીવન ટૂંકાવવાની ઘટનાને 33 દિવસ વિતી ગયા છે. પણ કોઇ નક્કર પુરાવા હાથ લાગ્યા નથી.

ઓએસિસ સંસ્થાના વડા સહિત ત્રણ સામે ફરિયાદ
આખરે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓએસિસ સંસ્થાના વડા સંજીવ કનૈયાલાલ શાહ (રહે. વૃદાવન ટાઉનશીપ, ગોત્રી-વાસણા રોડ) (મુળ. નવસારી) ઓએસિસ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિતીબેન કનૈયાલાલ શાહ (રહે. વૃદાવન ટાઉનશીપ, ગોત્રી-વાસણા રોડ) તથા સંસ્થાની વૈષ્ણવી મહેન્દ્રભાઇ ટાપરીયા (રહે. વૃદાવન ટાઉનશીપ, ગોત્રી-વાસણા રોડ) સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પીડિતા ઓએસિસ સંસ્થા સાથે બે વર્ષથી સંકળાયેલી હતી.
પીડિતા ઓએસિસ સંસ્થા સાથે બે વર્ષથી સંકળાયેલી હતી.

યુવતીનો જીવ પણ બચાવી શકાયો હોત
અત્યાર સુધીની સંસ્થા સામેની તપાસમાં વાત ધ્યાને આવી છે કે, વેક્સિન ગ્રાઉન્ડમાં ભોગ બનનાર યુવતીએ ઓએસિસના ટ્રસ્ટી તથા ટ્રસ્ટમાં કામ કરતી અન્ય છોકરીને દુષ્કર્મ અંગે જાણ કરી હતી. આ ગંભીર કિસ્સામાં સંસ્થા દ્વારા અથવા જવાબદાર વ્યક્તિઓ દ્વારા કોઇ કાર્યવાહી નહીં કરી કોગ્નીઝેબલ ગુનો બનેલો હોવાનું જાણવા છતાં છુપાવ્યું હતું. જો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા સમયસર પોલીસને જાણ કરવામાં આવી હોત તો ગુનાનો ભેદ ઉકેલવામાં તથા પુરાવા એકત્રીત કરવામાં સરળતા રહેતી તથા યુવતીનો જીવ પણ બચાવી શકાયો હોત.

પીડિતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.
પીડિતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

સંસ્થાના કર્તાહર્તા દ્વારા પુરાવાઓ રજૂ કરવામાં ઉદાસીનતા
શરૂઆતના તબક્કામાં સંસ્થાના કર્તાહર્તા દ્વારા ડોક્યુમેન્ટ્રી પુરાવાઓ રજુ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી હતી. તથા તેમની સઘન પુછપરછ બાદ જ પુરાવા આપ્યા હતા. અને તપાસમાં પણ સહકાર આપ્યો ન હતો. અને સંસ્થા સામે શહેર પોલીસ કમિશ્નર દ્વારા સોંપવામાંઆવેલી તપાસ બાદ ગુનો નોંધવા તથા ઇંકવાયરીના આધારે સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પોલીસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ઓએસિસ સંસ્થાની તપાસ કરનાર એ.સી.પી. ડી.એસ. ચૌહાણ.
ઓએસિસ સંસ્થાની તપાસ કરનાર એ.સી.પી. ડી.એસ. ચૌહાણ.

આ મામલે વડોદરામાં બીજો ગુનો નોંધાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહમંત્રી ખુદ આ કેસમાં ઇન્વોલ્ન થઇને જલ્દીથી આરોપીઓ પકડાય તે અંગે જાણકારી મેળવી રહ્યા છે અને દિશાનિર્દેશ કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે વડોદરામાં બીજો ગુનો નોંધાયો છે. અગાઉ આ મામલે વલસાડ રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી ચુક્યો છે. હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

કોનો શું રોલ?
સંજીવ શાહ (રહે.તપસ રજનીગંધા એપા.દિવાળીપુરા): સંસ્થાની વૈષ્ણવી ટાપનિયા પીડિતાને લઇને ઓએસિસ ઓફિસે ગઇ હતી. ત્યાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રિતી નાયર અને સંજીવ કનૈયાલાલ શાહને ઘટનાની જાણ કરી હતી છતાં સંજીવ શાહે પોલીસ કે, પરિવારને જાણ ન કરી માહિતી છુપાવીને કાયદેસરની કાર્યવાહી કરી ન હતી.

પ્રીતિ નાયર (રહે.તપસ રજનીગંધા એપા.દિવાળીપુરા): પ્રિતી નાયર અને સંજીવ શાહને ભોગ બનનાર યુવતીની તમામ ઘટનાની જાણ હતી અને પીડિતાએ પણ ફોન ઉપર બંનેને તેની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી. પ્રિતી નાયર અને સંજીવ શાહે તેની ડાયરીના ફોટા અને ઇજાના ફોટા જોઇને પણ કોઇ કાયદાકીય કાર્યવાહી કરી ન હતી.

વૈષ્ણવી ટાપનિયા (રહે.વૃંદાવન ટાઉનશીપ, ગોત્રી વાસણા રોડ): વૈષ્ણવીને પીડિતાએ અજાણ્યા નંબર પરથી વાત કરી હતી. વૈષ્ણવીએ પીડિતાના શરીર પરના ઇજાના ત્રણ નિશાનના ફોટા અને પીડિતાની ડાયરીના ફોટા અવધીને મોકલ્યા હતા અને તેણે આ તમામ ફોટા પ્રિતી નાયર અને સંજીવ શાહને બતાવ્યા હતા પરંતુ કાર્યવાહી કરી ન હતી.

કઇ કલમો હેઠળ ગુનો નોંધાયો?

  • આઇપીસી-202: ગુનાની માહિતી આપવા માટે બંધાયેલ વ્યક્તિ ઇરાદાપૂર્વક માહિતી ન આપે તો કાર્યવાહી.
  • આઇપીસી-176: રાજ્ય સેવકને કોઇ માહિતી આપવાની ફરજ હોવા છતાં આવી માહિતી ન પહોંચાડવી.
  • આઇપીસી-114: ગુનો કરવામાં આવે ત્યારે દુષ્પ્રેરકની હાજરી હોય તો તેણે કૃત્ય કર્યું છે તે ગણાશે.

પુરાવા મળશે તો ઓએસિસનું રજિસ્ટ્રેશન રદ કરાશે
તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ઓએસિસ સંસ્થાની વિરુદ્ધમાં રજુઆતો થઇ હોવાથી તેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરે ઓએસિસ સંસ્થાની વિરુદ્ધમાં તપાસ એસીપી ક્રાઇમને સોંપી હતી. તપાસ દરમિયાન પુરાવાના આધારે સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. તપાસના આધારે પુરાવા મળશે તો સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે.

દુષ્કર્મનો રિપોર્ટ નેગેટિવ, સાંયોગિક પુરાવાના આધારે તપાસ ચાલુ રહેશે
વલસાડ ટ્રેનમાં યુવતીનાં રહસ્યમય મોત અને દુષ્કર્મ કેસમાં એફએેસએલ રિપોર્ટમાં યુવતી ઉપર દુષ્કર્મ થયું નથી. એટલે કે, દુષ્કર્મ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. યુવતીનું મોત શ્વાસ રૂંધાવાના કારણે થયું છે. તેમ રેલવે ડી.વાય.એસ.પી. બી.એસ. જાદવે જણાવ્યું હતું. બનાવ અને સેમ્પલ લેવામાં અઠવાડિયાનો સમય વિતતા સાયન્ટિફિક પુરાવા મળી શક્યા ન હતા. જોકે, એસ.આઇ.ટી. દ્વારા ઇજાઓ ઉપરાંત અન્ય સાંયોગિક પુરાવાના આધારે દુષ્કર્મ અંગેની તપાસ ચાલુ રાખવામાં આવશે.

પીડિતાએ મારું અપહરણ થયું છે અને મને મારી નાખશે તેવો મેસેજ કર્યો હતો
પીડિતાએ વૈષ્ણવી અને શૈલેશ અગ્રવાલના ફોન પર રાત્રે અનનો નંબરથી મેસેજ આવ્યો હતો જેમાં સોરી સંજીવભાઇ પ્લીઝ સેવ મી આઉટ ફોર એમએચઇ વર્ક, હી ફોલો ફ્રોમ એનવીએસ વન્ના કીલ એનીહાઉ , એ કાન્ટ કોલ ઇ્ન ટ્રેન, ગેટ ફોન સમ હાઉ પેરેન્ટસ ડોન્ટ નો એનીથીંગ, આઇ કીડનેપ્ડ, આઇ એમ ઇ્ન વોશરૂમ નાઊ ગોન્ના કીલ, પ્લીઝ કોલ વેઇટીંગ મેસેજ કરેલો હતો અને તેની જાણ ટ્રસ્ટીઓને થઇ હોવા છતાં તેમણે કાર્યવાહી કરી ન હતી.