માંગણી:ધમકી પ્રકરણમાં CAની પોલીસ પ્રોટેક્શનની માગ, 2 આરોપીઓને પકડ્યા પછી પણ અન્ય આરોપીનાં નામ પોલીસ હજી મેળવી ના શકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના કારેલીબાગ અમીતનગર પાસે દેવી કૃપા ટી સ્ટોલ પાસે તાજેતરમાં ચાર્ટડ એકાઉન્ટન્ટને બીઆરજી હાઇટસના પાર્કીંગના મુદ્દે ચાલતા કોર્ટ કેસમાં અશોક જૈન અને દર્શન શાહ કહે તે પ્રમાણે પતાવટ કરો નહીતર મારી નાંખીશું તેવી ધમકી આપવાના બનાવમાં પોલીસ અન્ય 2 આરોપીને હજું સુધી પકડયા ના હોવાનું જણાવી સીએ દ્વારા તેમના જાનનું જોખમ હોવાની ભીતી વ્યકતી કરી ગૃહ મંત્રી અને પોલીસ કમિશનર સમક્ષ પોતાને પોલીસ રક્ષણ આપવાની માંગ કરી હતી.

હરણી પોલીસમાં મયંકભાઇ રજનીકાંત શાહ (રહે, બીઆરજી હાઇટસ, સમાસાવલી રોડ)એ આ મામલે ધમકીની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આ મામલે ગુનોનોંધી તપાસ કરીને જયેન્દ્રપુરી મહેન્દ્રપુરી ગોંસાઇ ઉર્ફે જેડી (રહે, સાંઇકૃપા સોસા. ખોડીયારનગર) અને ધ્રુવ મહેશ પાનાવાલા (રહે, હરીકૃપા સોસા.વારસીયા)ની અટકાયત કરી હતી. જો કે સીએ મયંક શાહે ગૃહ મંત્રી અને પોલીસ કમિશનરને ઇમેઇલ કરીને જણાવ્યું હતું કે તેમની ફરિયાદ બાદ હજું પણ 2 મુખ્ય શખ્સ બહાર ફરી રહ્યા છે અને પોલીસે તેમને પકડયા નથી.

તેઓ અન્ય લોકોને મોકલીને તેમની પર હુમલો કરાવે તેવી શકયતા છે અને તેથી તેમના જાનનું જોખમ હોવાથી તેમને પોલીસ પ્રોટેકશન આપવામાં આવે. તેમણે માંગ કરી હતી કે પકડાયેલા આરોપીઓનો લાઇવ ડીટેકટ ટેસ્ટ કરાવામાં આવે. એક નંબર પ્લેટ વગરની કાર તેમનો સતત પીછો કરી રહી છે. જેથી તેમણે શહેર કન્ટ્રોલ રુમને પણ ફોન કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેમને પોલીસ કાર્યવાહીથી અસંતોષ છે અને પોલીસ યોગ્ય જવાબ આપતી નથી.

અન્ય સમાચારો પણ છે...