મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરેલી પહેલના ભાગરૂપે આગામી 26 મેના રોજ વડોદરા શહેરમાં સયાજી નગરગૃહ ખાતે સવારના 9 વાગ્યાથી કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાવાનો છે. ધોરણ 10 અને 12 પછી થતાં વ્યવસાયિક અભ્યાસક્રમોની માહિતી ઉપરાંત કારકીર્દિનું ઘડતર કેવી રીતે કરવું તેનું માગદર્શન આ સેમિનારમાં આપવામાં આવશે.
જિતુ વાઘાણી ઓનલાઇન જોડાઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે
વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરની અધ્યક્ષતામાં ઉક્ત સેમિનારના આયોજન માટેની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સમગ્ર કાર્યક્રમના આયોજન માટે રચનાત્મક સૂચનો ઉપરાંત આ સેમિનાર વિદ્યાર્થીલક્ષી બની રહે તેવું કરવા સૂચના આપી હતી. સયાજી નગરગૃહ ખાતે યોજનારા સેમિનારમાં શિક્ષણ મંત્રી જિતુ વાઘાણી ઓનલાઇન જોડાઇને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધશે. આ ઉપરાંત મેયર કેયુર રોકડિયા ઉપરાંત એમ.એસ. યુનિવર્સિટીના કુલપતિ શ્રીવાસ્તવ પણ છાત્રોને માગદર્શન આપશે.
CM આંગણવાડી કાર્યકર તેડાગર-બહેનોને નિયુક્તિપત્રો એનાયત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલs 21 મેના રોજ શનિવારના રોજ અહીંના નવલખી મેદાનમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હસ્તકની આંગણવાડીમાં નવી ભરતી પામેલા કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવનાર છે.
રાજ્યમાં કુલ 7092 પૈકી વડોદરા ઝોનના સાત જિલ્લાઓ અને એક મહાનગરપાલિકા વિસ્તારમાં 1416 માનદ્દસેવા નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવશે. સાંજે પાંચ વાગ્યાથી આયોજીત આ કાર્યક્રમની સાથે સેજા અને ઘટક કચેરીઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ થશે. મુખ્યમંત્રીના હસ્તે શક્તિમેળાનું ઉદ્દઘાટન થશે. જેમાં મહિલાઓ દ્વારા ઉત્પાદિત ચિજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થશે. આ કાર્યક્રમની સાથે જ મુખ્યમંત્રીના હસ્તે વ્હાલી દીકરી યોજનાના મંજૂરી પત્રો, ગંગાસ્વરૂપા બહેનોને આર્થિક સહાય મંજૂરી પત્રો, મહિલા સ્વાવલંબન યોજનાના લાભોની વિતરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટનું ડિઝીટલ અનાવરણ કરવામાં આવશે.
વડોદરા જિલ્લામાં ચાલી રહેલા વિકાસકામો અને યોજનાકીય પ્રવૃત્તિની જિલ્લામાં જઇ સમીક્ષા કરવાની શ્રૃખંલામાં મુખ્યમંત્રી વડોદરા જિલ્લાની પણ સમીક્ષા કરશે. આ માટે ઉક્ત કાર્યક્રમ બાદ એસએસજી હોસ્પિટલના સભાગૃહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી દિશાદર્શન કરશે. આ કાર્યક્રમમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી મનિષા વકીલ, મેયર કેયુર રોકડિયા, સાંસદ અને ધારાસભ્યોઓ પણ જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.