વડોદરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે ગત રાત્રે એક કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જો કે, અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઇ ગયો હતો. હરણી પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અજાણ્યા મૃતક અને ભાગી ગયેલા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
અકસ્માત બાદ રાહદારીએ એમ્બ્યુલન્સ બોલાવી
વડોદરામાં ગત મોડી રાત્રે ગોલ્ડન ચોકડી પાસે ટોલનાકા નજીક લાલ રંગની એક કારે બાઇક પર જઇ રહેલા બે લોકોને ટક્કર મારી હતી. જેથી તેમની પાછળ જઇ રહેલા અન્ય એક ટુ-વ્હિલર ચાલક હિમાંશુ ઠક્કરે બ્રેક મારતા તેઓ પણ રોડ પર પટકાયા હતાં. ખાનગી કંપનીમાં સુપર વાઇઝર તરીકે નોકરી કરતા અને આજવા રોડ પર રહેતા હિમાંશુ ઠક્કરે હરણી પોલીસ મથકમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, અકસ્માત બાદ કોઇ રાહદારીએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને હિમાંશુભાઇને દવાખાને લઇ જવામાં આવી રહ્યા હતા. જો કે તેમને સામાન્ય ઇજાઓ થતાં તેઓ રાત્રી બજાર પાસે ઉતરી ગયા હતા અને ઘરે જતાં રહ્યા હતાં. દરમિયાન તેમને જાણ થઇ હતી કે, કારની ટક્કરથી ઇજાગ્રસ્ત વ્યક્તિને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો છે તેમજ તેની સાથે રહેલો અન્ય એક વ્યક્તિ ત્યાંથી જતો રહ્યો હતો.
અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ
હિમાંશુ ઠક્કરે લાલ રંગની અજાણી કારના ચાલક સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયેલા મૃતકની લાશને કોલ્ડરૂમમાં મુકવામાં આવી છે. હરણી પોલીસે આ મામલે મૃતકની ઓળખ અને અજાણ્યા કાર ચાલકની ઓળખ માટે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.