વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ઢાબા ઉપર રસોઈ બનાવીને ગુજરાન ચલાવતું દંપતી મોડી રાત્રે ઢાબા પાસે રોડ ઉપર ઊભું હતું. દરમિયાન પસાર થયેલી કારે અડફેટમાં લેતા દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રત દંપતીને સયાજી હોસ્પિટલમાં લઇ જવાતા તબીબોએ પતિને મૃત જાહેર કર્યા હતા. હિટ એન્ડ રનના આ બનાવ અંગે જે.પી. પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
ઢાબા ઉપર રસોઈ બનાવીને ગુજરાન ચલાવતા હતા
આ બનાવની વિગત એવી છે કે મૂળ ભરૂચના શ્રીજીકુજ મંદિર સોસાયટી મંદિર પાસે રહેતા ૬૬ વર્ષીય બાબરભાઈ નાથાભાઈ વાઘેલા અને તેમની પત્ની નંદુબેન છેલ્લા સાત દિવસથી તાંદલજા રોડ ઉપર આવેલ ફેમસ મોગલાય નામના ઢાબા ઉપર રસોઈ બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. મોડી રાત્રે આ દંપતી ફેમસ મોગલાય ઢાબા બંધ કરીને રોડ ઉપર ઊભું હતું. તે દરમિયાન પત્રકાર કોલોની તરફથી પુરપાટ આવી રહેલી સફેદ કલરની કારે તેઓને અડફેટમાં લીધા હતા.
કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો દાખલ
આ બનાવ બનતા જ કાર ચાલક પોતાની કાર રોડની સાઇડ પર પાર્ક કરીને મદદે આવી પહોંચ્યો હતો. તે સાથે સ્થાનિક લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. ગંભીર રીતે ઇજા પામેલ દંપતીને 108 એમ્બ્યુલન્સમાં વડોદરા સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ બાબરભાઈ નાથાભાઈ વાઘેલાને મૃત જાહેર કર્યા હતા. દરમિયાન આ બનાવ અંગે નંદુબેન વાઘેલાએ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર ચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરી કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.