બેફામ ડ્રાઇવિંગના બે કિસ્સા:વડોદરામાં કારચાલકે ઘર બહાર ઊભેલા દાદા-પૌત્રને કચડી માર્યા; કારની ટક્કરે કચડાયેલી મહિલાના મૃતદેહને પાવડાથી ભેગો કરવો પડ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કા ચાલક પણ અકસ્માતમાં ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ
  • કારચાલકે ઘર બહાર ઊભેલા અન્ય એક મહેમાનને પણ ઘાયલ કર્યો

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં ગત રાત્રે એક બેફામ કારે વીજ પોલની ધરાશાયી કરી ઘરની બહાર ઉભેલા દાદા અને પૌત્રને પણ અડફેટે લીધા હતા. જેથી દાદા-પૌત્રના કરૂણ મોત થયા હતા. જ્યારે અન્ય એક મહેમાન પણ ઘાયલ થયા હતા. આ બનાવમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થતાં તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ કપુરાઈ ચોકડી પાસે કારની ટક્કરે કચડાયેલી મહિલાના મૃતદેહને પોલીસે પાવડાથી ભેગો કરવો પડ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં દાદા-પૌત્ર ઢળી પડ્યા
વડોદરાના સમતા ફ્લેટ પાછળ સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઉર્વશી ડુપ્લેક્ષ પાસેથી ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ અંકોડિયા ખાતે રહેતો નીશીત રમેશભાઇ પટેલ તેની હુન્ડાઇ ક્રેટા કાર (GJ 06 LK 1303) બેફામ રીતે હંકારીને નીકળ્યો હતો. આ દરમિયાન નીશીત પટેલની કાર ઉર્વશી ડુપ્લેક્ષ પાસે આવેલ વીજપોલ સાથે અથડાઇ હતી. એટલું જ નહીં કાર ત્યાંથી આગળ ધસી જઇને ઘર બહાર ઉભેલા દાદા કાનજીભાઇ વજાભાઇ જોગારાણા અને પૌત્ર રાજવીર કરણભાઇ જોગારાણને ટક્કર મારી હતી. જેથી બંને લોહીલુહાણ હાલતમાં જ ત્યાં જ ઢળી પડ્યા હતા. તેમજ ઘર બહાર ઉભેલા એક મહેમાન રૂપાભાઇ જેસિંગભાઇ ભરવાડને પણ ગંભીર ઇજાએ થઇ હતી.

અકસ્માતગ્રસ્ત કાર.
અકસ્માતગ્રસ્ત કાર.

હોસ્પિટલમાં બંનેને ડોક્ટરે મૃત જાહેર કર્યાં
અકસ્માતને પગલે પરિવાજરનો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. પરિવારજનો 60 વર્ષના વૃદ્ઘ કાનજીભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે બીજી તરફ અઢી વર્ષના રાજવીરને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમનું પણ મોત થયું હતું. આમ બેફામ કાર ચાલકે દાદા-પૌત્રના જીવ હણી લીધા હતા. તેમજ એક મહેમાનને પણ ગંભીર રીતે ઘાયલ કર્યાં હતા.

કાર ચાલકે ઘર બહાર ઉભેલા અન્ય એક મહેમાનને પણ ઘાયલ કર્યો હતો.
કાર ચાલકે ઘર બહાર ઉભેલા અન્ય એક મહેમાનને પણ ઘાયલ કર્યો હતો.

કારચાલક સામે ફરિયાદ
અકસ્માત એટલો ભયાનક બન્યો હતો કે, કાર ચાલક નીશીત પટેલને પણ ઇજાઓ થઇ હતી. જેથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે મૃતક કાનજીભાઇના પુત્ર ભાયાભાઇ જોગરાણાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

કારચાલક ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
કારચાલક ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

અન્ય એક હિટ એન્ડ રનમાં મહિલાનું મોત
વડોદરા નજીક કપુરાઇ પાસે નેશનલ હાઇવે પર આણંદની ઇન્દિરા કોલોનીમાં અરવિંદભાઇ અને તેમની માતા રમીલાબેન બારીયા વડોદરા કપુરાઇ પાસેના દિવાળીપુરા ગામે મરઘાનું ખાતર ભરવાના મજૂરી કામે આવ્યા હતા. સાંજે સાડા સાત વાગ્યે ખાતર ભર્યા બાદ બંને આઇસર ટેમ્પોમાં બેસીને ઘરે જવા નીકળ્યા હતા. પરંતુ ઘરે જવાનું મોડું થતા અને બંનેને જમવાનું બાકી હોવાથી તેઓ કપુરાઇ બ્રિજ પર ઉતરી ગયા હતા.

વડોદરા નજીક કપૂરાઈ પાસે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું.
વડોદરા નજીક કપૂરાઈ પાસે અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું.

પાવડાથી અંગો એકત્ર કરવા પડ્યાં
હાઇવે પર સાઇડ પર ટેમ્પો ઉભો રાખીને બંને રસ્તો ક્રોસ કરીને જઇ રહ્યા હતા. દરમિયાન અમદાવાદથી સુરત તરફના રસ્તે શ્રદ્ઘા પેટ્રોલ પંપની સામે કાર ચાલકે બંનેને અડફેટે લીધા હતા. જેમાં રમીલાબેન કાર નીચે કચડાયા હતા અને તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાના શરીરના ટુકડા રસ્તા પર વિખેરાઇ ગયા હતા અને પાવડાથી તેનો મૃતદેહના અંગો એકત્ર કરવા પડ્યા હતા. પાણીગેટ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...