શહેરના ગોત્રી વિસ્તારમાં શુક્રવારે બપોરે એક્ટિવા પર પસાર થઈ રહેલી મહિલાને પાછળથી પૂરઝડપે આવેલા કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાના પેટ પર કારનાં પૈડાં ફરી વળતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં.
ગંભીર ઇજાઓને પગલે મહિલાને સારવાર અર્થે ગોત્રી ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનામાં ગોત્રી પોલીસ દ્વારા મૃતકના પુત્રની ફરિયાદના આધારે અજાણ્યા કારચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી માત્રી મંદિર સોસાયટી ઇસ્કોન મંદિર પાસે રહેતાં 55 વર્ષીય મીનાબેન બારિયા શુક્રવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ગદાપુરા જૈન મંદિર પાસેથી એક્ટિવા લઈ પોતાના ઘરે જઈ રહ્યાં હતાં.
આ દરમિયાન ગદાપુરા જૈન મંદિર પાસે અજાણ્યા કાર ચાલક દ્વારા તેમને ટક્કર મારવામાં આવી હતી. જેને કારણે તેઓ રોડ પર પટકાયાં હતાં. આ બનાવ અંગેની જાણ થતાં તેમનો પુત્ર ધવલ બારિયા ગણતરીના સમયમાં જ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો. તેણે આ ઘટના અંગે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.