પોલીસ સામે કિન્નાખોરીના આક્ષેપ:વડોદરાના ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત, DySPના બે પુત્રો અને કારચાલક વચ્ચે મારામારી

વડોદરા4 મહિનો પહેલા
કારચાલક અને બાઇક ચાલક DySPનો પુત્ર
  • બાઇક ચાલક DySPના પુત્રો હોવાથી પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો કારચાલકના મામાનો આક્ષેપ

વડોદરાના ગોત્રી રોડ પ્રિયા ટોકીઝ પાસે બુધવારે બપોરે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવ બાદ બાઇક સવાર યુવાનો અને કાર ચાલક વચ્ચે મારમારી થઇ હતી. બાઇક સવાર યુવાનો જિલ્લા પોલીસ તંત્રમાં ફરજ બજાવતા DySP સુદર્શનસિંહ વાળાના પુત્રો છે. આ બનાવમાં કાર ચાલકના મામાએ આક્ષેપ કર્યો છે કે, બાઇક સવાર બે યુવાનોએ મારા ભાણેજને ઢોર માર માર્યો હોવા છતાં પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. પોલીસ આ બનાવમાં કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરી રહી છે.

બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત
વડોદરાના હરણી-મોટનાથ રોડ ડી.પી.એસ. સ્કૂલ પાસે આવેલ જે-203, સિદ્ધાર્થ સ્ક્વેરમાં રહેતા યશરાજસિંહ વાળા ભાયલી નવરચના યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો ભાઇ પણ નવરચના યુનિવર્સિટીમાં જ અભ્યાસ કરે છે. બુધવારે બપોરના સમયે બંને ભાઇઓ યુનિવર્સિટીમાં પરીક્ષા આપીને પોતાની બાઇક ઉપર ઘર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન પ્રિયા ટોકીઝ પાસે તેઓની બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું.

છુટાહાથની મારામારી થઇ
આ બનાવ બાદ બાઇક સવારે પોલીસ અધિકારી પુત્રો અને કાર ચાલક વચ્ચે રોડ ઉપર છુટાહાથની મારામારી થઇ હતી. એકબીજાને અકસ્માત માટે જવાબદાર ઠેરવી એક બીજાને માર માર્યો હતો. રોડ ઉપર થયેલી મારામારીના પગલે સ્થાનિક લોકો અને પસાર થઇ રહેલા લોકો ટોળે વળી ગયા હતા. એક તબક્કે માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો
ગોત્રી રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો

પાંચ માણસોએ માર માર્યાનો આક્ષેપ
દરમિયાન આ બનાવ અંગે યશરાજસિંહ વાળાએ ગોત્રી પોલીસ મથકમાં કાર ચાલક સામે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું અને મારો ભાઇ નિત્યરાજસિંહ પરિક્ષા આપીને પરત બાઇક ઉપર ઘરે જતા હતા. તે સમયે કાર ચાલક રોંગ સાઇટ આવ્યો હતો અને અમારી બાઇકને અડફેટે લઇ અકસ્માત કર્યો હતો. દરમિયાન કાર ચાલકે તેના પાંચથી માણસોને લાકડીઓ સાથે બોલાવી માર માર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે.

પોલીસે અમારી ફરિયાદ ન લીધી
બીજી બાજુ આ બનાવ અંગે કાર ચાલકના મામા ઝાલાભાઇ રેવાભાઇ ભરવાડને (રહે. 78, શાંતાપાર્ક સોસાયટી, ગોત્રી રોડ, વડોદરા) પોલીસે કોઇ દાદ ન આપતા રોષે ભરાયા હતા. તેમણે જણાવ્યું હતું કે, બાઇક સવાર યુવાનો DySP વાળાના પુત્રો હોવાથી પોલીસે માત્ર તેઓની ફરિયાદ લીધી છે. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, પોલીસ અધિકારી પુત્રોએ મારા ભાણેજ જયેશ ભરવાડને ઢોર માર માર્યો છે. આમ છતાં, પોલીસે અમારી ફરિયાદ દાખલ કરી નથી. અમારી માંગ છે, કે, પોલીસ અધિકારી વાળાના બંને પુત્રો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે. અને આ બનાવની તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવી જરૂરી છે. મેં આ અંગે પી.એમ.ઓ. સુધી રજૂઆત કરી છે.

તટસ્થ તપાસની માંગ કરી
જાણવા મળ્યા મુજબ પોલીસ તંત્ર દ્વારા આ અકસ્માતના બનાવમાં કિન્નાખોરી રાખતા થયેલા ભારે હોબાળાને પગલે અને કાર ચાલક જયેશ ભરવાડ તથા તેના મામા ઝાલા ભરવાડે આ બનાવ અંગે તટસ્થ કાર્યવાહી કરવાની માંગણી સાથે પી.એમ.ઓ. કચેરી સુધી ફરિયાદ કરતા ગોત્રી પોલીસે આજે બપોરે કાર ચાલક જયેશ ભરવાડ અને તેના મામા ઝાલાભાઇ ભરવાડને બોલાવ્યા હતા અને તેઓની બાઇક સવાર યુવાનો સામે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

ગોત્રી પોલીસે અકસ્માતના ગુનામાં બે ફરિયાદ દાખલ કરી
આ બનાવમાં ગોત્રી પોલીસે બે ગુના દાખલ કર્યા છે, એક હુલ્લડનો ગુનો અને બીજો ગુનો અકસ્માતનો દાખલ કરવામાં આવ્યો છે અને કાર ચાલકની તપાસ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઘટેલી ઘટનામાં બન્ને તરફે આક્ષેપો કરાઇ રહ્યાં છે. જો કે પોલીસે પણ કહ્યું છે કે ભરવાડોના જૂથ તરફથી કોઇ ફરીયાદ કરવા જ આવ્યું નથી. તેઓએ કરેલા આક્ષેપ ખોટાં છે.

ચાલકના મામાના આરોપ ખોટા છે
ડીવાયએસપીના પુત્રો છે એટલે ફરિયાદ દાખલ કરી છે એવું નથી, પણ બંને યુવકોને પંચથી માર મરાયો છે. બીજું કે કાર ચાલક ફરિયાદ કરવા આવ્યો જ નથી પછી ફરિયાદ કેવી રીતે લેવાની? ચાલકના મામા ઝાલા ભરવાડના આરોપો ખોટા છે. - વી.આર.વાણીયા, પીઆઈ, ગોત્રી પોલીસ

અન્ય સમાચારો પણ છે...