ગ્રામ પંચાયત ચૂંટણી:વડોદરા જિલ્લામાં ઉમેદવારોએ ભારે આતાશબાજી સાથે વિજય સરઘસ કાઢ્યા

વડોદરાએક મહિનો પહેલા
  • લોકો ઢોલ-નગારા મતગણતરી મથકો ઉપર આવી પહોંચ્યા

વડોદરા જિલ્લાના 260 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના પરિણામો જાહેર થવાની શરૂઆત થતાંની સાથે જ મતગણતરી મથકોની બહાર ભારે આતશબાજી સાથે વિજય સરઘસો નીકળવાની શરૂઆત થઇ ગઇ હતી. મતગણતરી મથકોથી જેતે ગામોના વિજય થયેલા સરપંચો અને સભ્યોના ભવ્ય વિજય સરઘસો વાજતે-ગાજતે પોતાના ગામો તરફ રવાના થયા હતા. ચૂંટણીવાળા ગામોમાં નીકળેલા વિજય સરઘસોમાં થયેલી ભારે આતશબાજીના પગલે દિવાળી જેવો માહોલ પથરાઇ ગયો હતો.

વડોદરા જિલ્લાના 260 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ આજે સવારે 9-30 કલાકથી વડોદરા નજીક આવેલા દશરથ ગામ સહિત 8 સ્થળો ઉપર ઉત્તેજનાત્મક વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઇ હતી. મતગણતરી મથકોની બહાર સવારથીજ ઉમેદવારોના સમર્થકો વિવિધ વાહનોમાં ઉમટી પડ્યા હતા. અનેક ગામના લોકો પોતાના ઉમેદવારોને વિજયના વધામણા આપવા માટે ફૂલ હાર લઇને તો કેટલાંક ગામના લોકો ઢોલ-નગારા સાથે તો કેટલાંક લોકો ફટાકડા સાથે મતગણતરી મથકો ઉપર આવી પહોંચ્યા હતા.

મતગણતરી કેન્દ્રોની બહાર સવારથીજ ખાણી-પીણીની લારીઓ સજ્જ થઇ ગણી હતી. પોતાના ઉમેદવારોના પરિણામ જાણવા માટે ઉમટી પડેલા લોકોએ પરિણામો જાણવાની ઉત્સુકતા સાથે ગરમા-ગરમ ચ્હા, ભજીયાની મોજ માણી હતી. સુસવાટા મારતા ઠંડા પવનો વચ્ચે પરિણામો આવવાની શરૂઆત થતાંજ મતગણતરી કેન્દ્રોની બહાર રાજકીય ગરમાવો આવી ગયો હતો. મતગણતરી કેન્દ્રોની બહાર રાજકીય ગરમાવા વચ્ચે મેળા જેવો માહોલ પથરાઇ ગયો હતો. પરિણામો જાણવા માટે ઉમટી પડેલા ગ્રામ્યજનોમાં કોણ જીતશે અને કોણ હારશે., તે અંગેની ચર્ચાઓ કેન્દ્ર સ્થાને રહી હતી.

સવારે મતગણતરીના એક કલાક બાદ પરિણામો આવવાની શરૂઆત થતાજ મતગણતરી કેન્દ્રોની બહાર ગુલાલની છોળો ઉડવાની શરૂઆત થઇ ગઇ હતી. તે સાથે ઢોલ-નગારા અને ભારે આતશબાજી કરી ગ્રામ્યજનોએ પોતાના વિજેતા થયેલા ઉમેદવારોને વધાવી લીધા હતા. અનેક ગામના લોકો પોતાના વિજેતા ઉમેદવારોને મતગણતરી કેન્દ્રોની બહારથીજ વિજય સરઘસ કાઢીને ગામમાં પહોંચ્યા હતા. ગામમાં પણ ભવ્ય વિજય સરઘસો કાઢી વિજયની ખુશી મનાવી હતી.

અન્ય સમાચારો પણ છે...