ઓનલાઇન છેતરપિંડી:વડોદરાના પાદરામાં ગ્રાહકને ફોન કરીને ભેજાબાજે કહ્યું: 'SBIમાંથી બોલુ છું', KYC માટે નામે OTP આપી દેતા 1.35 લાખ રૂપિયા ઉપાડી લીધા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભેજાબાજે ગ્રાહકને ધમકી આપી હતી કે, OTP નહીં આપો તમારા એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડી લઇશ.

વડોદરા સહિત રાજ્યભરમાં ઓનલાઇન છેતરપિંડીના ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસરરોડ(કણઝટ) ગામના વ્યક્તિ પાસેથી 1.35 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. આ વ્યક્તિને ભેજાબાજે SBIમાંથી બોલું છું, કેવાયસી. ક્લિયર કરવાના નામે ઓટીપી મેળવીને એક જ દિવસમાં તબક્કાવાર રૂપિયા 1.35 લાખ પોતાના ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લિ.માં ટ્રાન્સફર કરી લીધા હતા. ભેજાબાજે વધુ રકમ ટ્રાન્સફર કરી લેવા માટે બેંક એકાઉન્ટ ધારકને ધમકી આપતો હતો કે, ઓટીપી નહીં આપો તમારા એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડી લઇશ.

ભેજાબાજે માગતા ગ્રાહકે ઓટીપી આપી દીધો
વડુ પોલીસ મથકમાં નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ પ્રમાણે પાદરા તાલુકાના માસરરોડ (કણઝટ) ગામમાં રમેશભાઇ મગનભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. 11 માર્ચ-2021ના રોજ એક વ્યક્તિએ SBIમાંથી બોલું છું, તમારી કેવાયસીની મુદ્દત પૂરી થઇ ગઇ છે, તેમ જણાવીને ફોન કર્યો હતો. તેઓને એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેને પાનકાર્ડ, આધારકાર્ડના આધારે નામ, સરનામું તેમજ બેંક એકાઉન્ટ નંબર જણાવીને વિશ્વાસ સંપાદન કર્યો હતો. રમેશભાઇ પરમારે પણ નામ, સરનામું અને બેંક એકાઉન્ટ નંબર ભેજાબાજે જણાવતા વિશ્વાસ મુક્યો હતો અને ભેજાબાજે જણાવ્યા મુજબ ઓટીપી આપી દીધો હતો.

પહેલીવાર OTP આપતા ભેજાબાજે 90 હજાર રૂપિયા ઉપાડી લીધા
ઓટીપી આપ્યા બાદ રમેશભાઇના એકાઉન્ટમાંથી રૂપિયા 90 રૂપિયા ઉપડી ગયા હતા, જેથી રમેશભાઇએ ભેજાબાજના આવેલા ફોન નંબર ઉપર ફોન કરતા ભેજાબાજે જણાવ્યું કે, ભૂલથી ઉપડી ગયા છે. તમને બીજો ઓટીપી આવશે. તે આપો જેથી તમારા એકાઉન્ટમાં 90 હજાર રૂપિયા પરત આવી જશે. ભેજાબાજ પર વિશ્વાસ મૂકીને રમેશભાઇએ બીજી વખત ઓટીપી આપતા ભેજાબાજે રૂપિયા 25,000 અને રૂપિયા 20,000 ઉપાડી લીધા હતા.

ભેજાબાજે ધમકી આપી હતી કે, OTP નહીં આપો તમારા એકાઉન્ટમાંથી તમામ રૂપિયા ઉપાડી લઇશ
આ ઉપરાંત ઓટીપી આપ્યા વિના બીજા રૂપિયા 76,000 ડેબિટ થઇ જતાં રમેશભાઇ ચોંકી ઉઠ્યા હતા અને ભેજાબાજને ઓટીપી આપવાનું બંધ કરી દીધું હતું. ભેજાબાજે ઓટીપી લેવા માટે અવાર-નવાર રમેશભાઇને ફોન કર્યો હતો. પરંતુ, રમેશભાઇએ ઓટીપી ન આપતા તેણે ધમકી આપી હતી કે, જો ઓટીપી નહીં આપો તમારા ખાતામાંથી બીજા રૂપિયા પણ ઉપાડી લઇશ. જોકે, ધમકી આપ્યા બાદ પણ રમેશભાઇએ ઓટીપી આપ્યો ન હતો. દરમિયાન ભેજાબાજે ફોન કરવાનું બંધ કરી દીધું હતું.

ગ્રાહકે ભેજાબાજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી
બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 2,11,000 ઓછા થતાં રમેશભાઇ પરમાર તા.12-3-021ના રોજ માસરરોડ ઉપર આવેલી SBIમાં ગયા હતા. જ્યાં તેઓએ તપાસ કરતા રૂપિયા 76,000ની એફ.ડી. થઇ ગઇ હતી. બાકીના રૂપિયા 1.35 લાખ ફીનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક લિ.માં ટ્રાન્સફર થઇ ગયા હોવાનું જણાતા ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન તેઓએ આ બનાવ અંગે વડુ પોલીસ મથકમાં જઇ ભેજાબાજ સામે રૂપિયા 1,35,000ની ઓન લાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

16 હજારમાં એક્ટિવા ખરીદવાની લાલચમાં શિક્ષિત યુવાને 1.61 લાખ રૂપિયા ગુમાવ્યા હતા
4 દિવસ પહેલા જ સોશિયલ સાઇટ પરથી રૂપિયા 16 હજારની કિંમતની એક્ટિવા ખરીદવાની લાલચમાં જરોદના શિક્ષિત યુવાને રૂપિયા 1.61 લાખ ગુમાવ્યા હતા. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ ખાતે રહેતા 22 વર્ષિય દિપક શર્માએ સોશિયલ સાઇટ પર 16 હજારની કિંમતનું એક્ટિવા જોયુ હતું. દરમિયાન દિપક શર્માના મોબાઇલ પર ફોન આવ્યો હતો. જેમાં ભેજાબાજોએ 1,61,291 ટ્રાન્સફર કરાવ્યા હતા. દિપકે રૂપિયા 16 હજારની કિંમતનું એક્ટીવા ખરીદવા માટે રૂપિયા 1.61 લાખ ભેજાબાજોએ જણાવેલા એકાઉન્ટમાં જમા કરાવ્યા પછી પણ એક્ટીવા મળી ન હતી. જેથી દિપકે બે ભેજાબાજો સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

કાર વેચાણ કરવાના નામે બે યુવાનો પાસેથી 1.63 લાખની ઓનલાઈન છેતરપિંડી થઇ હતી
બે મહિના પહેલા સોશિયલ સાઇટ ઉપર કાર વેચાણ કરવાના નામે બે યુવાનો પાસેથી 1,63,806 રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઇ હતી. વિકાસ પટેલ નામના ભેજાબાજે સાઇટ ઉપર 1.90 લાખ રૂપિયાની કિંમત સ્વિફ્ટ કાર વેચાણમાં મૂકી હતી. કાર ખરીદવા પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં રહેતા અને મૂળ અમદાવાદ ઓઢવના રહેવાસી સંજય રાવજીભાઇ પરમારે તૈયારી બતાવી હતી. ભેજાબાજ વિકાસ પટેલ અને તેના સાગરીતે આર્મીમેન હોવાની ઓળખ બતાવીને સંજયના એકાઉન્ટમાંથી 98,388 અને જગદીશ નામના યુવાનના એકાઉન્ટમાંથી રૂપિયા 65,418 ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં લઇને છેતરપિંડી કરી હતી. બે યુવાનો પૈકી સંજયકુમાર પરમારે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભેજાબાજો સામે છેતરપિંડી વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે

યુવાને 1200 રૂપિયાના કેશબેકની લાલચમાં 2.24 લાખ રૂપિયા ગુમાવ્યા હતા
બીજી તરફ વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના તુલસી ગામમાં રહેતા યુવાન ચિરાગ પ્રવિણભાઇ પટેલ(ઉ.26) સાથે 1200 રૂપિયાનું કેશબેક આપવાની લાલચ આપીને બિહારના એક ભેજાબાજે બે બેંક એકાઉન્ટમાંથી 2.24 લાખ રૂપિયા ઉપાડી લઇને ઓનલાઇન છેતરપિંડી કરી હતી. આ મામલે યુવાને ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...