વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે ટીવી કેબલના રિચાર્જ બાબતે ઓપરેટર અને બુટલેગર વરચે તલવાર જેવા જીવલેણ હથિયાર સાથે મારામારી થઇ હતી. જેને પગલે નાગરવાડા વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. હુમલામાં બે ઇજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે . ઘટના અંગે કારેલીબાગ પોલીસે 6 શખ્સ વિરૂદ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
કેબલ ઓપરેટરે મારામારીની ફરિયાદ કરી
વડોદરાના હરણી ખાતે મોટનાથ રેસિડેન્સીમાં રહેતો કેયુર રાયબોલે પિતા ધનરાજના કેબલ નેટવર્કમાં ઓપરેટર તરીકે ધંધો કરે છે. તેણે ફરિયાદ નોંધાવી હતી કે, વિક્રમ ધનજીભાઈ મકવાણા (રહે. જૂના સલ્મ કવાર્ટસ, નવીધરતી, નાગરવાડા, વડોદરા) એ ટી.વી કેબલના રિચાર્જ બાબતે અપશબ્દો બોલી વાયરો કાપી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હું મામા રાહુલ બનશોર (રહે, આનંદ નગર કારેલીબાગ ) તથા માસીના દીકરા અભિજીત સાથે વિક્રમના ઘરે ગયો હતો. તે સમયે વિક્રમે ઘરમાં લોખંડની પાઇપ લાવી મને માથાના ભાગે મારી હતી. મેં પણ બચાવમાં બેઝબોલ વડે વળતો પ્રહાર કરતા વિક્રમને માથાના ભાગે વાગ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે વિક્રમ મકવાણા વિરુદ્ધ મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બુટલેગરે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી
તો સામા પક્ષે વિક્રમ મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, રિચાર્જ બાબતે તકરાર થતાં ઓપરેટર તેના સાગરીતો સાથે મારા ઘરે ધસી આવ્યો હતો અને અચાનક હુમલો કર્યો હતો. કેયુર તથા અન્ય બે શખ્સે મારી સાથેના તુષારને બેઝબોલના ફટકા માર્યા હતા. જ્યારે કેયુરે તલવારનો વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ દરમિયાન મારા દીકરા સાથે પણ ઝપાઝપી કરી અપશબ્દો બોલ્યા હતા. આ હુમલામાં મને કપાળમાં તથા શરીરે ઈજાઓ પહોંચી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કેયુર ધનરાજભાઇ રાયબોલે, ધનરાજ રાયબોલે તથા અન્ય ત્રણ શખ્સ વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.