વધુ મતદાન આયોજન:વોટેથોનમાં જોડાઈ આબાલવૃદ્ધો મત આપવા માટે સંકલ્પબદ્ધ થયા

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમવાર મત આપનાર યુવાઓથી લઈ દિવ્યાંગો પણ જોડાયા
  • ​​​​​​​ચૂંટણીમાં વધુ ને વધુ મતદાન થાય તે માટે આયોજન કરાયું

શહેર-જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ ફેલાય અને મતદારોનો ઉત્સાહ અકબંધ રહે તે માટે રવિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોર દ્વારા ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં અલગ-અલગ વયના લોકોએ ભાગ લઈ મતદાન માટે થનગનાટ બતાવ્યો હતો. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા પ્રશાંત વાણીએ કહ્યું કે, વોટેથોન દોડથી તેઓ ઘણા પ્રેરિત, ઉત્સાહિત અને મતદાન માટે સંકલ્પબદ્ધ થયા છે. જ્યારે મોરારાજી દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સની વિદ્યાર્થિની મૈથિલી આનંદે જણાવ્યું કે, હું 5 ડિસેમ્બરે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાની છું, તેને લઈને હું એક્સાઇટ છું. દિવ્યાંગ મતદાર કલ્પેશ પરમારે બૂથ સુધી જવાની સક્ષમતા ન ધરાવનાર વડીલો અને દિવ્યાંગોને ઘરે બેઠા મતદાનની સુવિધાનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. તેમણે મજબૂત લોકશાહી માટે મત આપવા અપીલ કરી હતી.

87 વર્ષિય ડો.ઓઝાએ પણ દોડ લગાવી
શહેરનાં વરિષ્ઠ મતદાર, રમત વિરાંગના અને વડોદરા મેરેથોનનાં બ્રાન્ડ એમ્બેસેડર 87 વર્ષીય ડો. ભગવતી ઓઝાએ યુવાઓને શરમાવે તેવી સ્ફૂર્તિથી મતદાન જાગૃતિ માટે 3 કિમીની દોડ લગાવી ‘હું મતદાન અચૂક કરીશ’ તેવો સંદેશ આપ્યો હતો. બીજી તરફ સૌથી નાની વયના મલખમ એવોર્ડ વિજેતા સર્વજીત ખેરેએ પણ આ દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને મતદાન જાગૃતિનો સંદેશ આપ્યો હતો.

મૂકબધિર યુવા મતદારોએ પણ ભાગ લીધો
વોટેથોનમાં મૂકબધિર યુવા મતદારોએ ભાગ લીધો હતો, જેઓ પ્રથમ વખત આ ચૂંટણીમાં મતદાન કરશે. મૂકબધિર યુવા મતદારોએ જુસ્સાભેર સાંકેતિક ભાષામાં જણાવ્યું કે, તેઓ મતદાન તારીખની આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા છે. મતદાન માટેની મેરેથોનમાં દોડીને આ ગ્રૂપે લોકશાહીને મજબૂત કરવાનો અને લોકશાહીની આ મહાન પ્રક્રિયામાં ભાગીદાર બનવાનો આગ્રહ સહ અનુરોધ અન્ય મતદારોને કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...