ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ધંધા સાથે સંકળાયેલા વેપારીએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. સમા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
વેપારીઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
વડોદરાના ન્યુ સમા રોડ ગોપીનાથ એવન્યુ પાસે આવેલા સહયોગ ટેનામેન્ટમાં સુનિલભાઈ ગંગાધર નાયર(ઉ.51) તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઘરમાં જ ઓફિસ બનાવીને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. જોકે, લોકડાઉન બાદ અનલોકમાં પણ ધંધામાં મંદીનો માહોલ ચાલતો હોવાથી ઘણા બધા વેપારીઓ તેમજ ધંધાદારી વ્યક્તિ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આર્થિક સંકળામણમાં આવી રહ્યા છે.
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું
ન્યુ સમા રોડ ખાતે સહયોગ ટેનામેન્ટમાં રહેતા સુનિલભાઈ ગંગાધર નાયર સાથે આવું જ કંઈક બન્યું હોય તેમ લાગી રહ્યું છે. તેમને રાત્રિ દરમિયાન બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આજે સવારે વેપારીને તેમના રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તેમના પત્ની તથા સંતાનો ચોંકી ઉઠ્યા હતા. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો
આ બનાવને પગલે પાડોશમાં રહેતા તથા સોસાયટીના અન્ય રહીશો સુનિલભાઇના ઘરે આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જોકે, પ્રાથમિક પ્રાથમિક તપાસમાં સુનિલભાઈએ ધંધાની મંદીના કારણે ડિપ્રેશનમાં આવીને આ પગલું ભર્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે આગળની તપાસ બાદ જ આપઘાતનો સાચું કારણ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.
3 માર્ચે સોની પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો
વડોદરાના ન્યૂ સમા રોડ પર આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ સોનીએ પોતાની પત્ની, દીકરા, દીકરી, પુત્રવધૂ અને પૌત્ર સાથે 3 માર્ચના રોજ ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની માહિતી મળતા પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને પરિવારના તમામ 6 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન સોની પરિવારના 5 સભ્યોના મોત થયા હતા. પોલીસે 9 જ્યોતિષીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. આ જ્યોતિષીઓમાં હેમંત જોષી, સમીર જોષી, વિજય જોષી, અલ્કેશ જોષી, સાહિલ વ્હોરા, સ્વરાજ જ્યોતિષ અને પ્રહલાદ જોષી સહિતના જ્યોતિષીઓનો સમાવેશ થાય છે.
9 મહિના પહેલા અમદાવાદના ફાઇનાન્સરે વડોદરાની હોટેલમાં આપઘાત કર્યો હતો
9 મહિના પહેલા અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા ફાઇનાન્સર અલ્પેશ પટેલે વડોદરાની એમિટી હોટેલમાં કરેલા આપઘાત કર્યો હતો. અલ્પેશ પટેલે સુસાઇડ નોટમાં અમદાવાદ નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિયા, અલ્પેશના ભાગીદાર નરેન્દ્રસિંહ સમરથસિંહ વાઘેલા, ભરતસિંહ જોધા, અમિત ખુંટ, મુકેશસિંહ કાનજી વાઘેલા, સિધ્ધરાજ ઉર્ફે લાલો વાઘેલા અને લકી રાજ ઉર્ફે લકી વાઘેલાના નામો લખ્યા હતા.
સુરતમાં 10 માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરે બચાવી લીધી
સુરતના વેસુમાં રવિવારે 10 માળેથી કુદીને આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાને ફાયરે એક કલાકની ભારે દિલધડક જહેમત બાદ બચાવી લીધી હતી. માનસિક તણાવમાં મહિલાએ મોતને વ્હાલું કરવા લગભગ 120 ફૂટની ઉચાઈએથી નીચે કૂદકો મારવાનો પ્રયાસ કરતા પરિવારના હોશ ઉડી ગયાં હતાં. ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં. ફાયરની સમય સૂચકતાથી પરિવારને વિખેરાતા બચાવી લીધો હતો. કોરોનામાં પારિવારિક 2 સભ્યોના ઉપરા ઉપરી મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.