વડોદરા દુષ્કર્મ-આપઘાત કેસ:પીડિતાને બચાવનાર બસ ડ્રાઈવરના મુખે ઘટનાક્રમ 'હું બસ પાર્ક કરવા ગયો ને ઝાડ પાછળથી બૂમો સંભળાઈ, મને જોઈ બે નરાધમો ભાગ્યા'

વડોદરા21 દિવસ પહેલા
યુવતીએ આપઘાત કર્યો તે જગ્યાની તસવીર
  • વલસાડની NGOમાં કામ કરતી યુવતીએ વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાત કરી લીધો
  • બસ ડ્રાઈવરે મોબાઈલની ટોર્ચથી યુવતીના કપડાં શોધીને આપ્યા

વલસાડની NGOમાં કામ કરતી યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સીન મેદાનમાંથી તેની બહેનપણી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સીન મેદાનમાં સાંજે 6-55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ જણાવ્યું હતુ કે, મારા ઉપર બળાત્કાર થયો છે. મોબાઇલની બેટરીથી તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી.

યુવતીએ ઝાડ પાછળથી બસ ડ્રાઈવરને બૂમ પાડી
યુવતીને તેની સહેલી પાસે પહોંચતી કરનાર ખાનગી બસના ચાલક રાજુભાઇએ (નામ બદલ્યું છે) સિલસીલાબધ્ધ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, સાંજનો સમય હતો. હું મારી જગ્યાએ ગાડી પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રિક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા.

યુવતીની બસ ચાલક અને પશુપાલક કાકાએ મદદ કરી
યુવતીની બસ ચાલક અને પશુપાલક કાકાએ મદદ કરી

બસ ડ્રાઈવર અને એક કાકાએ યુવતીને કપડાં શોધીને આપ્યા
વધુમાં રાજુભાઇએ જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી લેંગીસ અને ચપ્પલ શોધી લાવ્યા હતા. લેંગીસ ફાટેલી હતી. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું.

રીક્ષામાં જવાનો ઈનકાર કરતા ચાલીને મૂકવા ગયા
રાજુભાઇએ વધુમાં જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો. આથી હું તેને ચાલતા ચકલી સર્કલ પાસે મુકવા નીકળ્યો હતો. રસ્તામાં ઓટો રિક્ષામાં જવાનું કહ્યું. યુવતીએ રિક્ષામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી.

યુવતીની બહેનપણીએ પોલીસ ફરિયાદની ના પાડી
રાજુભાઇએ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી અને જણાવ્યું કે, આપડે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રિક્ષાનો નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્ષા ઉભેલી જોઇ હતી.

ફોનના આધારે યુવતીની ઓળખ થઈ હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.