મદાર હોટલની ઘટનાનો વીડિયો વાઇરલ:સિટી પોલીસના પીએસઆઇની દાદાગીરી હોટેલમાં ઘૂસી ગ્રાહકોને માર મારી ભગાડ્યા

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાકુતપુરા સરસિયા તળાવ પાસેની મદાર હોટલની ઘટનાનો વીડિયો વાઇરલ
  • હોટલ સંચાલકને પણ માર માર્યો હતો, ઉચ્ચ અધિકારીને રજૂઆત કરાઈ

વડોદરા સિટી પોલીસ મથકના પીએસઆઈ ફરી વિવાદમાં આવ્યા છે. પોતાની આગવી સ્ટાઇલ માટે જાણીતા સિટી પોલીસ મથકના પીએસઆઈ કેપી ડાંગર દ્વારા યાકુતપુરા સરસિયા તળાવ પાસે આવેલી હોટેલમાં ઘૂસી ગ્રાહકો અને હોટેલ સંચાલકને માર મારતો વીડિયો પણ વાઇરલ થયો છે. આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

અગાઉ લોકડાઉન દરમિયાન છાણી પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં બૂટ પહેરીને ઘૂસી જઈ ધાર્મિક ગુરુ સાથે બેહુદું વર્તન થયું હતું. પીએસઆઈ કેપી ડાંગર દ્વારા કરાયેલા આ વર્તનને કારણે મોટો વિવાદ થયો હતો અને શીખ સમુદાયની ઉગ્ર રજૂઆત બાદ પીએસઆઈની બદલી કરી દેવામાં આવી હતી.

હાલ સિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ડાંગર અને ટીમે ગુરુવારે રાત્રીના સમયે સરસિયા તળાવ પાસે આવેલી મદાર હોટેલમાં જઈ ચા પી રહેલા ગ્રાહકો અને સંચાલકને માર મારીને ભગાડ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજનો વીડિયો વાઇરલ થયો છે. હોટેલ સંચાલક કુતબુદ્દીન દ્વારા પરીવારને સાથે રાખી પોલીસભવન અને ડીસીપી સમક્ષ લેખિત રજૂઆત કરી પીએસઆઈના વર્તન અંગે ન્યાયની માગ કરી હતી. આ અંગે પીએસઆઈનો સંપર્ક કરવા જતાં તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

જરૂર પડે ન્યાય માટે અદાલતમાં જઈશું
મદાર હોટેલના સંચાલક કુતબુદ્દીનભાઈએ જણાવ્યું છે કે, પીએસઆઈના વર્તન અંગેનો આખો મામલો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે. અમે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, છતાં ન્યાય નહિ મળે તો અદાલત સમક્ષ જઈશું.

અન્ય સમાચારો પણ છે...