ભાસ્કર એક્સકલૂઝિવ:બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદ, સુરત અને વડોદરામાં જ 6000 વૃક્ષોનો કચ્ચરઘાણ નીકળ્યો, શહેરમાં નવાં 14 હજાર વૃક્ષ ઉગાડાશે

વડોદરાએક મહિનો પહેલાલેખક: કુણાલ પેઠે
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વલસાડથી વડોદરાના પટ્ટામાં જ 70 હજાર જેટલાં વૃક્ષોનું નિકંદન કઢાયું, જેમાં લગભગ 30 હજાર નીલગીરીનાં વૃક્ષો હોવાનો અંદાજ
  • શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સત્તાધીશો દ્વારા કપાયેલા 1 વૃક્ષની સામે નવાં 10 વૃક્ષો ઉછેરાશે

ગુજરાત-મહારાષ્ટ્રમાં 508 કિમી અંતરના રૂા.1.01 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાતનાં 3 મોટાં શહેરો અમદાવાદ, વડોદરા અને સુરતમાં 6 હજારથી વધુ વૃક્ષનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. આ પ્રોજેક્ટમાં વડોદરામાં કપાયેલાં 1 વૃક્ષ સામે 10 વૃક્ષ એટલે 14 હજાર નવાં વૃક્ષ ઉછેરવાનું આયોજન છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરતમાં 1400 વૃક્ષો, અમદાવાદમાં 3200 અને વડોદરામાં 1407 વૃક્ષોને જડમૂળમાંથી કાપવાની મંજૂરી મેળવાઈ છે. જ્યારે બુલેટ ટ્રેનના અન્ય સ્ટોપેજ જેવા કે ભરૂચ, આણંદ અને બિલિમોરામાં બુલેટ ટ્રેન સ્ટેશન મુખ્ય શહેરથી દૂર ગામડામાં બની રહ્યાં છે.

આણંદ નજીક ઉત્તરસંડામાં સ્ટેશન બનશે. ઉત્તરસંડા પંચાયતના સરપંચ નિશિથ પટેલે જણાવ્યું કે, ‘અહીં પંચાયતની કેટલી જમીન ગઇ છે અને કેટલાં વૃક્ષો હતાં તેની વિગતો એકત્ર કરવી પડે તેમ છે, તેથી હાલ કંઇ કહી શકાય નહીં.’ જ્યારે ભરૂચ પાસે દેહગામ અને બિલિમોરાથી 8 કિમી દૂર કેસલીમાં સ્ટોપેજ સ્ટેશન હશે. ત્યાંની કલેક્ટર કચેરીએ જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપી છે પણ કેટલાં વૃક્ષો હતાં તેની ગણતરી ચાલુ છે. બુલેટ ટ્રેન સાથે સંકળાયેલા અને એક કરતાં વધુ વિસ્તારોમાં ફરજ બજાવી ચૂકેલા સાઇટ ઇજનેરે કહ્યું કે, માત્ર વલસાડથી વડોદરાના પટ્ટામાં જ 70 હજાર જેટલાં વૃક્ષોનું નિકંદન કઢાયું છે, જેમાં લગભગ 30 હજાર નીલગીરીનાં વૃક્ષોનો હોવાનો અંદાજ છે.

જોકે આ અંગે ચોક્કસ સત્તાવાર માહિતી આપી શકાય તેમ નથી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અન્ય સાઇટ એન્જિનિયર હરિઓમ ત્યાગીએ જણાવ્યું કે, ‘મોટા સેન્ટરોમાં જ્યાં વૃક્ષો કઢાયાં છે તેની જગ્યાએ નવાં વૃક્ષો ઉછેરવાનું પણ આયોજન કરાયું છે. વડોદરા અને સુરતમાં આ આયોજન કરાયાં છે.’ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પાલિકામાં એક વૃક્ષને જડમૂળમાંથી દૂર કરે અને નવાં વૃક્ષો ન ઉછેરવાના હોય તો રૂા. 25 હજાર લેવાય છે. જ્યારે વડોદરામાં આ માટેનો ચાર્જ રૂા.2500 છે.

કયા શહેરમાં કેટલાં વૃક્ષો કાપવાની સત્તાવાર મંજૂરી લેવાઇ ?
વડોદરા : 1407
અમદાવાદ : 3200
સુરત : 1400
કુલ : 6007

વડોદરામાં વડસરમાં સૌથી વધુ 837 વૃક્ષો નષ્ટ થયાં
માંજલપુરમાં 433
માણેજામાં 137
વડસરમાં 837

વડોદરા; બિલમાં પ્લોટમાં મિયાવાંકી વનનો ઉછેર
વડોદરાના પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડે. ડાયરેક્ટર ગૌરવ પંચાલે કહ્યું કે, 1407 વૃક્ષ કપાયાં છે. આ વૃક્ષો માટે પાલિકાએ 35.17 લાખ ડિપોઝિટ ભરાવી છે. બિલમાં વૃક્ષારોપણ કરવા બુલેટ ટ્રેન સત્તાધીશોને પ્લોટ આપ્યો છે. જ્યાં મિયાવાંકી વન ઊભું કરાઈ રહ્યું છે. 5 વર્ષમાં કપાયેલા એક વૃક્ષ સામે 10 વૃક્ષ નવાં બતાવશે તો ડિપોઝિટ પરત કરાશે.

અમદાવાદ; 2.5 લાખ ચોમીમાં જંગલ ઊભું કરાશે
અમદાવાદ પાર્કસ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર જિજ્ઞેશ પટેલે કહ્યું કે, અમદાવાદમાં 3200 વૃક્ષો બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સમૂળગાં કાઢવાં પડ્યાં. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2.5 લાખ ચોમી જમીન હાથીજણ પાસે આપી છે. જેમાં તેઓ 32 હજાર વૃક્ષ ઉછેરશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા કેટલાંક વૃક્ષો ફરી રોપાયાં છે. જોકે પાલિકાએ આ માટે ફીની વસૂલાત કરી નથી.

સુરત; કામરેજ-વરાછા રોડ પર 12 હજાર વૃક્ષનો ઉછેર
સુરત પાર્ક્સ એન્ડ ગાર્ડનના મેનેજર ડો.એસજે ગૌતમે કહ્યું કે, સુરતમાં 1400 વૃક્ષની સામે વરાછા-કામરેજ રોડ પર પ્લોટની પસંદગી કરાઈ છે, જ્યાં 12 હજાર વૃક્ષ ઉછેરાશે. બુલેટ ટ્રેન સત્તાધીશોએ 800 વૃક્ષ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. વૃક્ષોના ઉછેર માટે પાલિકાએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસેથી 65 લાખ લીધા છે, જે સફળ ઉછેર થતાં પરત કરાશે.

અન્ય સમાચારો પણ છે...