વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી સુખધામ રેસિડેન્સીના રહીશો આજે બિલ્ડર દ્વારા થતી હેરાનગતી સામે મોરચો લઇને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતાં. જેમાં રહીશોએ જણાવ્યું હતું કે, બિલ્ડરે કોર્પોરેશન દ્વારા અપાતા પીવાના પાણીની સુવિધા ઉભી કરી નથી અને સાથે જ ઘણા મકાનોના દસ્તાવેજ પણ વિવાદના કારણે અટકી પડ્યા છે.
22 ડુપ્લેક્ષ મેમ્બરના દસ્તાવેજ થયા નથી
વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ પર આવેલી સુખધામ રેસિડેન્સી ડુપ્લેક્ષમાં રહેતા બિલ્ડર દ્વારા થતી હેરાનગતિથી પરેશાન થઇ ગયા છે. જેથી આજે આ લોકોએ વડોદરાના કલેક્ટરને આવેદન આપ્યું હતું કે, બિલ્ડર દર્પણ હરેશકુમાર શાહ દ્વારા સુખધામ રેસિડેન્સીમાં 67 ડુપ્લેક્ષમાંથી મોટાભાગના મકાનોના પઝેશન આપી દીધા છે અને તેમાંથી લગભગ 22 ડુપ્લેક્ષ મેમ્બરના દસ્તાવેજ થયા નથી. રહીશોએ બિલ્ડર દર્પણ શાહને વારંવાર રજૂઆત કરવા છતાં જવાબ મળ્યો કે, બિલ્ડર અને જમીન માલિક વચ્ચે નાણાકીય અથવા અન્ય મતભેદ થવાથી દસ્તાવેજ થતાં નથી.
હાઇ TDSનું પાણી વાપરવુ પડે છે
સોસાયટીના રહીશ યશવંત પટેલે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષથી સુખધામમાં રહેવા માટે લોકો આવી ગયા છે. દસ્તાવેજના પુરા રુપિયા બિલ્ડર દર્ષણ શાહને આપી દીધા છે. છતાં ઘણાના દસ્તાવેજ થયા નથી. અમે બિલ્ડરને રજૂઆત કરવા જઇએ તો તે ધાક-ધમકી આપે છે. કોર્પોરેશન દ્વારા બિલ્ડરને પાણી લાઇનમાં કનેક્શન જોડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે, છતાં બિલ્ડર કનેક્શન જોડતા નથી. જેથી સોસાયટીને હાઇ TDSનું પાણી વાપરવુ પડે છે. આ પાણી એટલું ખરાબ છે કે પીવા તો શું પણ વાપરવામાં ઉપયોગ ન લઇ શકાય. આ બાબતે અમે આ બાબતે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવાના છીએ અને છેલ્લે મુખ્યમંત્રી કે વડાપ્રધાનને રજૂઆત કરવી પડે તો ત્યાં પણ જઇશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.