શહેરમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા બિલ્ડરે પોતાના સમાજની 20 વર્ષીય યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અકોટા સ્થિત પોતાના ઘરમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મી બિલ્ડર વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. આરોપીએ પોતાની સેફ્ટી માટે યુવતીના ન્યૂડ ફોટા અને પિતા વિરુદ્ધ લેટરો લખાવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
જે.પી.રોડ પોલીસના જણાવ્યા અનુસાર, શહેરનો બિલ્ડર નવલ દીપકભાઈ ઠક્કર (ઉં.વ.43, રહે.કાન્હા બંગલોઝ, આમ્રકુંજ સોસાયટી, ઈલોરાપાર્ક) ફરિયાદીના સંબંધી થાય છે. ફરિયાદી પિતાનો આક્ષેપ છે કે નવલ ઠક્કરના લગ્ન થઈ ગયા છે અને તેને સંતાનમાં એક દીકરો પણ છે. નવલ ઠક્કર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો-જતો હતો. દરમિયાન નવલ ફરિયાદીની 20 વર્ષીય દીકરી સાથે વાતચીત કરીને ખરાબ નજર નાખતો હતો. આ અંગે પિતાને આશંકા જતાં 6 મહિના પહેલાં તેમણે નવલ ઠક્કરને તેના ઘરે ન આવવા અને તેની દીકરી સાથે કોઈ જાતની વાતચીત કરવાની કે સંપર્ક રાખવાની પણ ના પાડી દીધી હતી.
જોકે બિલ્ડર યુવતી સાથે મોબાઈલ ફોન પર અવારનવાર વાતચીત કરતો હતો. યુવતી ટ્યૂશન ક્લાસમાં આવે ત્યાંથી બિલ્ડર તેને પોતાની કારમાં બહાર લઈ જતો હતો. આ તમામ ઘટનાની જાણ યુવતીના પિતાને 15 દિવસ પહેલાં થઈ જતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા અને તેમણે નજીકના સંબંધીઓ સાથે બિલ્ડરના ઘરે જઈને દીકરી સાથે કોઈપણ સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. જોકે બિલ્ડરે ‘મારે તમારી દીકરી સાથે કોઈ ખરાબ સંબંધ નથી અને તે મારી દીકરી સમાન છે અને હવે પછી હું તેની સાથે કોઈ વાતચીત કરીશ નહીં’ એમ જણાવ્યું હતું.
જોકે આ ઘટનાના બે દિવસ બાદ પિતાને દીકરી પાસે મોબાઈલ મળી આવ્યો હતો. પિતાએ મોબાઈલ અંગે પૂછતાં દીકરીએ મોબાઈલ નવલ ઠક્કરે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પિતાએ મોબાઈલ તપાસતાં એમાં દીકરીના ન્યૂડ ફોટોગ્રાફ હતા, જે જોઈને પિતા ચોંકી ઊઠ્યા હતા. આ ઉપરાંત દીકરીએ પોતાના પિતા વિરુદ્ધ એક લેટર પણ લખ્યો હતો, જેનો ફોટોગ્રાફ પણ પિતાને મળ્યો હતો.
આ ન્યૂડ ફોટોગ્રાફ્સ અને લેટર અંગે દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે નવલ ઠક્કર છેલ્લા 6 મહિનાથી તેની સાથે લગ્ન કરવાની લાલચો આપી પટાવી-ફોસલાવી અકોટા ખાતે તેના મકાને લઈ જતો હતો. તે પછી હું ના પાડું તેમ છતાં લગ્ન કરવાના વાયદા આપીને મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધતો હતો. તે પોતાની સેફ્ટી માટે તે જબરદસ્તી લેટરો લખાવતો હતો.
આમ, આરોપી નવલની ચોંકાવનારી તમામ જાણકારી મળ્યા બાદ પિતાએ જે.પી. રોડ પોલીસ મથકમાં નવલ ઠક્કર વિરુદ્ધ જે.પી. રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં આરોપી નવલ દીપકભાઈ ઠક્કર સામે 376(2)(એન) મુજબ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરાઈ છે.
આરોપીની ધરપકડ માટે ઠેર-ઠેર દરોડા
જે.પી. રોડ પોલીસ મથકના અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપીની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપી નવલ ઠક્કર પરિણીત છે અને એક સંતાનનો પિતા છે. પીડિતાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આરોપીના ઘરે તપાસ કરતાં તે મળી આવ્યો નથી. તે ઘરેથી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.