વડોદરા શહેર નજીક સિંધરોટ રોડ પર શંકાસ્પદ પરિસ્થિતિમાં કારમાં આગ લાગતા મોતને ભેટેલા બિલ્ડર હરીશ અમીનના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
પત્ની આજે યુગાન્ડાથી આવ્યા
વડોદરાના સિંધરોટ ભીમપુરા રોડ ઉપર બુધવાર મળસ્કે બિલ્ડર હરીશ દાદુભાઈ અમીન ઇકો કારમાં લાગેલી રહસ્યમય આગમાં જીવતા ભડથું થઇ ગયા હતા. લોકિંગ સિસ્ટમ વિનાની કારમાં દરવાજો નહીં ખુલતા આ કરુણાંતિકા સર્જાઇ હતી. જો કે, બનાવ અંગે અનેક ભેદભરમ સર્જાયા છે. ઘટના બની ત્યારે હરિશ અમીનના પત્ની યુગાન્ડા હતાં. જેથી પત્ની વડોદરા આવતા આજે હરિશ અમીનના મૃતદેહના વડીવાડી સ્મશાન ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
હત્યાની દિશામાં તપાસ
ઉલ્લેખનીય છે કે, કારમાં આગ મામલે વડોદરા જિલ્લા પોલીસ અત્યાર સુધી અકસ્માતે મોત નોંધી તપાસ ચલાવી રહી હતી, પરંતુ, શંકા ઉપજાવે એવા અનેક કારણો ઉભા થતા હવે હત્યા પણ હોઇ શકે એવી દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસે ઇકો કારના માલિક સહિતના લોકોના નિવેદન લીધા હતા.
પોલીસે CCTVની મદદ લીધી
અમીન ઓર્ચિડ ફાર્મ હાઉસના માલિક અને બિલ્ડર હરીશ અમીન (ઉ.વ.68) મોંઘી અને વૈભવી કારોનો કાફલો ધરાવતા હોવા છતાં ઇકો કાર માં મધ્ય રાત્રી બાદ સોનારકુઇ ગામ નજીકના પોતાના ફાર્મ હાઉસથી એકલા નીકળ્યા હતા કે, સાથે કોઈ હતું તેની જાણકારી મેળવવા માટે જિલ્લા પોલીસે માર્ગ ઉપર અને સિંધરોટથી ઉમેટા ચોકડી સુધીના ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ ઉપર લગાડેલા સીસીટીવીના ફૂટેજ મેળવવાનું શરુ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.